પેપર લીક કેસમાં રૂપલ શર્મા સાથે કોંગ્રેસના MLAનું નામ આવ્યું સામે, જાણો શું છે મામલો
રૂપલે જવાબવહી ચકાસવા માટે વોટ્સઅપ કર્યા બાદ આ પેપરકાંડનો મામલો સામે આવ્યો હતો. રૂપલ જે હોસ્ટેલ ચલાવતી હતી તે ગાંધીનગરમાં આવેલી છે.
અમદાવાદ: લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થયાના મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગરમાં શ્રીરામ હોસ્ટેલ ચલાવતી રૂપલ શર્માની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે રૂપલ શર્મા જે મકાનમાં શ્રી રામ હોસ્ટેલ ચલાવતી હતી તે મકાનને લઇ કોંગ્રેસ ધારાસભ્યનું નામ સામે આવ્યું છે.
વધુ વાંચો: ગુજરાત નોંધારૂ નથી, ઉમેદવારોને 10 દિવસમાં વળતર નહીં મળે તો હું પોતે બહાર આવીશ: શંકરસિંહ
લોકરક્ષક ભરતી બોર્ડની પરીક્ષામાં પેપર લીક થયાના મામલે શ્રીરામ હોસ્ટેલ ચલાવતી રૂપલ શર્માની પણ ધરપકડ કરાઈ છે. યશપાલ મારફતે થઈને રૂપલ પાસે જ પરીક્ષાની જવાબવહી આવી હતી. જે બાદ રૂપલે જવાબવહી ચકાસવા માટે વોટ્સઅપ કર્યા બાદ આ પેપરકાંડનો મામલો સામે આવ્યો હતો. રૂપલ જે હોસ્ટેલ ચલાવતી હતી તે ગાંધીનગરમાં આવેલી છે. આ હોસ્ટેલમાં જ અન્ય આરોપીઓએ ભેગા મળી 10 જેટલા વિદ્યાર્થીઓને પેપરનાં જવાબ આપ્યાં હતા.
વધુ વાંચો: સુરત રાજદ્રોહ કેસ: PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાનાં જામીન મંજૂર
આ હોસ્ટેલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવાર રહે છે. ત્યારે પેપરલીક કાંડનું એપિસેન્ટર બનેલી આ હોસ્ટેલમાં રૂપલ શર્માની નાની ઓફિસ છે. જેની બહાર લખેલું છે કે મેડમને પૂછ્યાં વિના કોઈએ અંદર આવવું નહીં કે દરવાજો ખખડાવવો નહીં. તો આ હોસ્ટેલ ભાડા પર ચાલતી હોવાની વાત પણ સામે આવી છે. જેમાં મહત્વની વાત એ છે કે આ હોસ્ટેલના મુળ માલિક કોંગ્રેસના માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ છે. જેમાં રૂપલ શર્મા સાથે કરાયેલા ભાડા કરારના ફોટો પણ સામે આવ્યા છે. જેમાં ધારાસભ્ય સુરેશ પટેલ અને રૂપલ શર્માના નામનો ઉલ્લેખ છે.