Cyclone Biparjoy : કેમ આવે છે વાવાઝોડુ? કેવી હોય છે વાવાઝોડાની આંખ? દરિયામાં કઈ રીતે ઉઠે છે તોફાન?
Cyclone Biparjoy : ગુજરાત પર તોળાઈ રહ્યું છે વિનાશક બિપરજોય વાવાઝોડાનું સંકટ. આ કુદરતી આફત કેમ સર્જાય છે? કેમ વારંવાર આવે છે વાવાઝોડા? કેવી હોય છે વાવાઝોડાની આંખ? આ દરેક સવાલોના જવાબો જાણો વિગતવાર...
Cyclone Biparjoy : હાલ ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું જોખમ. પ્રધાનમંત્રી મોદી પણ આ મુદ્દે સતત ગુજરાત સરકારના સંપર્કમાં છે અને પરિસ્થિતિની સમીક્ષા કરતા રહે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ જ થાય છેકે, આખરે આ વાવાઝોડું કેમ આવતું હોય છે? આ વાવાઝોડાની દિશા કઈ રીતે નક્કી થાય? વાવાઝોડું કેટલો સમય ચાલુ ખેંચાશે અપાય કઈ રીતે અંદાજો લગાવવામાં આવે છે? અને આ વાવાઝોડાની આંખ કેમ માનવામાં આવે છે સૌથી ખતરનાક?
ઉલ્લેખનીય છેકે, વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારે ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સર્પાકાર આકારે ગુજરાત તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાના કારણે 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જાણીએ વાવાઝોડુ કઇ રીતે સર્જાય છે અને તેનું સ્ટ્રક્ચર કેવું હોય છે.
ભારતમાં ક્યારે સૌથી વધુ વાવાઝોડાની શક્યતા?
ઉષ્ણકટિબંધીય ચક્રવાત મોટેભાગે મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બરમાં આવે છે. ઉત્તર હિંદ મહાસાગરમાં અમુક તીવ્રતા અને આવર્તન ધરાવતા ચક્રવાત દ્વિ-મોડેલ હોય છે, જેમાં સૌથી વધુ નવેમ્બર અને બીજું મેમાં હોય છે. ઉત્તર હિંદ મહાસાગર (બંગાળની ખાડી અને અરબી સમુદ્ર)માં લેન્ડફોલ દરમિયાન વિનાશક પવન, વાવાઝોડું અને મૂશળધાર વરસાદની શક્યતાને કારણે આપત્તિની સંભાવના વધારે હોય છે.
વાવાઝોડુ કોને કહેવાય?
વાવાઝોડુએ વરસાદની જેમ જ એક કુદરતી પ્રક્રિયા છે. જેમાં ભારે પવનનો વંટોળ એકત્ર થાય છે અને કાબુ બહાર જાય છે. હજુ સરળ શબ્દોમાં કહીએ તો વાવાઝોડુએ દરિયામાં ઉઠેલું એક પ્રકારનું ગોળાકાર તોફાન છે. જે પવની ગતિ પકડીને ગમે ત્યાં વિનાશ નોંતરી શકે છે. સામાન્ય રીતે વાવાઝોડુએ વર્તુળાકારમાં ગુમતો પવનો એક ગોટો છે. પોતાના સંપર્કમાં આવેલાં માણસો જ નહીં ધરતી પર દેખાતી તમામ વસ્તુઓને પોતાને આધિન લઈ શકે છે. વાવાઝોડાનો જન્મ દરિયામાં થાય છે. દરિયામાં ઉઠેલા તોફાનમાંથી વાવાઝોડુ જમીન પર આવે છે.
કેવી રીતે અસર કરે છે વાવાઝોડુ?
વાતાવરણમાં હળવા દબાણના કારણે અરબી સમુદ્ર કે બંગાળના અખાતમાં સર્જાતા આ વર્તુળાકાર પવનો સામાન્ય રીતે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી દરિયામાંથી જમીન ઉપર ત્રાટકે છે. વાવાઝોડાની અસરના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
વાવાઝોડુ કઇ રીતે સર્જાય છે?
ઉત્તર-પશ્ચિમ ભારતમાં પ્રચંડ ગરમીનું મોજુ વાવાઝોડાને પેદા કરતું પરિબળ છે. હવા ગરમ થવાથી હલકી થાય છે અને ઉપર ઊઠે છે. જેથી હળવા દબાણનું ક્ષેત્ર સર્જાય છે. આ જગ્યા ભરવા બીજા પવન આ બાજુ આગળ વધે છે. આ રીતે અરબી સમુદ્રમાંથી વરાળ સાથેનું વાદળોનું પ્રચંડ સમૂહ આગળ વધી દરિયાકાંઠા ઉપરથી દબાણ ક્ષેત્રની તરફ વધે છે. વાવાઝોડું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગોળ ફરે છે. તે દરિયાની સપાટીથી ૮ થી ૧૨ કીમી ઊંચાઈ સુધીનું પણ હોઈ શકે છે. વાવાઝોડાની પહોળાઈ ૨૦ થી ૫૦ કિમીની હોઈ શકે છે. વાવાઝોડાની વચ્ચે આવેલ શાંત કેન્દ્રોને વાવાઝોડાની 'આંખ' કહેવાય છે. તેની આંખ સામાન્ય રીતે 65થી 80 કિમી વ્યાસની હોય છે. આ પ્રકારના વાવાઝોડા સામાન્ય રીતે ઉષ્ણકટિબંધિય દેશોમાં આવે છે. તેમાં પવનની ગતિ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. પણ તીવ્રતા વધતા હવાની ગતિ વધારે ઝડપી રહે છે.
વાવાઝોડા અંગે જાણવા જેવું:
- વાવાઝોડું સર્જાવા માટે દરિયાની સપાટી 26.5 ડિગ્રી સેલ્સિયસથી વધારેનું તાપમાન હોવું જોઈએ.
- તાપમાન કેટલું છે તેના પરથી નક્કી થાય છે કે વાવાઝોડું કેટલું ખતરનાક બનશે, કેટલું લાંબુ ચાલશે.
- દરિયામાં જ વિખેરાઈ જશે કે જમીન પર ત્રાટકશે. આ બધું દરિયાની જળસપાટીના તાપમાન પર આધારિત છે. જો તેને વધારે તાપમાન મળતું રહે તો તે દરિયામાં આગળ વધતું રહે અને જો ઠંડુ પાણી રસ્તામાં આવે તો તે વિખેરાઈ જાય છે કે નબળું પડી જાય છે.
- વાતાવરણમાં જુદી જુદી ઊંચાઈએ રહેલા પવનો વાવાઝોડાને દિશા આપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પવનોની ગતિ, તેનું તાપમાન, તેનું દબાણ વગેરે વાવાઝોડાનો માર્ગ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
- વાવાઝોડાને વળાંક આપવામાં વાતાવરણમાં ઉપરના સ્તર પર રહેલા પવનોની મહત્ત્વની ભૂમિકા હોય છે. આ પવનો વાવાઝોડાની દિશા ફેરવી શકે છે.
- વાતાવરણમાં રહેલી ઊંચા અને નીચા દબાણવાળી પ્રણાલીઓ વચ્ચેનો સંબંધ પણ તોફાનની દિશા પર અસર કરે છે.
- હવાની અંદરની પ્રણાલીઓ વચ્ચેની જે ક્રિયાપ્રતિક્રિયાઓ છે તે ચક્રવાતના હલનચલન પર અસર કરે છે.
કઈ રીતે નક્કી થાય છે વાવાઝોડા અને તોફાનની દિશા?
નિષ્ણાતોના મતમુજબ જ્યારે દરિયામાં લૉ પ્રેશર રચાય ત્યારબાદ જ સાઇક્લોનનો રૂટ નક્કી કરી શકાય છે. એ પહેલાં જ્યારે માત્ર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોય ત્યારે રૂટ બદલતો રહે છે. તો સાઇક્લોનિક સર્ક્યુલેશનથી એ નક્કી થાય કે તોફાન બની રહ્યું છે ત્યારબાદ ડિપ્રેશન, પછી ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ લૉ પ્રેશર સર્જાય જેમાં હવા ઉપરથી નીચે તરફ વાય છે, જ્યારે તે વધુ જોર પકડે અને ઉપરની તરફ ઉઠે ત્યારે તેની દિશા નક્કી થાય અને તેની સાથે તોફાનની દિશા નક્કી થાય."
વાવાઝોડા વખતે શું કાળજી રાખવી?
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની યાદીમાં જણાવ્યાનુંસાર વાવાઝોડા પહેલાં નાગરિકોએ આગાહી માટે રેડીયો,ટી.વી. સમાચારો અને જાહેરાતોનાં સંપર્કમાં રહેવું, માછીમારોએ દરિયો ન ખેડવો, સલામત સ્થળે બોટને લાંગરવી, દરિયાકાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું, ઘરના બારી-બારણાં અને છાપરાનું મજબૂતીકરણ કરવું તેમજ ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડીયો જેવી તાત્કાલિક જરૂરીયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટીકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું અને પ્રાણીઓને સલામત સ્થળે લઇ જવા. વાવાઝોડા દરમિયાન નાગરિકોએ પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઉભા ન રહેવું, ઘરની બહાર નીકળવું નહીં, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરનાં તમામ બારી બારણાં બંધ કરી દેવા, ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.