સુરત, ગાંધીનગર: ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ હવે વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. અરબી સમુદ્વમાં સક્રિય બનેલા વાવાઝોડું 3જી જૂને સવારે દક્ષિણ ગુજરાત પહોંચશે. વાવાઝોડાની સાથે દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 3જી જૂન સુધી માછીમારોને દરિયા ન જવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાપીના વ્યારામાં વહેલી સવારે વરસાદ વરસ્યો છે. વ્યારા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. વિધિવત ચોમાસાની શરૂઆત થઈ હોય તેવો માહોલ સર્જાયો છે. તો બીજી તરફ આજે વહેલી સવારથી જ સુરત શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરત શહેરના સીમાડા વિસ્તાર પર્વત પાટિયામાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. જો ભારે ઉકળાટ વચ્ચે વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે.


દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ત્રીજી જૂને 65થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબ મહાસાગરમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી 48 કલાકમાં મજબૂત બનીને 3થી 4 જૂનની આસપાસ દેશની ઉત્તર દિશામાં આગળ વધીને ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે લેન્ડફોલ કરશે. 


જેમ જેમ આ સિસ્ટમ નજીક આવશે તેમ તેમ રાજ્યમાં પ્રિ-મોનસૂન ગતિવિધિઓ સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા કે હળવો વરસાદ શરુ થશે. 


અરબી સમુદ્રમાં સજાયેલી સિસ્ટમને પહોંચી વળવા માટે ગુજરાતમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તૈયારીના ભાગરૂપે એનડીઆરએફની 11 ટીમોને રાજ્યના દરિયાઇ વિસ્તારોમાં મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાવનગર,વેરાવળ,જાફરાબાદ,ભરૂચ,વલસાડ સહિતના દરિયાઇ વિસ્તારોમાં આ ટીમો આજે સાંજ સુધી પહોંચી જાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. વાવાઝોડાને પહોંચી વળવા માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે 11 વાગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube