ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતમાં ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યાં છે તેમ તેમ કોંગ્રેસ માટે કપરા ચઢાણ બની રહ્યાં છે. કોંગ્રેસમાં એક બાદ એક ઉઠતો કકળાટ ઓછો થવાનુ નામ જ નથી લેતો. હાર્દિકની વિદાય, ભરતસિંહ સોલંકીનો રાજકીય સંન્યાસ બાદ ગુજરાત કોંગ્રેસમાંથી વધુ એક નેતાની વિદાયની ચર્ચા ઉઠી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. જોકે, કોંગ્રેસે આવુ હોવાનો નનૈયો ભણ્યો છે. ગુજરાત પ્રભારી રઘુ શર્મા હાર્દિકને પાર્ટીમાં સાચવી ન શકવાને લઈને હાઈકમાન નારાજ હોવાની વાત સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત ઓક્ટોબર વર્ષમાં રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ હતી. ગુજરાતમાં જે રીતે આંતરિક કકળાટ અને જૂથવાદ વધી રહ્યો હતો તે ડામવા માટે રઘુ શર્માને ગુજરાત મોકલાયા હતા. ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બાદ ખાલી પડેલી જગ્યા પર રઘુ શર્માને જવાબદારી અપાઈ હતી. પરંતુ રઘુ શર્માના કાર્યકાળમાં હાલ સૌથી વધુ કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે. પ્રભારીની કામગીરીથી પ્રદેશ નેતાઓ નારાજ હોવાના અહેવાલ ફરતા થયા છે. પાર્ટીમાંથી દિગ્ગજ નેતાઓનુ જવુ કોંગ્રેસને મોટો ફટકો આપી શકે છે. એક તરફ કહી શકાય કે, રઘુ શર્મા ડેમેજ કન્ટ્રોલ કરવામાં અસફળ નિવડ્યા છે. જેથી દિલ્હી મોવડી મંડળ રઘુ શર્માથી નારાજ છે. માત્ર રઘુ શર્માના જ કાર્યકાળમાં કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓનુ નામ લઈએ તો લિસ્ટ લાંબુ છે. જેમાં હાર્દિક પટેલ, જયરાજસિંહ પરમાર, MLA અશ્વિન કોટવાલ, દિનેશ શર્મા, અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, શ્વેતા બ્રહ્મભટ્ટ, દિનેશ શર્મા, કૈલાસ ગઢવી, દલપત વસાવા, મણિલાલ વાઘેલા, કોંગ્રેસના પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાંસિયાનુ નામ સામેલ છે.  


આ પણ વાંચો : ગુજરાતીઓની સુવિધા માટે લેવાયો મોટો નિર્ણય, ચોરીની આ ફરિયાદ હવે ઓનલાઈન કરી શકાશે


કોંગ્રેસની સ્પષ્ટતા, 2022 ની ચૂંટણી રઘુ શર્માના માર્ગદર્શનમાં લડાશે
જોકે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલવાની ચર્ચાનો મામલે કોંગ્રેસના સિનિયર નેતા અર્જૂન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી છે. મોઢવાડિયાએ કહ્યુ કે, ગુજરાત પ્રભારી બદલવાના અહેવાલ માત્ર અફવા છે. 2022 ની ચૂંટણી રઘુ શર્માના માર્ગદર્શનમાં જ કોંગ્રેસ લડશે. જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી લડશે. 


આ પણ વાંચો : હજી તો ચોમાસું બેઠુ નથી, ને ગુજરાતમાં વીજળી પડવાથી 3 ના મોત... ખેતરમાં કરતા રિમુબેન પર વીજળી ત્રાટકી


... તો પછી નવા પ્રભારી કોણ
રઘુ શર્મા નહિ તો કોણ નવા પ્રભારી... હાલ એ ચર્ચાતો મુદ્દો છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવી શકે છે તેવી કાનાફૂસી શરૂ થઈ છે. સાથે જ ગુજરાત કોંગ્રેસ મામલે દિલ્હીથી અનેક નવા નિર્ણયો લેવાઈ શકે છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડ ગુજરાતમાં સિનિયર ઓબ્ઝર્વરની નિમણૂક કરે એવી પણ શક્યતા છે.