1 જુન 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ નહીં થતાં હોય તો બગડશે બાળકનું વર્ષ, વાલીઓની શિક્ષણ વિભાગને આજીજી
આરટીઇના નિયમ મુજબ 1 જુન 2023 સુધીમાં છ વર્ષ પૂર્ણ થયા હોય તેવા જ વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ આપવો એ અંગે શાળાઓને કરાયો છે આદેશ. આગામી નવા શૈક્ષણિક સત્રથી છ વર્ષની ઉંમર પૂર્ણ થઈ હોય તેવા જ વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ આપવા આપવા આદેશ. નવા નિયમની અમલવારી કરાવવા તમામ શાળાઓને જાણ કરાતા, વિવાદ સર્જાયો...
અતુલ તિવારી, અમદાવાદઃ આગામી નવા શૈક્ષણિક સત્રથી છ વર્ષની ઉંમર પૂર્ણ થઈ હોય તેવા જ વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ આપવા માટે નિયમની અમલવારી કરાવવા તમામ શાળાઓને જાણ કરાતા, વિવાદ સર્જાય રહ્યો છે. આરટીઇના નિયમ મુજબ 1 જુન 2023 સુધીમાં છ વર્ષ પૂર્ણ થયા હોય તેવા જ વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ આપવો એ અંગેની જાણકારી અગાઉથી જ તમામ શાળાઓને આપવામાં આવી હોવા છતાં કેટલાય વાલીઓની મુશ્કેલી વધી છે. નવા નિયમની અમલવારી માટે વર્ષ 2020 થી તમામ બાળકોને નર્સરીમાં પ્રવેશ આપતા સમયે પણ નવા નિયમ મુજબ જ પ્રવેશ ફાળવવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો હતો.
જો કે શિક્ષણ વિભાગના આ આદેશથી અનેક વાલીઓ મુસીબતમાં મુકાયા છે. કેટલાક વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ફરિયાદ કરી મદદની ગુહાર લગાવી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ બે ચાર દિવસને કારણે ધોરણ 1માં પ્રવેશ ન મેળવી શકે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જો આવા બાળકોને પ્રવેશ ધોરણ 1માં નાં આપવામાં આવે તો બાળકોને ફરી સિનિયર કેજીમાં અભ્યાસ કરવો પડે તેવી સ્થિતિ સર્જાશે. વાલીઓએ માંગ કરી છે કે, 6 વર્ષ પૂરા થવામાં જો ગણતરીના દિવસો ખૂટતા હોય તો આગામી નવા સત્ર પૂરતી છૂટ આપવામાં આવે. 1 જૂન 2023 સુધી 6 વર્ષ પૂરા થતા હોય એ અંગેના નિર્ણયમાં રાહત આપી વાલીઓ અને વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે એ અંગે શિક્ષણ વિભાગ વિચારે.
જો કે 1 જૂન 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ થયા હોય તો જ ધોરણ 1માં વિદ્યાર્થીને પ્રવેશ આપવાના નિર્ણય અંગે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી આર. એમ. ચૌધરીએ કહ્યું કે, નવા નિયમની અમલવારી કડકપણે કરવા તમામ શાળાઓને જાણ કરી છે. જો કે આ નિર્ણય અંગે વર્ષ 2020માં તમામ નર્સરી શાળાઓમાં જાણ કરાઇ હતી અને હવે તબક્કાવાર ધોરણ 1માં નિર્ણયની અમલવારી કરાશે. વાલીઓ અમને કેટલાક દિવસ રાહત આપવા અંગે રજૂઆત કરી રહ્યા છે પંરતુ આ નિર્ણય શિક્ષણ વિભાગ તરફથી લેવામાં આવ્યો છે એટલે તેની અમલવારી શિક્ષણ વિભાગના આદેશ મુજબ કરવી જરૂરી છે. વાલીઓ તરફથી મળતી ફરિયાદો અંગે અમે શિક્ષણ વિભાગનું ધ્યાન દોર્યું છે. જો શિક્ષણ વિભાગ કોઈપણ પ્રકારની છૂટછાટ આપશે તો વાલીઓના હિતમાં તેની પણ અમલવારી કરાવીશું.