આવતીકાલે ગુજરાતભરના ઈન્ટર્ન ડોક્ટરોની હડતાળ, સ્ટાઈપેન્ડ વધારવા કરી માંગ
- કોરોના સમયગાળામાં અન્ય રાજ્ય કરતા ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને આપી રહ્યું છે તેવો આક્ષેપ ઈન્ટર્ન ડોકટરોએ મુક્યો
- ઈન્ટર્ન તબીબોની માંગણી છે કે, તેઓ સતત ખડેપગે સેવા બજાવી રહ્યાં છે ત્યારે અમને યોગ્ય વળતર મળવું જોઈએ
અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યભરના ઈન્ટર્ન તબીબો આવતીકાલથી હડતાળ પર ઉતરશે. સ્ટાઈપેન્ડમાં વધારો, કોવિડ ડ્યુટી બદલ ઈન્સેન્ટિવ આપવામાં આવે તેવી માંગ સાથે ઈન્ટર્ન તબીબો હડતાળ (strike) પર ઉતરવાના છે. એપ્રિલ મહિનાથી અત્યાર સુધી બજાવેલી ફરજના સમયગાળાને બોન્ડ સમયગાળામાં 1:1 ગણીને ઇન્ટર્નશીપ પૂર્ણ થયે ઉપરોક્ત તમામ ઇન્ટર્ન તબીબોને બોન્ડ મુક્ત ગણવાની માંગ કરી છે. હાલ MBBS ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ પેટે 12,800 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 20,000 કરવા માંગ કરાઈ છે. તેમજ આ સ્ટાઈપેન્ડમાં વધારો એપ્રિલ 2020 થી સ્વીકારી બાકીની રકમ એરિયર્સરૂપે આપવામાં આવે.
આ પણ વાંચો : કોરોના પણ સાપની જેમ લિસોટા છોડતો જાય છે, આ અમદાવાદી પિતા-પુત્રીની તકલીફોનું લિસ્ટ લાંબું છે
અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે ઈન્ટર્ન તબીબો
કોવિડમાં બજાવેલી ફરજના ભાગરૂપે પ્રોત્સાહિત માનદ મહેનતાણું ઓછામાં ઓછું પ્રતિદિન 1 હજાર લેખે આપવામાં આવે તેવી ઇન્ટર્ન તબીબોની સરકાર સામે માંગ છે. તમામ સરકારી, GMERS તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો સરકાર તેમજ અધિકારીઓને અનેકવાર કરી રજૂઆત કરી ચૂક્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી ઇન્ટર્ન ડોક્ટરો પોતાની રજૂઆત ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, આરોગ્ય સચિવ, આરોગ્ય કમિશનર, ડીન સહિત અધિકારીઓને રૂબરૂ તેમજ લેખિતમાં રજૂઆત કરી ચૂક્યા છે.
આ પણ વાંચો : મોત વચ્ચે માત્ર 20 મિનીટનું અંતર, ગોંડલના વૃદ્ધ દંપતીએ એકસાથે અનંતની વાટ પકડી
આવતીકાલે સોમવારથી ઈન્ટર્ન તબીબો સેવાઓથી અળગા રહેશે. કોરોના સમયગાળામાં અન્ય રાજ્ય કરતા ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને આપી રહ્યું છે તેવો આક્ષેપ ઈન્ટર્ન ડોકટરોએ મુક્યો છે. ઈન્ટર્ન તબીબોની માંગણી છે કે, તેઓ સતત ખડેપગે સેવા બજાવી રહ્યાં છે ત્યારે અમને યોગ્ય વળતર મળવું જોઈએ. ઈન્ટર્ન તબીબો આ વિશે અવારનવાર રજૂઆત કરી ચૂક્યા છે. સાથે જ તેઓએ સોશિયલ મીડિયા પર પણ આ વિશે રોષ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા મોટી હલચલ, કરોડોના કૌભાંડમાં વિપુલ ચૌધરીની ધરપકડ