મિતેશ માળી/પાદરા :મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો સૌથી મહત્વનો પાદરા પાસેના મહીસાગર નદી પર મુજપુર બ્રિજ અત્યંત બિસ્માર હાલતમાં છે. ખખડધજ બ્રિજ પર અનેક મોટી ક્ષતિઓ દેખાઈ રહી છે. ત્યારે પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે બ્રિજને તાત્કાલિક નવો બનાવવાની તેમજ ભારદાર વાહનો બંધ કરવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો મુજપુર બ્રિજ અત્યંત મહત્વનો છે. મહુવડથી બોરસદ હાઇવે પર આવેલ મુજપુર બ્રિજ ગુજરાતના બે ભાગોને જોડે છે. આ બ્રિજનું નિર્માણ 1985 માં કરવામાં આવ્યુ હતું. આ પુલ દોઢ કિલોમીટરનો છે. હાલ તે અત્યંત બિસ્માર હાલતમાં આવી ગયો છે. પુલ પર મસમોટા ગાબડાં પડ્યા છે. બ્રિજની રેલિંગ પણ તૂટી ગઈ છે, જેથી કોઈ બ્રિજ પર ઉભુ રહે તો તેની સાથે પણ દુર્ઘટના થવાની ભીતિ છે. છેલ્લા 37 વર્ષથી બનેલા મુજપુર બ્રિજ જર્જરિત થવા આવ્યો છે. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ત્રસ્ત થયા છે. બ્રિજ પર ગેપ પણ પડી છે. ખખડધજ બનેલા રોડને તાત્કાલિક નવીન બનાવવાની લોક માંગ પણ ઉઠી છે.  


આ પણ વાંચો : કચ્છમાં આજે દિવાળી જેવો માહોલ, પીએમ મોદી આપશે વિકાસકાર્યોની ભેટ 


બ્રિજ અત્યંત બિસ્માર હોવાથી બ્રિજ વાહનોના પસાર થવાથ સતત વાઇબ્રેટ થતો રહે છે. આવામાં ક્યારેક મોટી દુર્ઘટનાની ભીતિ પણ સર્જાય છે. ત્યારે વાહન ચાલકોએ સરકાર તાત્કાલિક બ્રિજનું સમારકામ કામગીરી હાથ ધરે તેવી માંગ કરી છે. 


પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારે પણ મુજપુર બ્રિજને નવો બનાવવાની માંગ કરી છે અને તાત્કાલિક ભારદારી વાહનો બંધ કરવાની માંગ કરી છે. વારંવાર આ અંગે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.