દબંગ નેતા વિઠ્ઠલ રાદડિયાનો દબદબો એવો હતો કે, ચૂંટણી લડવા કોઈ પક્ષ કે ચિન્હની જરૂર ન હતી
ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાના નિધન સાથે ગુજરાતના રાજકારણને એક મોટો ફટકો પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઇને તમામ રાજકીય હસ્તીઓએ વિઠ્ઠલ રાદડીયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિઠ્ઠલ રાદડીયા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેના કારણે જ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી નહોતા લડ્યા
બ્રિજેશ દોશી/અમદાવાદ :ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાના નિધન સાથે ગુજરાતના રાજકારણને એક મોટો ફટકો પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઇને તમામ રાજકીય હસ્તીઓએ વિઠ્ઠલ રાદડીયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિઠ્ઠલ રાદડીયા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેના કારણે જ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી નહોતા લડ્યા. વિઠ્ઠલ રાદડીયા સૌરાષ્ટ્રના દબંગ નેતા અને પાટીદાર આગેવાન હતા. ખેડૂતોમાં લોકપ્રિય નેતા હતા. કારણ કે સહકારી ક્ષેત્રે બેંકોની મદદથી ખેડૂતોને તેમણે ખૂબ જ મદદ કરી હતી. જેના કારણે તેમને ચૂંટણી જીતવા માટે કોઇપણ રાજકીય પક્ષના ચિહ્નની જરૂર ન હતી.
પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન
વિઠ્ઠલ રાદડીયાએ પોતાના રાજકીય સફરની શરૂઆત અપક્ષ લડીને કરી હતી. કોઇપણ પક્ષના ચિહ્ન વગર ચૂંટણી લડીને જીત્યા હતા. જામકંડોરણા તાલુકા પંચાયના અપક્ષ પ્રમુખ બનીને પોતાની તાકાતનો રાજકીય પક્ષોને અનુભવ કરાવ્યો હતો. ધોરાજી અને જામકંડોરણા વિસ્તારમાં શરુઆતથી જ લોકોની વચ્ચે રહીને તેમણે કામ કર્યું હતું. સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે તેમણે લોકોને સીધી મદદ કરી, જેના કારણે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં મોટા નેતા બન્યા. ધોરાજી અને જામકંડોરણમાં તેમના વધતા પ્રભુત્વના કારણે 1990માં ભાજપે તેમને ટીકિટ આપી અને તેઓ ભાજપમાંથી ધારાસભ્ય બન્યા.
વિધવા વહુના બીજા લગ્ન કરાવીને વિઠ્ઠલ રાદડિયાએ સમાજને નવી દિશા બતાવી હતી
ગુજરાતમાં ભાજપની એ વખતે શરુઆત હતી અને સૌરાષ્ટ્રમાં વિઠ્ઠલ રાદડીયા જેવા દબંગ નેતા મળવાથી ભાજપને ઘણો લાભ થયો અને 1995માં ભાજપે સત્તા પણ મેળવી. વિઠ્ઠલભાઇ 1990 થી 2009 સુધી સતત ધારાસભ્ય રહ્યા. પોતાના વિસ્તારમાં દબંગ નેતા હોવાની છાપની સાથે જ લોકોના પ્રશ્નો ઉકેલીને સતત સમર્થન મેળવતા રહ્યા. વિઠ્ઠલ રાદડીયા સતત ચૂંટણી જીતતા રહ્યા ત્યારે ભાજપની પહેલી સરકારમાં તેમને સ્થાન નહોતું મળ્યું. ત્યારે 1996માં ભાજપમાં થયેલા બળવા સમયે તેઓ શંકરસિંહ વાધેલાની સાથે રહ્યા અને મુખ્યમંત્રી સુરેશ મહેતાની સરકારમાં મંત્રી પણ બન્યા. ત્યારબાદ શંકરસિંહ વાઘેલાની રાજપામાં જોડાયા અને તેમની સરકારમાં પણ મંત્રી બન્યા. શંકરસિંહ વાઘેલા બાદ દિલીપ પરીખની સરકારમાં પણ તેઓ મંત્રી પદે રહ્યા.
સોનિયા ગાંધીની ગુડબૂકમાં સામેલ વિઠ્ઠલ રાદડિયાએ એક વાતથી નારાજ થઈને છોડ્યું હતું કોંગ્રેસ
અપક્ષ નેતા તરીકે રાજકીય જીવનની શરુઆત કરનાર વિઠ્ઠલ રાદડીયાએ અનેકવાર પક્ષપલટા પણ કર્યા. શંકરસિંહ વાઘેલાએ રાજપાને કોંગ્રેસ સાથે જોડતા, વિઠ્ઠલભાઇ પણ કોંગ્રેસમાં જોડાયા. જોકે કોંગ્રેસમાં જોડાવા છતાં પણ ધારાસભ્ય તરીકે પોતાની સફર યથાવત રાખી. વર્ષ 2009 સુધી તેઓ સતત જીતતા રહ્યા અને ધારાસભ્ય રહ્યા. લોકો વચ્ચે તેમની લોકપ્રિયતાને કારણે કોંગ્રેસે તેમને લોકસભાની ટિકિટ આપી અને તેઓ વર્ષ 2009માં લોકસભાના સાંસદ પણ બન્યા. વર્ષ 2012માં રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનો ગઢ જીતવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિઠ્ઠલ રાદડીયાની ભાજપમાં ઘરવાપસી કરાવી. આમ, પોતાના પુત્ર જયેશ રાદડીયા સાથે તેઓ ભાજપમાં જોડાયા અને સંસદની પેટા ચૂંટણી લડીને સાંસદ પણ બન્યા. પોતાની વિધાનસભા બેઠક પોતાના પુત્ર માટે ખાલી કરી હતી. જયેશ રાદડીયા પણ પોતાના પિતાના રસ્તે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા.
વરસાદમાં ખીલેલા ગીરા ધોધ અને ગિરિમાળ ધોધના દ્રશ્યો જોઈ આંખો પર વિશ્વાસ નહિ થાય, જુઓ Photos
વિઠ્ઠલ રાદડીયાની ઘરવાપસીનો સીધો લાભ ભાજપને મળ્યો અને વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમત મેળવ્યો. વિઠ્ઠલ રાદડીયાએ અપક્ષ ત્યાર બાદ ભાજપ, રાજપા અને કોંગ્રેસ બાદ ભાજપમાં વાપસી કરી. ભાજપમાં પણ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી લડ્યા અને જીતીને સાંસદ બન્યા. ત્યારબાદ તેમને કેન્સર થયું અને તેમની તબિયત સતત લથડી. જેના કારણે વર્ષ 2019માં તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા નહિ. તેમ છતાં તેમના દબંગ વ્યક્તિત્વનો ભાજપને લાભ મળ્યો અને સૌરાષ્ટ્રમાં રાજકીય નુકસાન વચ્ચે ભાજપ સતત છઠ્ઠીવાર સત્તામાં વાપસી કરી. વિઠ્ઠલ રાદડીયાએ ખેડૂત નેતા તરીકે લોકપ્રિય હતા અને ખેડૂતો વચ્ચેની તેમની લોકપ્રિયતાના કારણે તેઓ પોતાના નામ પર ચૂંટણી લડીને જીતતા હતા. આ જ કારણ રહ્યું કે, સીએમ નરેન્દ્ર મોદીએ તેમને વર્ષ 2012માં ભાજપમાં ઘરવાપસી કરાવી. આજે પણ પોતાની શ્રદ્ધાંજલિમાં પીએમ મોદીએ વિઠ્ઠલ રાદડીયાને ખેડૂત અને સહકાર અગ્રણી તરીકેના યોગદાનને પણ યાદ કર્યું.