સોનિયા ગાંધીની ગુડબૂકમાં સામેલ વિઠ્ઠલ રાદડિયાએ એક વાતથી નારાજ થઈને છોડ્યું હતું કોંગ્રેસ

લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહેલ સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા વિઠ્ઠલ રાદડીયાનું આજે અવસાન થયું હતું. લાંબી માંદગીને કારણે તેમને 2019ની લોકસભામાં ટિકીટ પણ ફાળવાઈ ન હતી. જેને કારણે અનેક વાતો વહેતી થઈ હતી. વિઠ્ઠલ રાદડીયાનો સૌરાષ્ટ્રમાં ભારે દબદબો હતો. 

સોનિયા ગાંધીની ગુડબૂકમાં સામેલ વિઠ્ઠલ રાદડિયાએ એક વાતથી નારાજ થઈને છોડ્યું હતું કોંગ્રેસ

અમદાવાદ :લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહેલ સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા વિઠ્ઠલ રાદડીયાનું આજે અવસાન થયું હતું. લાંબી માંદગીને કારણે તેમને 2019ની લોકસભામાં ટિકીટ પણ ફાળવાઈ ન હતી. જેને કારણે અનેક વાતો વહેતી થઈ હતી. વિઠ્ઠલ રાદડીયાનો સૌરાષ્ટ્રમાં ભારે દબદબો હતો. એક સમય એવો હતો કે, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં કોઇપણ લેવલે ટીકીટ આપવાની હોય, વિધાનસભાથી લઈને નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, વિઠ્ઠલ રાદડિયાનું તેમાં સૌથી વધુ વર્ચસ્વ રહેતું. માત્ર સૌરાષ્ટ્રના જ નહિ, પણ ગુજરાતના રાજકારણમાં પણ તેમનો મોટો રોલ હતો. તે સમયના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ગુડબૂકમાં પણ તેઓ સામેલ હતા. પરંતુ ટોલનાકા પર બંદૂકની ઘટના બન્યા બાદ બધી બાજી બગડી હતી. બાદમાં એવા રાજકીય સંજોગો ઉભા થયા કે, વિઠ્ઠલ રાદડીયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા.

કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનો વાયરો બહુ જૂનો છે. જેમાં વિઠ્ઠલ રાદડિયા પણ સામેલ હતા. પાંચ વાર ધારાસભ્ય પદ અને એકવાર સાંસદ તરીકે ચૂંટીને આવનાર વિઠ્ઠલ રાદડીયાએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થયા બાદ વિપક્ષના નેતા બનવાની દાવેદારી કરી હતી. પરંતુ તેમના સ્થાને શંકરસિંહને વિપક્ષના નેતા બનાવાયા હતા. જેને કારણે પક્ષથી નારાજ વિઠ્ઠલભાઈએ પોતાના પુત્ર સાથે ભાજપની વાટ પકડી હતી. પરંતુ વિઠ્ઠલ રાદડિયા મૂળ તો શંકરસિંહની પાર્ટી રાજપના હતા. તે પાછળ પણ એક લાંબી સ્ટોરી છે. 

શંકરસિંહ વાઘેલા મૂળ ભાજપી ગૌત્રના છે. તેઓને 1996માં કેશુભાઈ પટેલની સરકાર વખતે ભાજપમાં બળવો કરીને રાષ્ટ્રીય જનતા પક્ષ(રાજપા) નામનો નવો પક્ષ બનાવ્યો હતો. આ પક્ષની બાદમાં સરકાર પણ બની હતી. મુખ્યમંત્રી તરીકે શંકરસિંહ વાઘેલા હતા. બાદમાં શંકરસિંહે તેમના પક્ષનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરી નાખ્યું હતું. શંકરસિંહ પોતે તેમના તમામ ટેકેદારો અને સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. શંકરસિંહની સાથે જે મંત્રીઓ હતા તે તમામ પણ કોંગ્રેસમાં જોડાયા હતા. તમામ સમર્થકોને શંકરસિંહમાં પૂરો વિશ્વાસ હતો. પરંતુ કોંગ્રેસમાં આવ્યા બાદ સમર્થકોને શંકરસિંહ જોઈતું અપાવી શકવામાં અસમર્થ રહ્યાં હતા. બીજી બાજુ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બનવા એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું હતું. જેના ભાગરૃપે તેમણે કોંગ્રેસ સહિતના તમામ વિરોધી પક્ષોના આગેવાનો માટે ભાજપના બારણાં ખુલ્લા મૂકી દીધા. આ કારણે શંકરસિંહના સમર્થકો અને ખાસ કરીને મંત્રીમંડળમાં જે આગેવાનો હતા તે એક પછી એક ભાજપમાં આવવા માંડયા. શંકરસિંહ વાઘેલાનું લગભગ આખું મંત્રીમંડળ ભાજપમાં આવી ગયું હતું. શંકરસિંહ વાઘેલાની સરકારમાં રહેલા બાવીસ જેટલા મંત્રીઓ જે શંકરસિંહ સાથે રાજપામાં અને ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે ભાજપમાં આવી ગયા હતા. જેમાં વિઠ્ઠલ રાદડિયા પણ સામેલ હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news