Porbandar: ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી અરબી સમુદ્રમાં છોડવાના નિર્ણયનો માછીમાર સમાજે નોંધાવ્યો વિરોધ
યોજનાના વિરોધમાં પોરબંદરના માછીમાર આગેવાન અને નેશનલ ફીશ ફોરમ વર્કસના સેક્રેટરી મનીષ લોઢારીએ પોરબંદર જિલ્લા કલેકટરથી લઈ મત્સ્યોદ્યોગ મંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓને આ અંગે રજુઆત કરી છે કે કેમિકલયુકત પાણી દરિયામાં ઠાલવાશે તો માછીમારી ઉદ્યોગ ઠપ્પ થઇ જશે.
અજય શીલુ, પોરબંદરઃ દરિયામાં સતત વધી રહેલા પ્રદૂષણને કારણે માછલીઓનો જથ્થો દિન-પ્રતીદિન ઘટી રહ્યો હોવાથી માછીમારો સહિત ફિશીંગ સાથે સંકળાયેલ ઉદ્યોગકારો ચિંતીત બન્યા છે. ત્યારે રાજ્યના 7થી વધુ જિલ્લાઓના ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીને પાઈપલાઈન મારફતે અરબી સમુદ્રમાં છોડવાની વાત સામે આવતા પોરબંદરના માછીમારોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને આ મુદ્દે માછીમાર આગેવાનો અને માછીમાર સમાજના વાણોટ દ્વારા વિરોધ નોંધાવાયો છે.
વાવાઝોડા અને ભારે વરસાદ સહિતની કુદરતી આપત્તીઓ તેમજ કોરોના મહામારી અને દરિયામાં સતત ઘટી રહેલ માછલીઓના જથ્થાએ માછીમારી ઉદ્યોગને ભારે માઠી અસર પહોંચાડી છે. પોરબંદર જિલ્લાની જ વાત કરીએ તો આજે પોરબંદર જિલ્લામાં નાની મોટી 5 હજારથી વધુ બોટો આવેલ છે. જેમાંથી આજે 80 ટકા બોટો સતત વધી રહેલા ડીઝલના ભાવ અને ફિશીંગમાં આવતા માછલીના ઓછા જથ્થાના કારણે ખર્ચ પરવડતો ન હોવાથી બોટો બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે માછીમારો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા અંદાજે સાડા પાંચ હજાર કરોડના ખર્ચે ઉદ્યોગોના કરોડો લીટર કેમિકલયુક્ત પાણીને પાઇપલાઇન મારફતે દરિયામાં ઠાલવાશે.
Gujarat Local Body Polls : 6 પાલિકામાંથી આવેલા 7000 ફોર્મમાંથી ભાજપ કોને કોને ટિકીટ આપશે?
આ યોજનાના વિરોધમાં પોરબંદરના માછીમાર આગેવાન અને નેશનલ ફીશ ફોરમ વર્કસના સેક્રેટરી મનીષ લોઢારીએ પોરબંદર જિલ્લા કલેકટરથી લઈ મત્સ્યોદ્યોગ મંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓને આ અંગે રજુઆત કરી છે કે કેમિકલયુકત પાણી દરિયામાં ઠાલવાશે તો માછીમારી ઉદ્યોગ ઠપ્પ થઇ જશે. કારણ કે આ પાણીથી દરિયાઈ જીવસૃષ્ટિનો વિનાશ નોતરશે સાથે જ હાલમાં બર્ડ ફ્લૂ ,કોરોના સહિતના જે રોગોથી લોકો પરેશાન છે ત્યારે આ કેમિકલયુક્ત પાણીના કારણે ફિશીંગમાં આવતી મચ્છીમાં જો કોઈ નવો રોગ આવશે તો જે લોકો માછલી આરોગે છે તેઓના જીવ પણ જોખમાશે. જેથી આ પાણી દરિયામાં ઠાલવવાને બદલે જે તે જિલ્લામાં જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વડે પાણી શુદ્ધ કરી સ્થાનિક ઉદ્યોગો અને ખેડૂતોને સિચાઇ માટે આપી દેવુ જોઈએ તેવી તેઓએ માંગ કરી હતી.
Big Update : આ તારીખથી ખૂલશે 9 અને 11ની શાળા અને ગુજરાતભરના ટ્યુશન ક્લાસીસ
જેતપુર સહિતના ઉદ્યોગોનુ કરોડો લીટર ઝેરી પાણી ઠાલવવાના વિરોધમાં પોરબંદર સમસ્ત ખારવા સમાજના પ્રમુખ દ્વારા આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે કે,પોરબંદર નજીકના દરિયામાં કરોડો લીટર પ્રદુષિત પાણી ઠાલવવાનો નિર્ણયનો અમો સખત વિરોધ કરીએ છીએ કારણ કે પાણીથી દરિયાઈ જીવ સૃષ્ટિનો નાશ થશે એટલું જ નહીં કાઠાના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય માટે પણ શ્રાપરુપ થશે. દરિયામાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવશે તો કરોડો રુપિયાનુ વિદેશી હુંડીયામણ કમાઈ આપતો આ ઉદ્યોગ પણ ચોપટ થઈ જશે,માટે આ યોજનાને પડતી મુકવામાં આવે તેવી માંગ ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇ દ્વારા કરવામાં આવી છે.
એક તરફ સરકાર સ્પોર્ટ્સ એડવેન્ચર અને દરિયાને શુદ્ધ કરવાની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ કેમિકલયુક્ત પાણીને પાઇપ લાઇન બિછાવી આવા પાણીને દરિયામાં ઠાલવવા માંગે છે.. આ યોજનાને લઈ હાલ તો માછીમાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમા આ મુદ્દે શું પરિણામ આવે છે તે જોવું રહ્યુ.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube