અમદાવાદ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' સતત વિવાદોમાં ફસાઈ રહી છે. સુપ્રીમ કોર્ટ તરફથી લીલી ઝંડી મળી હોવા છતાં ફિલ્મની રીલિઝ આડે અનેક વિધ્નો આવી રહ્યાં છે. ભલે રીલિઝ પરના પ્રતિબંધ ઉઠાવી લેવાયા હોય પરંતુ મલ્ટીપ્લેક્સવાળા સુરક્ષા કારણોસર ફિલ્મ રીલિઝ થવા દેવા તૈયાર નથી. અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલમાં આવેલા રાજહંસ સિનેમામાં શનિવારે રાતે તોડફોડ કરાઈ હોવાના અહેવાલો છે. મહાકાલ સેના દ્વારા નિકોલના રાજહંસ થિયેટરમાં તોડફોડ કરાઈ છે. 50થી વધુ કાર્યકરોએ આ તોડફોડ કરી. નિકોલ પોલીસ અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટના અંગેની માહિતી મળતા જ રાજહંસ થિયેટર પહોંચ્યા હતાં. આમ ઠેરઠેર વિવાદના પગલે ફિલ્મની રીલિઝ પર સંકટના વાદળો છવાયા છે. રાજ્યભરમાં તોડફોડ અને આગચંપીના બનાવો જોવા મળી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે રાતે જ ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશનના ડાઈરેક્ટર રાકેશ પટેલે જણાવ્યું હતું કે અમે નક્કી કર્યુ છે કે અમે સમગ્ર ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ કરીશું નહીં. તમામ લોકો ડરેલા છે, કોઈ પણ મલ્ટીપ્લેક્સ આ નુકસાન કે પરેશાની ઉઠાવવા માંગતા નથી. આખરે અમે કેમ નુકસાન ઉઠાવીએ? પરંતુ આમ છતાં ગુજરાતમાં પ્રદર્શનકારીઓ ફિલ્મનો ખુબ વિરોધ કરી રહ્યાં છે. 



ફરીદાબાદમાં પણ ઘટી ચૂકી છે ઘટના
અત્રે જણાવવાનું કે આવું પહેલીવાર નથી બન્યું. અગાઉ ફરીદાબાદના બલ્લભગઢમાં પણ કેટલાક પ્રદર્શનકારીઓએ એક મોલમાં ઘૂસીને બોક્સ ઓફિસ ટિકિટ કાઉન્ટરને આગને હવાલે કર્યુ હતું તથા આ ઘટનાનો લાઈવ વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ લોકો સામે એફઆઈઆર પણ દાખલ કરી હતી. 


નોંધનીય છે કે શનિવારે બસો બાળી મૂકવાના બનાવના પગલે આજે અનેક ઠેકાણે એસટી બસોની અવરજવર બંધ કરી દેવાઈ છે. જેના પગલે મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલિઝ થવા જઈ રહી છે.