બાપુ નવાજૂની કરવાની તૈયારીમાં? બંધ બારણે રચાયો મોટો દાવ?
છેલ્લા ગણતરીના દિવસોથી ગુજરાતમાં રાજકારણ સક્રિય બન્યું છે
અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં રાજકારણ સક્રિય બની છે. એક તરફ જ્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલે મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે ત્યારે બીજી તરફ સમાચાર મળ્યા છે કે કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા જૂથના સભ્યોની એક બંધ બારણે બેઠક મળી હતી. ચર્ચા છે કે આ મીટિંગમાં બંધ બારણે મોટો દાવ રચવામાં આવ્યો છે. હાલમાં 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં એકાએક સક્રિય થયેલું રાજકારણ આગામી દિવસોમાં મોટી નવાજૂની થવાના સંકેત આપે છે.
હાર્દિક પટેલ આજે ફરી ગરજશે! વરસશે કે હવાઈ જશે?
નોંધનીય છે કે ગુજરાતમાં ઓગસ્ટ-2017માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસની સાથે છેડો ફાડીને શંકરસિંહ વાઘેલા જુદા પડ્યા હતા. તેમની સાથે અન્ય 14 જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. હવે આ તમામ ધારાસભ્યો મળીને કોઈ મેજર પ્લાનિંગ કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં મળેલી આ બેઠકમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, સી.કે. રાઉલજી, રામસિંહ પરમાર, રાઘવજી પટેલ, અમિત ચૌધરી, માનસિંહ ચૌહાણ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં પાસ નેતા હાર્દિક પટેલે ગુજરાતની ભાજપ સરકારના પતન અંગે નિવેદન કરતાં પણ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. નીતિન પટેલ સહિત કેટલાક નેતાઓ ભાજપથી નારાજ હોવાનો ઉલ્લેખ કરાતાં મામલો ચર્ચાએ ચડ્યો છે. ગુજરાતના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ ભાજપમાંથી રાજીનામું આપી હાર્દિક પટેલને ખુલ્લો ટેકો કરવાના છે એવું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ ખડો થયો છે ત્યારે હાર્દિક પટેલના નિવેદને વધુ ચર્ચાઓ જગાવી છે. મીડિયા અહેવાલ અનુસાર ભાવનગરના મેથળા ખાતે નિવેદન કરતાં હાર્દિક પટેલે કહ્યું છે કે, ગુજરાતમાં સરકારે કમૂરતામાં શપથ લીધા છે, સરકારનું પતન થવાની તૈયારીમાં છે અને સરકારમાં નીતિન પટેલ, પરૂષોત્તમ સોલંકી, બાબુ બોખીરિયા અને સી કે રાઉલજી સહિતના નેતાઓ નારાજ છે.