અકસ્માતના 11 મૃતકો માટે સયાજી હોસ્પિટલે માત્ર એક એમ્બ્યુલન્સ અને શબવાહિની ફાળવી
- વડોદરાની એસએસજી હોસ્પિટલે 11 મૃતદેહોને વતન લઈ જવા માટે માત્ર એક એમ્બ્યુલન્સ અને એક શબવાહિની ફાળવી છે.
- મૃતદેહોને લઈ જવા માટે આહીર સમાજના લોકોએ બહારથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવી પડી
રવિ અગ્રવાલ/વડોદરા :સુરતીઓ આજનો દિવસ ક્યારેય ભૂલી નહિ શકે. પાવાગઢ દર્શને જતા સુરતના કેટલાક પરિવારોને વડોદરા પાસે અકસ્માત (accident) નડ્યો હતો. મોડી રાત્રે 3 વાગ્યે વાઘોડિયા ચોકડી પર આઈસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સુરતના 11 લોકોના મોત નિપજ્યા છે. આ તમામ લોકો મૂળ અમરેલી અને ભાવનગરના વિવિધ ગામના વતની છે, જેમના પરિવારો સુરતમાં સ્થાયી થયા છે. ત્યારે અકસ્માત (Vadodara accident) માં મૃત્યુ પામેલા લોકોને અંતિમ સંસ્કાર માટે લઈ જવાશે. જોકે, મૃતકોને વતનમાં લઈ જવા માટે સયાજી હોસ્પિટલ એમ્બ્યુલન્સ જ ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો : પીએમ મોદીએ વડોદરા અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાની એસએસજી હોસ્પિટલે 11 મૃતદેહોને વતન લઈ જવા માટે માત્ર એક એમ્બ્યુલન્સ અને એક શબવાહિની ફાળવી છે. ત્યારે કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલે વધુ એમ્બ્યુલન્સ ફાળવવા રજૂઆત કરી છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના વડોદરા કાર્યલયના પીએ રાજીવ ઓઝાએ પણ આ અંગે રજૂઆત કરી હતી. ત્યારે સમગ્ર મામલો કલેક્ટર શાલિની અગ્રવાલ પાસે પહોંચ્યો છે. તો બીજી તરફ, મૃતદેહોને લઈ જવા માટે આહીર સમાજના લોકોએ બહારથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવી પડી છે. તંત્ર પાસે માત્ર એક જ એમ્બ્યુલન્સ અને એક શબવાહિની ઉપલબ્ધ હતી.
આ પણ વાંચો : સુરતના આહીર પરિવારને પાવાગઢ દર્શન પહેલા મળ્યુ મોત, હોસ્પિટલમાં લાશોની લાઈન પડી
જીંજાલા પરિવારમાં 5 લોકોના મત
વડોદરા અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યા છે. જેમાં જીંજાળા, કલસરિયા, હડિયા અને બલદાનિયા પરિવારના લોકોનો સમાવેશ થાય છે. જેમાં જિંજાળા પરિવારના 5 લોકોના મોત નિપજ્યા છે. જિંજાળા પરિવાર સુરતના પુણા વિસ્તારમાં રહે છે. એકસાથે પાંચ લોકોના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. તો સાથે જ પરિવારના અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. એક મૃતક યુવકની સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન થવાના હતા.
આ પણ વાંચો : નેશનલ હાઈવે 48 પર બસ અકસ્માત, મધ્યપ્રદેશના મજૂરો મુંબઈ જવા નીકળ્યા હતા
અકસ્માત બાદ સમયસર ન મળી સારવાર
અકસ્માત બાદ યોગ્ય સમયે સારવાર ન મળી તેવું ઈજાગ્રસ્તોએ જણાવ્યું હતું. તો સાથે જ તંત્રના અનેક છબરડા સામે આવ્યા છે. એક ઈજાગ્રસ્તે કહ્યું કે, અકસ્માત રાત્રે 3 વાગ્યે થયો હતો, અને સારવાર સવારે 7 વાગ્યે મળી હતી. આમ, ચાર કલાક મોડી સારવાર મળતા કેટલાક લોકો મોતને ભેટ્યા હતા. તો અન્ય એક ઈજાગ્રસ્ત દેવાંશી કાકાએ જણાવ્યું હતું કે 2થી 3 ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલે મૃત જાહેર કરી દીધા હતા. મારી ભત્રીજી દેવાંશી પણ જીવિત છે, તેને સામાન્ય ઇજા થઇ છે, તેમ છતાં મૃત જાહેર કરી દેવામાં આવી હતી અને 4 કલાક સુધી ઈજાગ્રસ્તો સારવારની રાહમાં તરફડતા રહ્યા હતા.
આ પણ વાંચો : કાળ બનીને આવી બુધવારની સવાર, ગુજરાતભરમાં 3 અકસ્માતમાં 15ના મોત