PM વીરાને બહેનોનો પત્ર : પાણી માટે બનાસકાંઠાની મહિલાઓ પીએમને લખશે 50 હજાર પત્રો
Letter To PM Modi : મહિલા પશુપાલકોનું કહેવું છે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તમને તકલીફ પડે તો તમારા આ ભાઈને ફક્ત એક પત્ર લખજો એટલે આજે અમે 50 હજાર જેટલા પત્રો લખીને અમારા ભાઈને અમારી વેદના જતાવી રહ્યા છીએ. જો તેમ છતાં અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરીશું
અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠા જિલ્લાના વડગામનું કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા માટેનું જળ આંદોલન હવે ઉગ્ર બનતું જઈ રહ્યું છે. ખેડૂતોની મહારેલી બાદ પણ કોઇ નિરાકરણ ન આવતા હવે 125 ગામની 50 હજાર પશુપાલક મહિલાઓએ આજથી પ્રધાનમંત્રી મોદીને પત્રો લખવાની શરૂઆત કરી છે. જેમાં માહિલાઓએ પ્રધાનમંત્રીને પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવાની માંગણી કરી છે.
બનાસકાંઠાના વડગામ અને પાલનપુરમાં પાણીના તળ ખૂબ જ ઊંડા જવાથી ખેડૂતોને સિંચાઇ માટેનું પૂરતું પાણી મળતું નથી. જેથી ખેડૂતો પૂરતા પ્રમાણમાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી શકતા નથી. આથી ખેડૂતોની હાલત કફોડી બનતી જઈ રહી છે. જેને લઈને વડગામના કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની માંગ સાથે છેલ્લા 2 મહિનાથી ખેડૂતોએ જળ આંદોલન છંછેડાયું છે. જેમાં થોડા દિવસ પહેલા 125 ગામોના 50 હજારથી વધુ ખેડૂતોએ પાલનપુરમાં વિશાળ મહારેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તે બાદ ગામેગામ ખેડૂતોએ ગામના મંદિરો અને ચોકમાં મહાઆરતી કરી દીપ પ્રગટાવી સરકાર અને તંત્રને સદબુદ્ધિ આવે તે માટે પ્રાર્થના કરી હતી. જોકે તે બાદ પણ સરકાર કે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરતાં આખરે 125 ગામોની મહિલા પશુપાલકો પણ હવે જળ આંદોલનમાં જોડાઈ છે. આજે 125 ગામોમાં મહિલાઓ ગામની દૂધ મંડળીઓ, ગામના ચોક, મહોલ્લામાં એકત્રિત થઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાની વેદના વ્યક્ત કરવા 50 હજાર જેટલા પત્ર લખીને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી રહી છે.
આ પણ વાંચો : તળાવના ખોદકામમાં મળી આવ્યુ વિશાળ શિવલિંગ, લોકો દર્શન માટે દોડી આવ્યા
વડગામના કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની માંગ સાથે આજે મહિલા પશુપાલકો પ્રધાનમંત્રીને પત્ર લખી રહી છે. વડગામ અને પાલનપુરમાં પાણીની ખૂબ જ વિકટ સમસ્યા છે. ખેતી અને પશુપાલન ઉપર પોતાના ઘરનું ગુજરાન ચલાવતા લોકો પાણી વગર લાચાર બન્યા છે. ત્યારે મહિલા પશુપાલકોનું કહેવું છે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તમને તકલીફ પડે તો તમારા આ ભાઈને ફક્ત એક પત્ર લખજો એટલે આજે અમે 50 હજાર જેટલા પત્રો લખીને અમારા ભાઈને અમારી વેદના જતાવી રહ્યા છીએ. જો તેમ છતાં અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરીશું.
આ પણ વાંચો : ગુજરાતનું આકાશ રહસ્યોથી ભરેલું, અમરેલીમાં રહસ્યમયી કતારબંધ લાઈટ દેખાતા લોકો ગભરાયા
એક મહિલા પશુપાલક વંદનાબેન લીંબાચીયાએ જણાવ્યુ કે, અમારે પાણીની વિકટ સમસ્યા છે. મહારેલી કરી પણ કોઈ નિરાકરણ ન આવતા આજે અમે બહેનો પ્રધાનમંત્રીને પત્રો લખી રહ્યા છીએ. તો અન્ય એક મહિલા પશુપાલક અનુબેન ચૌધરી કહે છે કે, અમારા ભાઈ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે મારી બહેનો તમને તકલીફ હોય તો એક પત્ર લખજો આજે અમે તકલીફમાં છીએ એટલે આજે પત્રો લખી રહ્યા છીએ. જો અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
વડગામ અને પાલનપુરમાં હવે ખેડૂતો સાથે સાથે મહિલાઓ અને લોકો પણ જળ આંદોલન કરી રહ્યા છે, ત્યારે આ જળ આંદોલન આવનાર સમયમાં વધુ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર, સરકાર કે પ્રધાનમંત્રી ક્યારે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે છે કે પછી ખેડૂતો મોટું ઉગ્ર જળ આંદોલન કરવા મજબુર બને છે.