વડોદરા પાલિકાની પહેલ કોરોનાના દર્દીઓને કામ આવી, પાછા અપાવ્યા હોસ્પિટલોએ લીધેલા વધારાના રૂપિયા
- હોસ્પિટલો સામે થયેલા 19 જેટલા કેસમાં ગ્રાહકોને તેમના રૂપિયા પરત આપવામાં આવ્યા
- વડોદરા કોર્પોરેશન દ્વારા ટોલ ફ્રી નંબર 1800 233 0265 જાહેર કરવામાં આવ્યો
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામા કોરોના સારવારમા હોસ્પિટલોએ ઉઘાડી લૂંટ ચલાવી છે. દર્દીઓને લૂંટતી હોસ્પિટલો (covid hospitals) હવે સકંજામાં આવી છે. સરકાર અને કોર્પોરેશન દ્વારા ભાવ લિસ્ટના બોર્ડ લગાવી ટોલ ફ્રી નંબર આપતા લોકોને સારવારમાં રાહત મળી છે. મંત્રી યોગેશ પટેલ અને ઓએસડી વિનોદ રાવની પહેલ લોકો માટે મદદરૂપ બની છે. વડોદરાની 9 હોસ્પિટલો વધુ નાણાં વસૂલતી હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે આવી હોસ્પિટલો સામે થયેલા 19 જેટલા કેસમાં ગ્રાહકોને તેમના રૂપિયા પરત આપવામાં આવ્યા છે. 19 કેસમાં 4,94,581 રૂપિયા પરત અપાયા છે.
આ પણ વાંચો : મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video
કઈ હોસ્પિટલે કેટલા નાણા વધુ વસૂલ્યા
- રામક્રિષ્ના હોસ્પિટલ 1 કેસમા 10 હજાર વધુ લીધા
- જ્યુપીટર હોસ્પિટલે 1 કેસમા 36987 વધુ લીધા
- સત્યમ હોસ્પિટલ 5 કેસ 1,59,245 વધુ ધીધા
- સવિતા હોસ્પિટલ 2 કેસમા 75700 વધુ લીધા
- શ્રીજી હોસ્પિટલ 1 કેસ 46470 વધુ લીધા
- સુકન હોસ્પિટલ 1 કેસ 15000 વધુ લીધા
- સ્ટર્લિંગ હોસ્પિટલ 2 કેસમાં 35,500
- રીધમ હોસ્પિટલ 1 કેસ 48 હજાર
- યુનિટી હોસ્પિટલ 4 કેસ 67650 પરત આપ્યા
- ડીવાઈન લેબોરેટરીએ 17 દર્દીના ટેસ્ટના દીઠ 500 રૂપિયા વધુ લીધા
આ પણ વાંચો : જીવલેણ કોરોનાની ભયાનકતાનો વધુ એક પુરાવો, સિગરેટ અને ફેફસાને નુકસાન વિશે કરાયો મોટો દાવો
આ વિશે નોડલ અધિકારી મનીષ ભટ્ટે જણાવ્યું કે, દર્દીઓએ રજૂઆત કરી હતી, તે મુજબ અમે તેમના રૂપિયા પરત અપાવ્યા છે. વિનોદ રાવ હોસ્પિટલોને વારંવાર કહે છે, પરંતુ વધુ કેસ આવશે તો તે પણ સોલ્વ કરીશું. આ પ્રવૃત્તિ બાદ હોસ્પિટલ પાસેથી લેવાતો સર્વિસ ચાર્જ પણ કેટલીક હોસ્પિટલોએ બંધ કર્યો છે. આગામી દિવસોમાં પણ જે કેસ આવશે તે પણ યોગ્ય રીતે સોલ્વ કરવામાં આવશે.
જે રીતે કોરોનાકાળમાં હોસ્પિટલ દર્દીઓને લૂંટી રહી છે તે જોતા વડોદરા કોર્પોરેશન દ્વારા ટોલ ફ્રી નંબર 1800 233 0265 જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નોડલ અધિકારીનો પણ નંબર આપવામાં આવ્યો છે. જે મુજબ દર્દીઓ હોસ્પિટલની ઉઘાડી લૂંટ વિશે ફરિયાદ કરી શકે છે. ફરિયાદના આધારે તેમની પાસો પાકા પુરાવા હોય તો રૂપિયા પણ પરત આપવામાં આવી રહ્યાં છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સરાહનીય પગલુ લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : કોરોનાગ્રસ્ત સીઆર પાટીલ સંસદ સત્રમાં નહિ આપી શકે હાજરી