AMCમાં દિનેશ શર્માના રાજીનામાથી કોંગ્રેસમાં કકળાટ વધ્યો, એક મહિના માટે કોણ પદ સંભાળશે તે મોટો સવાલ?
- રાજીનામાથી દિનેશ શર્માના સમર્થનમાં કાર્યકર્તાઓએ આજે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યુ.
- દિનેશ શર્માના રાજીનામા બાદ કોણ નવા વિપક્ષના નેતા બનશે તે નામો પર હવે ચર્ચા ચાલી રહી છે
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં વિપક્ષના નેતા દિનેશ શર્માના રાજીનામાનો વિવાદ ઉભો થયો છે. ત્યારે વિપક્ષી નેતાના રાજીનામા બાદ કોંગ્રેસ (congress) માં કકળાટ વધ્યો છે. કોંગ્રેસમાં સેંકડો કાર્યકર્તાઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. ત્યારે હવે કોને વિપક્ષના નેતા બનાવવા તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. વિપક્ષી નેતાની મુદત આવતા મહિને પૂરી થાય છે, તે પહેલા જ દિનેશ શર્મા (Dinesh Sharma) એ રાજીનામુ આપ્યું છે. ત્યારે હવે કોણ આ પદ માટે તૈયાર થશે તે મોટો પ્રશ્ન છે. હાલ દિનેશ શર્માએ માત્ર પ્રદેશ પ્રમુખને જ રાજીનામુ સોંપ્યું છે. તેઓએ વિધિવત રીતે હજી સુધી મ્યુનિસિપલ સેક્રેટરીને રાજીનામુ સોંપ્યું નથી.
આ પણ વાંચો : પેટાચૂંટણીનું પિક્ચર થયું ક્લિયર, 8 બેઠકો માટે 81 ઉમેદવાર મેદાનમાં, સૌથી વધુ લિંબડીમાં 14 ઉમેદવાર
દિનેશ શર્માના સમર્થકો વિરોધ કરશે
Amcમાં વિપક્ષી નેતા દિનેશ શર્માના રાજીનામાનો મામલો આજે વધુ ગરમાયો છે. રાજીનામાથી દિનેશ શર્માના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે દિનેશ શર્માના સમર્થનમાં કાર્યકર્તાઓએ આજે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યુ છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સેંકડો કાર્યકરો આ મુદ્દે સામૂહિક મુંડન કાર્યક્રમ યોજવાના છે. પાલડી સ્થિત ઓફિસ પર વિરોધ પ્રદર્શન કરાશે.
આ પણ વાંચો : પાવાગઢમા ખાનગી વાહનો પર પ્રતિબંધ, કયા રસ્તાઓ પર અમલ થશે તે ખાસ જાણી લો
... તો બીજુ કયુ નામ ચર્ચામાં
દિનેશ શર્માના રાજીનામા બાદ કોણ નવા વિપક્ષના નેતા બનશે તે નામો પર હવે ચર્ચા ચાલી રહી છે. હાલ કોંગ્રેસ મોવડીઓ દ્વારા બહેરામપુરા કોર્પોરેટર કમળાબેન ચાવડા, વિરાટનગર કોર્પોરેટર રણજીતસિંહ બારડ અને અમરાઈવાડીના કોર્પોરેટર બળદેવ દેસાઈના નામની ચર્ચા ચાલી રહી છે. બાપુનગર કોર્પોરેટર જે.ડી પટેલ પણ રેસમાં છે. તો વિપક્ષી નેતા માટે અન્ય સિનિયર કોર્પોરેટર પણ રેસમાં છે. પણ એક મહિનાના ટૂંકા સમય માટે કોણ પદ સ્વીકારશે એ મોટો સવાલ છે.
તો બીજી તરફ, Amc માં વિપક્ષી નેતા દિનેશ શર્માના રાજીનામા મામલે ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયામાં કોંગ્રેસની મજાક ઉડાવવાની શરૂઆત કરાઈ છે. ખુદ amc રિક્રિએશન કમિટીના ચેરમેને આ અંગેના વિવિધ લખાણોવાળી પોસ્ટ મૂકી છે.