15 લાખની વસ્તી ધરાવતા અમરેલી જિલ્લાને કોરોના અડી પણ ન શક્યો, કારણ કે...
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે (Corona virus) હાહાકાર મચાવ્યો છે, ત્યારે અમરેલી જિલ્લો હજુ સુધી કોરોનાથી સંક્રમિત થયો નથી અને આ મહામારી વચ્ચે પણ અમરેલી (Amreli) અભેદ કિલ્લા તરીકે ધીમે ધીમે આગળ વધતો જાય છે. ત્યારે આ વાયરસનું સંક્રમણ અમરેલી જિલ્લાને સ્પર્શી ન શકે તે માટે કેવુ પ્લાનિંગ, કેવી યોજનાઓ બનાવવામાં આવી, આ યોજનાઓને વહીવટી તંત્ર દ્વારા કેવી રીતે લાગુ કરવામાં આવી અને તેમાં લોકોએ પણ કેટલો સાથસહકાર આપ્યો તે ગુજરાતના અન્ય શહેરોએ જાણી લેવુ અત્યંત જરૂરી છે. શું કહી રહ્યા છે અમરેલીના અડીખમ યોદ્ધાઓ આવો જોઈએ સ્પેશિયલ રિપોર્ટ
કેતન બગડા/અમરેલી :સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે (Corona virus) હાહાકાર મચાવ્યો છે, ત્યારે અમરેલી જિલ્લો હજુ સુધી કોરોનાથી સંક્રમિત થયો નથી અને આ મહામારી વચ્ચે પણ અમરેલી (Amreli) અભેદ કિલ્લા તરીકે ધીમે ધીમે આગળ વધતો જાય છે. ત્યારે આ વાયરસનું સંક્રમણ અમરેલી જિલ્લાને સ્પર્શી ન શકે તે માટે કેવુ પ્લાનિંગ, કેવી યોજનાઓ બનાવવામાં આવી, આ યોજનાઓને વહીવટી તંત્ર દ્વારા કેવી રીતે લાગુ કરવામાં આવી અને તેમાં લોકોએ પણ કેટલો સાથસહકાર આપ્યો તે ગુજરાતના અન્ય શહેરોએ જાણી લેવુ અત્યંત જરૂરી છે. શું કહી રહ્યા છે અમરેલીના અડીખમ યોદ્ધાઓ આવો જોઈએ સ્પેશિયલ રિપોર્ટ
રાહતના સમાચાર : સૌથી પહેલા ગુજરાતમાં કચ્છ જિલ્લો બન્યો કોરોનામુક્ત
લટાર મારતા લોકો ઉપર કન્ટ્રોલ કરવા લટાર સ્કવોડની રચના
અમરેલી જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નથી આવ્યો. આ રેશિયો જાળવવા માટે અમરેલીના તમામ અડીખમ યોદ્ધાઓ રાત દિવસ સખત મહેનત કરી રહ્યાં છે અને વિવિધ પ્રકારે સમગ્ર જિલ્લાની સુરક્ષા કરી રહ્યા છે. ત્યારે સૌથી પહેલા પોલીસ વિભાગની કામગીરી ઊડીને આંખે વળગે તેવી છે. અમરેલી રન્જ આઈજી અશોકકુમાર યાદવે જણાવ્યું કે, જિલ્લામાં બિનજરૂરી રીતે લટાર મારતા લોકો ઉપર કન્ટ્રોલ કરવા એક લટાર સ્કવોડની રચના કરી છે. આ સ્કવોડ લટાર મારતા લોકોને કાયદાનું ભાન કરાવી રહ્યા છે.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં લોકોના ટોળા જોવા મળશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર કરવામાં આવશે. આ બાબતમાં પણ રેન્જ આઇજીએ તાકીદ કરી હતી અને સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ કે અફવા ફેલાવનારાઓ પણ હવે પોલીસની નજરમાં છટકી ન શકે પોલીસે આ દિશામાં અફવા ફેલાવનારા ઉપર કાર્યવાહી કરી. એફઆઈઆર પણ નોંધવાની શરૂ કરી છે. લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા અમરેલી પોલીસ કડક હાથે કામ લઇ રહી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે ગામના સરપંચ અને અગ્રણીઓને સાથે મળી ગામડાઓમાં ચુસ્તપણે લોકડાઉનના નિયમોનું પાલન કરાવવા ગામના સરપંચ અને આગેવાનોએ પોલીસને સાથે રાખી પ્રયત્નો કરવા માટેની પણ યોજના જાહેર કરી છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને આદતની જેમ જીવનનો ભાગ બનાવો : શિવાનંદ ઝા
અમરેલીના કલેક્ટરનો એક્શન પ્લાન
અમરેલી જિલ્લો સુરક્ષિત અને કોરોનાથી સંક્રમિત ન થાય એ માટે અમરેલી કલેક્ટર આયુષ ઓકે ચાર મુદ્દાઓ પર જિલ્લાની સમગ્ર સુરક્ષાની યોજના અને એક્શન પ્લાન ઘડી કાઢયો હતો. હાલમાં ખૂબ જ કટોકટીનો સમય હોય દિન-પ્રતિદિન વધુમાં વધુ કાળજી લેવાની જરૂરિયાત હોય ત્યારે જિલ્લા કલેક્ટરે પણ સમગ્ર તંત્રને જાગૃત કરી મહત્વના પ્રયત્નો હાથ ધર્યા છે. આ ચાર પાસાંઓ ઉપર નજર કરીએ તો...
- લોકડાઉનની સો ટકા અમલવારી
- અમરેલી જિલ્લામાં અન્ય જિલ્લામાંથી લોકો સતત આવી રહ્યાં હોઈ જિલ્લાની તમામ બોર્ડર સીલ કરી છે. આંતર નાના રસ્તાઓ બંધ કર્યા છે, જેથી જિલ્લાની મુખ્ય 40 ચેકપોસ્ટ મારફત જ લોકો આવી શકે તો તેનું સ્કીનિગ કરી શકાય. ગેરકાયદેસર પ્રવેશ અટકાવવામાં સફળતા મળી છે.
- આરોગ્યની ટીમો દ્વારા સતત સર્વે કરાઈ રહ્યો છે અને હાઉસ ટુ હાઉસ સર્વે કરી શરદી ઉધરસ વાળાના સેમ્પલો લઈ ચકાસણી કરવામાં આવી રહી છે.
- વિદેશથી કે અન્ય રાજ્યો, કે જિલ્લા બહારથી આવનારા લોકોને સમયસર ક્વોરેન્ટાઈન કરાયા
આમ આ ચાર પ્લાનનો અમલ લોકડાઉનમાં સતત ચાલુ છે. પરંતુ આજ સુધીની આ પ્રક્રિયાથી સફળતા મળી રહી છે. સાથે જ અમરેલીના લોકોનો સહકાર ખૂબ જ સારો મળી રહ્યો છે. માહિતીઓ પણ મળી રહી છે, જેને કારણે પ્લાન સફળ થયો છે. જિલ્લામાં જે કન્ટ્રોલરૂમ કાર્યરત છે તેમાં પણ સો-દોઢસો કોલ મળી રહ્યાં છે, જેમાથી પણ તંત્રને ફીડબેક મળી રહ્યાં છે અને આજ સુધીની સફળતામાં લોકોની જાગૃતિ મહત્વની ભૂમિકા પુરવાર થઈ છે.
લોક ડાઉન સમય દરમિયાન જિલ્લાના નાગરિકોને વ્યાજબી ભાવે જીવન જરુરિયાતની વસ્તુઓ મળી રહે અને કાળાબજારી ન થાય તે બાબતે પણ જિલ્લા પોલીસ વડાએ ખાસ તકેદારી રૂપે જાગૃતતા રાખી ચેતવણી પણ આપી છે. યોગ્ય ભાવ કરતા દસ કે વીસ ટકા વધારે ભાવ લેવાતા હોવાની માહિતી કે ફરિયાદ મળશે તો તેના ઉપર કાયદેસર ગુનો દાખલ કરવામાં આવશે.અમરેલી જિલ્લામાં લોકડાઉનની સ્થિતિ બાદ ગરીબ અને છેવાડાના લોકો માટે રોજીરોટી અને ભોજનના અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા હોઈ જિલ્લાની અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકોએ ગરીબોને ભોજન પૂરું પાડવાની સેવા હાથ ધરી છે. જેમાં સાવરકુંડલા માનવ મંદિર અને સેવા ગ્રુપ દ્વારા ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.
અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા પણ મોટો ભોજન સેવાયજ્ઞ પણ ચાલી રહ્યો છે. આ ઉપરાંત અમરેલીના સેવાભાવી ડોક્ટર ભરત કાનાબાર અને પી. પી. સોજીત્રા દ્વારા હજારો જરૂરિયાતમંદ પરિવારોનો સર્વે કરી કીટ વિતરણ તેમના ઘરે જઈને જ કરવામાં આવી. મહત્વની સેવા કરતા લોકોને પણ લોકડાઉન નિયમોનું પાલન કરવા માટે એસપીએ તાકીદ કરી છે અને તેમની સેવાને બિરદાવી પણ છે. જોકે કીટ વિતરણ પોલીસ પરિવાર દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. આમ અમરેલી પોલીસે લોકડાઉનના નિયમોનું પાલન કરાવવાની ફરજ સાથે સાથે સામાજિક ફરજ પણ અદા કરી છે.
૧૫ લાખની વસતી ધરાવતો અમરેલી જિલ્લામાં 735 જેટલા ગામડાઓ આવેલા છે આ તમામ ગામડાઓમાં જાગૃતિ લાવવા માટે અને lockdown નિયમોનું પાલન કરાવવા માટે જિલ્લા પંચાયત એ પણ મહત્વનો ફાળો અને ફરજ અદા કરી છે જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ્યકક્ષાએ તમામ તલાટી મંત્રીઓ અને સરપંચોને મહત્વની સૂચનાઓ આપી ગામડા ની અંદર અન્ય જિલ્લામાંથી આવી રહેલા લોકોનું ધ્યાન રાખી માહિતી એકત્ર કરવાની કામગીરી પણ સોપેલ છે સો ઉપર ના રસ્તાઓ કે જે ખાનગી અને ગાડા રસ્તાઓ છે તેમને બંધ કરી સંક્રમણ અટકાવવાનો પુરુષાર્થ હાથ ધર્યો છે જિલ્લા વિકાસ અધિકારીએ લોકોને એવી પણ અપીલ કરી છે કે અતિ મહત્વનું અને જરૂરી હોય તો જ અમરેલી જિલ્લા બહાર જવાનું રાખો અને અમરેલી જિલ્લામાં અતિશ જરૂરિયાત હોય તો જ આવવાનું રાખો આમ અમરેલી જિલ્લામાં જિલ્લાવિકાસ અધિકારી કલેકટર અને એસપી એ લોકોના સહકારથી અમરેલી જિલ્લાને સુરક્ષિત રાખવા અડીખમ યોદ્ધાની ભૂમિકામાં સફળ રહ્યા છે..
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકડાઉનની અપીલને માન આપી અમરેલી જિલ્લાના લોકોએ પોતાની રાષ્ટ્રીય ફરજ સમજી ખૂબ જ સારો સહકાર આપ્યો છે. લોકડાઉન સમય દરમિયાન રામનવમી જેવા તહેવારો પણ ઘરે જ મનાવી લોકડાઉનને સહકાર આપ્યો. લોકોએ સ્વંયભૂ લોકડાઉનના નિયમોનું પાલન કરી અમરેલી જિલ્લાને સંક્રમિત થતો અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી અભેધ કિલ્લો અમરેલીને અભેદ રાખવા અડીખમ યોદ્ધા તરીકે કામ કર્યું છે. ત્યાર સુધીમાં જિલ્લામાંથી 100 ઉપરાંત શંકાસ્પદ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. જોકે સદભાગ્યે તમામ સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાડા ચાર લાખ લોકોનું બે વખત સ્ક્રિનિંગ પણ કરવામાં આવી ગયું છે. તેમજ ત્રણ હજારથી વધારે લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે અને ચાર હજાર ઉપરાંત વાહનોને ડિટેઈન કરી લોકોને કાયદાનો પાઠ પણ ભણાવાયો છે. વિવિધ પ્રકારે લોકડાઉનના નિયમોનો ભંગ કરનાર 2000 ઉપરાંત લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. પોલીસ વિભાગ સીસીટીવી કેમેરાનું મોનિટરીંગ અને જિલ્લાના 11 તાલુકાઓમાં ડ્રોનથી નિરીક્ષણ કરી લોકડાઉનનું કડક પાલન કરાવવામાં સફળ રહી છે. લોકોનો સહકાર હોય અને જિલ્લાના આવું જડબેલાક પ્લાનિંગ હોય ત્યારે અમરેલી કોરોનાને પ્રવેશવા નહિ જ દે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.