ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ જિલ્લાની સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ રેસિયો ચિંતાજનક રીતે વધ્યો છે. એક તરફ સરકાર ભણશે ગુજરાતના દાવાઓ કરે છે તો બીજી તરફ શિક્ષણ અધવચ્ચે છોડીને મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો ખેતીકામ અને શ્રમિક કામ તરફ વળી રહ્યા છે. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો, 17 એપ્રિલ, 2023 સુધીમાં રાજકોટ જિલ્લામાં અનટ્રેક વિદ્યાર્થીઓ 19323 છે. આ આંકડા સરકારી સ્કૂલોના છે. આ આંકડા તો માત્ર એક જ જિલ્લાના છે. જો સરકાર સમગ્ર ગુજરાતના આંકડા જાહેર કરે તો ખરી વાસ્તવિકતા સામે આવે. સરકારી શાળામાંથી લિવિંગ સર્ટિફિકેટ લઈ ગયા બાદ અન્ય એક પણ શાળામાં પ્રવેશ મેળવ્યો નથી તેવા વિદ્યાર્થીઓના આંકડા સામે આવતા ચકચાર મચી છે. જોકે શિક્ષણ વિભાગ આ આંકડાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવાના ચોકાવનારા આંકડા થી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો, સરકારી સ્કૂલમાં ધોરણ 1 થી 8 માં  9597 વિદ્યાર્થી ડ્રોપઆઉટ થયા છે. જ્યારે ધોરણ 9 થી 12 માં 9727 વિદ્યાર્થી ડ્રોપઆઉટ થયા હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ વાઇઝ આંકડા માહિતી જોઈએ તો...


ધોરણ 1માં 998 
ધોરણ 2માં 1381 
ધોરણ 3માં 1228
ધોરણ 4માં 1195 
ધોરણ 5માં 992 
ધોરણ 6માં 1138 
ધોરણ 7માં 1233
ધોરણ 8માં 1432
ધોરણ 9માં 1385 
ધોરણ 10માં 2592 
ધોરણ 11માં 4480
ધોરણ 12માં 1265 


આ પણ વાંચોઃ નાનકડો આરવ મૃત્યુ બાદ અંગદાન થકી માનવતાની મહેંક ફેલાવતો ગયો, 6 ના જીવ બચાવ્યા


વિદ્યાર્થીઓએ અભ્યાસ અધુરો છોડ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાની ધોરાજી, ગોંડલ, જામ કંડોરણા, જસદણ, જેતપુત, કોટડા સાંગાણી, લોધિકા, પડધરી, રાજકોટ, ઉપલેટા અને વીંછીયા તાલુકાની સરકારી શાળાનો સમાવેશ થાય છે. જોકે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલાએ જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનાનો સમય વિદ્યાર્થીઓ માટે ટ્રાન્ઝિટ અને માઈગ્રેશનનો સમય હોય છે. હાલ વિદ્યાર્થીઓ એક શાળામાંથી બીજી શાળામાં લિવિંગ સર્ટિફિકેટ કઢાવીને જતા હોવાથી આંકડા મોટા લાગે છે. જોકે જૂન મહિનામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ડ્રોપ આઉટ રેસિયો જાણી શકતો હોય છે. હાલની સ્થિતિએ ધોરણ 1, 9 અને 11 નવા પ્રવેશમાં ગણવામાં આવતા હોય છે. 


ડ્રોપ આઉટ રેસિયાને લઈને રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પણ ચિંતાજનક ગણાવ્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ નિવેદન આપતા કહ્યું હતું કે, બાળકો અધુરો અભ્યાસ મૂકી દે છે તેની પાછળ ઘણા પરિબળો જવાબદાર હોય છે. આર્થિક અને સામાજિક કારણોની સાથે કૌટુંબિક કારણો પણ જવાબદાર હોય છે. આટલા મોટા પ્રમાણમાં ડ્રોપ આઉટ થવા પાછળ શું કારણ જવાબદાર છે તે દિશામાં જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. અભ્યાસ છોડવા મજબૂર થયેલા આવા બાળકો અને તેના વાલીઓને સમજાવવામા આવશે. મોટાભાગે સરકારી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ લેતા હોય તેવું સામે આવ્યું છે. જરૂર જણાશે તો ખાનગી સ્કૂલોના સંચાલકોનું મંડળ આગળ આવશે અને બાળકોને નિઃશુલ્ક અભ્યાસ માટે આગળ આવશે. તેના માટે બાળકો અને તેના પરિવારની મુશ્કેલી જાણી પ્રશ્નોનું હલ થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી અને વહીવટી તંત્ર સાથે બેઠક કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ અસહ્ય ગરમી છતાં કઈ રીતે ઘટ્યા હીટસ્ટ્રોકના કેસ? સામે આવ્યું મોટું કારણ


ડ્રોપ આઉટ રેસિયો વધવા પાછળ મોંઘવારી પણ જવાબદાર માનવામાં આવે છે. તેની પાછળનું કારણ એ પણ છે કે, ઘરમાં કમાવવા વાળા એક વ્યક્તિને કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જો બાળકોને અભ્યાસ કરાવવા પાછળ ખર્ચ કરે તો ઘરનું ગુજરાન ચાલી શકે નહીં. તેવા સંજોગોમાં બાળકો પાસે ચાની લારી પર મજૂરી, ખેત મજૂરી અથવા તો અન્ય કોઈ કામ કરાવવા થી પરિવારમાં રૂપિયાની આવક થાય અને મોંઘવારીનો સામનો કરી શકાય તેવું પણ કારણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સરકાર ડ્રોપ આઉટ રેસિયો ઘટાડવા કઈ રીતે પ્રયાસ કરે છે તે પણ જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube