નાનકડો 9 વર્ષનો આરવ મૃત્યુ બાદ પણ અંગદાન થકી માનવતાની મહેંક ફેલાવતો ગયો, 6 ના જીવ બચાવ્યા
Organ Donation Of 9 Year Kid : સુરતમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના બની હતી. પૂણા ગામના અંટાળા પરિવારે પોતાના એકના એક 9 વર્ષના બ્રેઈનડેડ બાળકના 7 અંગોનું દાન કર્યું હતું. બ્રેઈનડેડ બાળકના હ્રદય, લીવર, બે કિડની, ફેફસા અને બે આંખોના દાન કરવામાં આવ્યું હતું. જેનાથી જરૂરિયાતમંદ 6 દર્દીઓને નવજીવન અપાયું છે. સુરતની એઈમ્સ હોસ્પિટલના તબીબોના પ્રયાસો, અંટાળા પરિવારની દરિયાદિલીથી માનવતાની મિસાલ ઉભી થઈ છે.
Surat News સુરત : ગુજરાતનો આ દીકરો આ આરવ અંગદાન મહાદાન કરીને સૌની નજરમાં અમર બની ગયો છે. તેના હૃદય અને ફેફસા એમ.જી.એમ. હોસ્પિટલ-ચેન્નાઈ તેમજ લીવર અને કિડની કે.ડી.હોસ્પિટલ- અમદાવાદની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ભારે હૈયા સાથે તેના અંગોને લઈ જવામા આવ્યા હતા. પહેલીવાર આટલી નાની ઉંમરના બાળકના શરીરનું દાન કરાયુ હતું.
મૂળ અમરેલીના ધારીના વતની નયનભાઈ અંટાળા સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે. તેમનો પરિવાર સુરતના પુણા ગામમા રહે છે. મધ્યમ વર્ગીય નયનભાઈને સંતાનમાં એકનો એક 9 વર્ષીય પુત્ર આરવ હતો. 19 એપ્રિલના રોજ આરવને રમતા માથાના ભાગમાં ઈજા પહોંચી હતી. જેથી પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને બ્રેઈનમાં ઈન્જરી હોવાનું સામે આવ્યુ હતું. આખરે ત્રણ દિવસ બાદ તા.૨૨મીની રાત્રે આરવને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો.
આ જાણીને અંટાળા દંપતી પર આભ તૂટી પડ્યું હતું. આ બાદ તબીબોએ તેમને દીકરાના અંગોનું દાન કરવા સલાહ આપી હતી. જેના બાદ સુરતના અંટાળા પરિવારે તેમના વ્હાલસોયા આરવના બ્રેઈનડેડ શરીરના શક્ય એટલા તમામ અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી. અંટાળા પરિવારે અંગદાનનો માનવતાસભર નિર્ણય કર્યો હતો. તબીબોની ટીમે સારવાર શરૂ કરી તાત્કાલિક બ્રેઈન ઓપરેશન કર્યું હતું.
પરિવારની સંમતિ મળતા સુરતી ડોનેટ લાઈફ સંસ્થાના નિલેશભાઈ માંડલેવાલાના સહયોગથી સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. અંતે આરવના ફેફસાં એમ.જી.એમ. હોસ્પિટલ-ચેન્નાઈ તેમજ લીવર અને કિડની કે.ડી.હોસ્પિટલ- અમદાવાદની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યા હતા.
અંગદાનથી હાલ 9 વર્ષનો આરવ સમગ્ર દેશમાં ચર્ચાઈ રહ્યો છે. તો અંટાળા પરિવારે જે કહ્યું તેની મિશાલ આપવામા આવી રહી છે. ‘સ્વ.આરવના અંગોના દાનથી છ દર્દીઓના જીવનમાં ગુંજારવ થશે. નાનકડો આરવ મૃત્યુ બાદ પણ અંગદાન થકી માનવતાની મહેંક ફેલાવતો ગયો.
Trending Photos