દિલ્હીમાં ફરી ખીલ્યું કમળ, કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો, ઝાડુ ચાલ્યું નહીં
પશ્ચિમ દિલ્હી સીટ પર ભાજપના વર્તમાન સાસંદ પ્રવેશ સાહિબ સિંહ વર્મા કોંગ્રેસના પોતાના નજીકના હરીફ મહાબલ મિશ્રાથી 3,03,317 વોટથી આગળ ચાલી રહ્યા છે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં ભાજપના ગઠબંધનના પ્રચંડ વિજયમાં રાજધાની દિલ્હી પણ બચી શકી નથી. દિલ્હીની તમામ 7 લોકસભા સીટ પર અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ત્રણ સીટ પર તો ભાજપના ઉમેદવાર પોતાના નજીકના હરીફ ઉમેદવારથી 2.5 લાખ વોટથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર 5 સીટ પર અને આપ પાર્ટીના ઉમેદવાર 2 સીટ પર બીજા સ્થાને ચાલી રહ્યા છે.
દિલ્હીના વિવિધ મતગણતરી કેન્દ્રો પર ભાજપના સમર્થકો અને કાર્યકર્તાઓએ ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે. અહીં તેઓ નારા લગાવી રહ્યા છે અને ફટાકડા ફોડી રહ્યા છે.
પશ્ચિમ દિલ્હી સીટ પર ભાજપના વર્તમાન સાસંદ પ્રવેશ સાહિબ સિંહ વર્મા કોંગ્રેસના પોતાના નજીકના હરીફ મહાબલ મિશ્રાથી 3,03,317 વોટથી આગળ ચાલી રહ્યા છે. ઉત્તર પશ્ચિમ દિલ્હી સીટ પર ભાજપના હંસરાજ હંસ આપના નજીકના હરીફ ગુગન સિંહથી 3,02,595 વોટથી આગળ છે.
લોકસભા ચૂંટણી પરિણામ 2019: અમેઠી-કોંગ્રેસની પરંપરાગત સીટમાં સ્મૃતિએ પાડ્યું 'ગાબડું'!
દિલ્હી ભાજપના પ્રમુખ મનોજ તિવારી ઉત્તર પૂર્વ દિલ્હી સીટ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દિક્ષીત પર 2,79,443 વોટની લીડથી આગળ ચાલી રહ્યા છે. આ સાથે જ પ્રથમ વખત ચૂંટણી લડી રહેલો ક્રિકેટર ગૌતમ ગંભીર પણ પૂર્વ દિલ્હી લોકસભા સીટ પર કોંગ્રેસના નજીકના હરીફ ઉમેદવાર અરવિંદર સિંહ લવલીથી 2,05,639 વોટથી આગળ છે. આ સીટ પર આપની ઉમેદવાર આતિશી ત્રીજા સ્થાને છે.
લોકસભા ચૂંટણી પરિણામ 2019: કોંગ્રેસનો રાયબરેલીનો ગઢ સાચવી રાખતા સોનિયા ગાંધી
દક્ષિણ દિલ્હી સીટ પર ભાજપના વર્તમાન સાંસદ રમેશ બિધૂડી આપના ઉમેદવાર રાઘવ ચડ્ઢાથી 1,79,105 વોટથી આગળ ચાલી રહ્યા છે. નવી દિલ્હી લોકસભા સીટ પર ભાજપના સાંસદ મીનાક્ષી લેખી પોતાના નજીકના હરીફ ઉમેદવાર કોંગ્રેસના 1,71,151 વોટથી આગળ ચાલી રહ્યા છે. દિલ્હી ચાંદની ચોકની એકમાત્ર એવી સીટ છે, જ્યાં ભાજપના ઉમેદવાર 1 લાખથી ઓછી લીડથી આગળ છે. આ સીટ પર કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન કોંગ્રેસના જે.પી. અગ્રવાલથી 96,692 વોટથી આગળ છે.
લોકસભા ચૂંટણી પરિણામ 2019: આઝમગઢ- ભોજપુરી સુપરસ્ટાર નિરહુઆનો જાદુ ચાલ્યો નહીં
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે જણાવ્યું કે, તમામ 7 મતગણતરી કેન્દ્રો પર મતોની ગણતરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. અત્યાર સુધી એક પણ મતગણતરી કેન્દ્ર પરથી કોઈ ફરિયાદ મળી નથી. શહેરમાં પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય છે.
જૂઓ LIVE TV...