દિલ્હી મુંડકા અગ્નિકાંડ: આગના કારણે ચારેબાજુ ચીસાચીસ અને 27 લોકોના મોત, જાણો છેલ્લા 13 કલાકમાં ક્યારે શું બન્યું?
Delhi Mundka fire Live: અહીં બપોરે એક વાગ્યે મીટિંગ મળવાની હતી. કામ રાબેતા મુજબ ચાલતું હતું. પરંતુ રાત્રે 2 વાગ્યા સુધી એટલે કે 13 કલાકમાં જ ચિત્ર બદલાઈ ગયું. બિલ્ડિંગ આગમાં ખાખ થઈ ગયું. અનેક જિંદગીઓ પુરી થઈ ગઈ. આ ઘટનામાં 12 લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
નવી દિલ્હી: દિલ્હીના મુંડકામાં શુક્રવારે હચમચાવી નાંખે તેવી એક ઘટના બની હતી. જેમાં એક ત્રણ માળની બિલ્ડિંગમાં લાગેલી આગમાં 27 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે NDRF અને દિલ્હી ફાયર સર્વિસની ટીમ મોડી રાત સુધી બચાવ કાર્યમાં લાગી હતી. બંને એજન્સીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે સતત આગ નિયંત્રણ અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. બિલ્ડીંગ વધુ ગરમ થવાને કારણે કામગીરીમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
જણાવી દઈએ કે આ બિલ્ડિંગમાં સીસીટીવી વેરહાઉસ હતું. અહીં બપોરે એક વાગ્યે મીટિંગ મળવાની હતી. કામ રાબેતા મુજબ ચાલતું હતું. પરંતુ રાત્રે 2 વાગ્યા સુધી એટલે કે 13 કલાકમાં જ ચિત્ર બદલાઈ ગયું. બિલ્ડિંગ આગમાં ખાખ થઈ ગયું. અનેક જિંદગીઓ પુરી થઈ ગઈ. આ ઘટનામાં 12 લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુંડકામાં જ્યાં આગ લાગી હતી તે ફેક્ટરીના માલિક વરુણ ગોયલ અને સતીશ ગોયલની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે બેદરકારીથી મૃત્યુ અને ઇરાદાપૂર્વક હત્યા કરવાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકો દાઝી જવાથી ઘાયલ થવાના અહેવાલ મળ્યા છે. ઘાયલોમાં સતીશ (38), પ્રદીપ (36), આશુ (22), સંધ્યા (22), ધનવતી (21), બિમલા (43), હરજીત (23), આયશા (24), નીતિન (24), મમતા (52), અવિનાશ (29) નું નામ સામે આવ્યું છે.
આ દુર્ઘટનામાં અમુક મૃતદેહો સળગી ગયા છે જેણી ઓળખ કરવી મુશ્કેલ થઈ પડી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડીએનએ ટેસ્ટ બાદ અમુક મૃતકોની ઓળખ થઈ શકશે. જ્યારે કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. બિલ્ડિંગમાં કામ કરનાર અનેક લોકો હજુ ગુમ છે, જેમણી શોધમાં તેમના પરિવારજનો હોસ્પિટલોમાં ભટકી રહ્યા છે.
દિલ્હીમાં મોતનું તાંડવ: એક એક કરીને નીકળ્યા 27 મૃતદેહ, PM મોદીએ કરી સહાયની જાહેરાત
તો જાણો કેવી રીતે 13 કલાકમાં ક્યારે શું થયું?
1 વાગે: બપોરે બિલ્ડિંગના બીજા માળે કામ સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. જ્યારે પહેલા માળે કંપનીની ખાસ મીટીંગ હતી
4.30 વાગે: બિલ્ડિંગના પહેલા માળેથી ધુમાડો નીકળવા માંડ્યો, સર્વત્ર ચીસો, બચાવ-બચાવની લોકોએ બૂમો પાડી
4.45 વાગે: આગ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, આગની જ્વાળાઓ બહાર આવી. પોલીસની ટીમ પણ માહિતી મળતા 5 થી 10 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
4.50 વાગે: અકસ્માતથી બચવા માટે લોકોએ પહેલા અને બીજા માળેથી દોરડાની મદદથી કૂદવાનું શરૂ કર્યું. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘણા લોકોને બચાવી લીધા હતા.
5.00 વાગે: એક પછી એક ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચવાનું શરૂ કર્યું. ફાયર બ્રિગેડે આગ ઓલવવા આધુનિક સાધનોનો ઉપયોગ શરૂ કર્યો હતો. દરમિયાન લોકો તેમના સગા-સંબંધીઓને શોધવા સ્થળ પર પહોંચી ગયા હતા.
6.20 વાગે: આશરે 45 વર્ષની મહિલાનો મૃતદેહ મળ્યો. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી હતી. એમ્બ્યુલન્સ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જતી હતી.
દિલ્હીના મુંડકા પાસે આવેલી બિલ્ડીંગમાં ભીષણ આગ: 27નાં મોત, હજુ 30-40 લોકો ફસાયેલા
10.50 વાગે: રાત્રે આગ કાબૂમાં આવી અને કૂલિંગ ઓપરેશન શરૂ થયું. ફાયર બ્રિગેડે કુલ 16 મૃતદેહોને બહાર કાઢવાની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ ધીરે ધીરે સંખ્યા વધતી ગઈ, ત્યારબાદ ડીસીપીએ કુલ 27 લોકોના મોતની પુષ્ટિ કરી.
11.40 વાગે: ફરી એકવાર પ્રથમ માળે આગની જ્વાળાઓ જોવા મળી. ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી હતી.
રાત્રે 12.00 વાગે: કૂલિંગની સાથે સર્ચ ઓપરેશન ચાલુ.
રાત્રે 2.00 કલાકે: કૂલિંગનું કામ ચાલુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube