Farmers Protest LIVE: સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે વાતચીત ચાલુ, કૃષિમંત્રી પણ હાજર
ખેડૂતોએ દિલ્હીની સરહદો પણ સીલ કરી દેવાની ચેતવણી આપી છે. આ બધા વચ્ચે સરકારે ખેડૂતોને વાતચીત કરવાનું કહીને તેમના મનની વાત સાંભળવાનું આમંત્રણ આપ્યું છે.
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા(Agricultural Law)ના વિરોધમાં ખેડૂતો દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદર્શન(Farmers Protest) કરી રહ્યા છે. તેઓ કેન્દ્ર સરકાર પાસે ત્રણ ખેડૂત કાયદાને રદ કરવાની માગણી કરી રહ્યા છે અને તેની જગ્યાએ નવા કાયદા લાવવાની વાત કરે છે. ખેડૂતોએ દિલ્હીની સરહદો પણ સીલ કરી દેવાની ચેતવણી આપી છે.ખેડૂતોના આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે. ઝી ન્યૂઝ દ્વારા ખેડૂતોએ સરકાર પાસે MSP પર ગેરંટી આપવાની અપીલ કરી છે. સરકારે આ મામલે ઉકેલ લાવવા માટે ખેડૂતોને બપોરે 3 વાગે સંવાદ માટે બોલાવ્યા છે.
પળેપળની અપડેટ...
- સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ છે. બેઠકમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર છે.
- ખેડૂતોને સમર્થન આપવા માટે શાહીન બાગના દાદી બિલકિસ બાનો સિંઘુ બોર્ડર પહોંચી રહ્યા છે. શાહીન બાગમાં થયેલા એન્ટી CAA પ્રોટેસ્ટનો ચહેરો હતા શાહીનબાગના દાદી બિલકિસ બાનો.
- 3 મંત્રી અને ભાજપ અધ્યક્ષ ખેડૂતો સાથે વાત કરશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ, પીયૂષ ગોયલ, ખેડૂતો સાથે વાત કરશે. નરેન્દ્ર તોમર પણ વાતચીતમાં સામેલ થશે. ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પણ હાજર રહેશે. ગૃહમંત્રી અમિત શાહ વાર્તામાં ભાગ નહીં લે.
કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને PM મોદીએ વારાણસીથી આપ્યો સંદેશ
ખેડૂતોના હિતમાં છે નવા કૃષિ કાયદા-પીએમ મોદી
આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વારાણસીથી ખેડૂતોને ખાસ સંદેશ આપ્યો અને નવા કૃષિ કાયદાને ખેડૂતોના હિતમાં જણાવ્યાં. તેમણે વિરોધીઓ પર ખેડૂતોને કૃષિ કાયદા વિરુદ્ધ ભ્રમિત કરવાનો આરોપ પણ લગાવ્યો. આ મુદ્દે સરકારે આજે ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પોતે આ વાતની જાહેરાત કરી. આવામાં હવે બધાની નજર છે કે શું વાતચીત દ્વારા ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવશે, આંદોલન અહીં જ ખતમ થઈ જશે?
ઠંડી અને કોરોનાને જોતા ખેડૂતોને આપ્યું આમંત્રણ
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે ઠંડીની ઋતુ અને કોવિડ મહામારી ચાલુ છે. આવામાં અમે આંદોલન કરી રહેલા ખેડૂતોને 3 ડિસેમ્બર પહેલા જ વાર્તા માટે આમંત્રિત કરવાનો નિર્ણય લીધો. તેમણે સંકેત આપ્યો કે સરકાર ખેડૂતોની માગણી પર વિચાર કરવા માટે તૈયાર છે.
શું દેશમાં ફરીથી Lockdown લાગશે? PM મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે સર્વપક્ષીય બેઠક
વાતચીતથી નીકળશે કોઈ ઉકેલ?
ખેડૂતો સાથે આજે થનારી વાર્તા બપોરે 3 વાગે વિજ્ઞાન ભવનમાં શરૂ થશે. આ અગાઉ ખેડૂતોને 3 ડિસેમ્બરના રોજ વાતચીત માટે આમંત્રણ અપાયુ હતું. ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને દિલ્હી બોર્ડર છોડીને બુરાડી મેદાન જવાની અપીલ કરી હતી. પરંતુ ખેડૂતોએ બુરાડીને ઓપન જેલ ગણાવીને ત્યાં જવાની ના પાડી દીધી હતી. ખેડૂતો હાલ દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરવાની માગણી પર અડીખમ છે. ખેડૂત યુનિયનોએ વાર્તા માટે શરત રાખવાનો પણ વિરોધ કર્યો હતો.
વાતચીતના આમંત્રણથી ખેડૂતો ખુશ
હાલ સરકાર તરફથી વાતચીત માટે આમંત્રણ મળતા ખેડૂતો ખુશ છે. પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ તેમની માગણી ત્યારે જ પૂરી થશે જ્યારે સરકાર ત્રણ કાયદાને રદ કરશે. આ સાથે MSP પર પાક ખરીદવા માટે કાયદો બનાવશે. પરંતુ આ સાથે જ તેમણે આજે ફરીથી દિલ્હી કૂચનું એલાન કર્યું છે. ત્યારબાદ બોર્ડર વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવાઈ છે.
વાતચીતના પરિણામો પર લોકોની નજર
આ નિમંત્રણ અગાઉ ખેડૂતોએ દિલ્હીની સરહદોને જામ કરવાની ચેતવણી આપી હતી. પરંતુ સરકાર તરફથી વાતચીતનું આમંત્રણ મળ્યા બાદ હવે નજર એ વાત પર ટકેલી છે કે શું આજે વાતચીત દ્વારા નવા કૃષિ કાયદા પર સરકાર અને ખેડૂતો વચ્ચે વિવાદ ખતમ થશે કે પછી ખેડૂતોનું આંદોલન આગળ ચાલુ રહેશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube