નવી દિલ્હી: ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ટ્રેક્ટર રેલી ( Tractor rally) દરમિયાન થયેલી હિંસા બાદ ચાર ખેડૂત સંગઠનોએ પોતાના ધરણા ખતમ કર્યા અને ખેડૂત આંદોલન (Farmers Protest)  નબળું પડતું જોવા મળી રહ્યું હતું પરંતુ આ બધા વચ્ચે દિલ્હી-યુપીના ગાઝીપુર બોર્ડર વિસ્તારમાં આંદોલન તેજ કરવાની કવાયત થઈ રહી છે. એકવાર ફરીથી ખેડૂતોનો જમાવડો થઈ રહ્યો છે.  ત્યારબાદ અનેક નેતાઓએ પણ ખેડૂતોનું સમર્થન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયંત ચૌધરી ગાઝીપુર બોર્ડર પહોંચ્યા
રાષ્ટ્રીય લોકદળ (RLD)ના રાષ્ટ્રીય પ્રવક્તા જયંત ચૌધરી ગાઝીપુર બોર્ડર પહોંચ્યા અને રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરી. કૃષિ કાયદા વિરુદ્ધ અહીં ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. આ બાજુ રાકેશ ટિકૈતે કહ્યું કે અમે પ્રદર્શન સ્થળ ખાલી કરીશું નહી. અમે પહેલા અમારા મુદ્દાઓ પર ભારત સરકાર સાથે વાત કરીશું. 


ગાઝીપુર બોર્ડર પર મોડી રાત સુધી ચાલ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા
ગાઝિયાબાદ પ્રશાસને પ્રદર્શનકારી ખેડૂતોને ગુરુવારે મધરાત સુધી યુપી  ગેટ ખાલી કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું અને ગાઝીપુર બોર્ડર (Gazipur Border)  પર ભારી સંખ્યામાં પોલીસફોર્સ તૈનાત કરાઈ હતી. એવી અટકળો હતી કે રાકેશ ટિકૈત (Rakesh Tikait) સરેન્ડર કરી શકે છે અથવા તો તેમની ધરપકડ થઈ શકે છે. પરંતુ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમની ભાવુક અપીલ બાદ માહોલ બદલાઈ ગયો અને પોલીસ ફોર્સે વીલા મોઢે પાછા ફરવું પડ્યું. 


રાકેશ ટિકૈતના ચોંધાર આંસુ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયા
ગાઝીપુર (Gazipur) બોર્ડર પર હાજર રહેલા પ્રદર્શનકારી ખેડૂતો પોતાના બિસ્તરા પોટલા બાંધવા લાગ્યા હતા અને રાકેશ ટિકૈતના ભાઈ નરેશ ટિકૈત પણ કહી ચૂક્યા હતા કે હવે નહી, ધરણા ખતમ કરી દેવાશે. ત્યારબાદ રાકેશ ટિકૈત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાવુક થઈ ગયા અને આંસુ પાડીને આંદોલન (Farmers Protest) ચાલુ રાખવા પર અડી ગયા. તેમણે કહ્યું કે જો માંગણીઓ પૂરી ન થઈ તો આત્મહત્યા કરી લેશે. ત્યારબાદ માહોલ બદલાઈ ગયો. 


મોડી રાતે વીલા મોઢે પાછી ફરી પોલીસ
ગાઝીપુર બોર્ડર પર ગુરુવારે સાંજથી જ તણાવનો માહોલ હતો. પરંતુ રાકેશ ટિકૈતે પ્રેસ કોન્ફરન્સ કરીને સરન્ડર કરવાની થઈ રહેલી અટકળો પર વિરામ મૂકી દીધો અને કહ્યું કે ગાઝીપુર બોર્ડર  પર કોઈ હિંસા થઈ નથી. પરંતુ આમ છતાં યુપી સરકાર દમનની નીતિનો સહારો  લઈ રહી છે. આ યુપી સરકારનો ચહેરો છે. તેમણે કહ્યું કે અમારું પ્રદર્શન ચાલુ રહેશે. 


ગાઝીપુરમાં એકવાર ફરીથી ભીડ ભેગી થઈ
રાકેશ ટિકૈતના આંસુઓએ ખેડૂતોનો ઈરાદો બદલી નાખ્યો અને રાતમાં જ પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો દિલ્હી જવા નીકળી ગયા. હવે ગાઝીપુર બોર્ડર પર એકવાર ફરીથી ભીડ ભેગી થવા લાગી છે અને પશ્ચિમી યુપીથી લગભગ 500 ખેડૂતો વિરોધ સ્થળ પર પહોંચી ગયા છે. 


દિલ્હી-એનસીઆરમાં ટ્રાફિકના હાલ
સિંઘુ, ઔચંદી, મંગેશ, સબોલી, પિયાઉ મનિયારી સરહદો બંધ છે અને લામપુર, સફિયાબાદ, સિંઘુ સ્કૂલ અને પલ્લા ટોલ સરહદો પર ટ્રાફિક ચાલુ છે. જ્યારે  DSIDC નરેલા પાસે NH44 થી ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો. દિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને કહ્યું કે બહારના રિંગ રોડ, GTK રોડ અને NH 44 પર જવાથી બચો. દિલ્હી ટ્રાફિક પોલીસના જણાવ્યાં મુજબ ગાઝીપુર બોર્ડર બંધ છે અને NH 24, NH 9, રોડ નંબર 56, 57, કોન્ડલી, પેપર માર્કેટ, ટેલ્કો ટી પોઈન્ટ, ઈડીએમ મોલ, અક્ષરધામ અને નિઝામુદ્દીન ખટ્ટાથી ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો. આ રૂટ્સ પર ભારે ટ્રાફિક છે. 


ગાઝીપુરમાં આખી રાત ચાલી ટિકૈતની પંચાયત
ખેડૂતો ગાઝીપુર બોર્ડર પહોંચતાની સાથે જ આખી રાત રાકેશ ટિકૈતની પંચાયત ચાલી અને તેમના સમર્થનમાં નારા લાગતા રહ્યા. જો કે પ્રદર્શનકારીઓમાં કાર્યવાહીનો ડર પણ સતાવી રહ્યો હતો અને રાતભર જાગતા રહ્યા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube