નવી દિલ્હી : પુલવામા હુમલા બાદ ફરી એકવાર જમ્મુ અને કાશ્મીરમાં દહેશતનો માહોલ સર્જાયો છે. આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ ફરી મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે. આ ખુલાસો સુત્રોના અનુસાર ગુપ્તચર એજન્સીને મળેલા ઇનપુટને આધારે સામે આવ્યો છે. ગુપ્તચર એજન્સીએ સુરક્ષા બળોને એલર્ટ જાહેર કરતાં કહ્યું કે, પુલવામા આતંકી હુમલાને અંજામ આપ્યા બાદ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ ફરી એકવાર મોટા હુમલાને અંજામ આપી શકે છે. આ હુમલો ચૌકીબલ અને તંગધાર વચ્ચે થવાની આશંકા સેવાઇ રહી છે. આતંકવાદીઓ ફરી એકવાર કારનો ઉપયોગ કરી સુરક્ષા બળોના કાફલાને નિશાન બનાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસમાં હુમલાની દહેશત
ગુપ્તચર એજન્સીઓના એલર્ટ અનુસાર જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ આગામી બે દિવસમાં પુલવામા હુમલાની તર્જ પર ચૌકીબલ અને તંગધાર આસપાસના રસ્તામાં સુરક્ષા બળોના કાફલાને નિશાન બનાવી શકે છે. સાથોસાથ આ વખતે હુમલામાં લીલા રંગની સ્કોર્પિયો કારનો ઉપયોગ કરે એવી પણ ગુપ્ત જાણકારી સામે આવી છે. એજન્સીને મળેલ ઇનપુટ અનુસાર આતંકીઓ તરફથી ફિદાયીન હુમલા માટે કારનો ઉપયોગ કરાશે. 


ઉત્તરી કાશ્મીરને બનાવશે નિશાન
ગુપ્તચર એજન્સીઓએ આ ઇનપુટ બાદ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી છે અને સંદેશ આપી આ અંગે વાકેફ કર્યા છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં ફરી એકવાર હુમલાની દહેશત સેવાઇ છે. ઇનપુટમાં કહેવાયું છે કે, આવનારા દિવસોમાં ઉત્તરી કાશ્મીરમાં સીવાવર્તી જિલ્લા કુપવાડાના ચૌકીબલ અને તંગધારને નિશાન બનાવી શકાય એમ છે.


LED હુમલાનો કારસો
આ વિસ્તારના રસ્તા પર LED હુમલાનો કારસો ઘડાયો છે. સુત્રોના અનુસાર એજન્સીએ જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા સોશિયલ મીડિયાના એક સંદેશને ડિકોડ કરતાં આ હુમલાના કારસાનો પર્દાફાશ થયો છે. જેમાં કહેવાયું છે કે, આ કેટલાક કિલોગ્રામનું રમકડું, અહીં રમકડાને વિસ્ફોટકના રૂપમાં કહેવાયું છે. હવે 500 કિલોગ્રામ વિસ્ફોટ માટે તૈયાર રહો. 


આ તો માત્ર શરૂઆત છે...
સુત્રોના અનુસાર સંદેશમાં કહેવાયું છે કે, હજુ વધુ હુમલા થશે, જો સુરક્ષાબળોએ કાશ્મીરીઓને નિશાન બનાવવાનું બંધ ન કર્યું તો. લડાઇ તમારી અને અમારી વચ્ચે છે, આવો લડો અમે તૈયાર છીએ. આ તો માત્ર એક શરૂઆત છે. ઇનપુટના અનુસાર આ જાણકારી પણ છે કે આતંકીઓએ ટ્રેન્ડ ગ્રુપ ઉત્તરી કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર બેઠા છે અને ગમે તે ઘડીએ ઘૂસીને હુમલાને અંજામ આપી શકે એમ છે. 


40 જવાન શહીદ થયા હતા
તમને જણાવી દઇએ કે, 14 ફેબ્રુઆરીએ જૈશ એ મોહમ્મદના આતંકીએ કાર મારફતે સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યાર બાદ 18 ફેબ્રુઆરીએ પિંગલીના વિસ્તારમાં આતંકીઓ સાથે થયેલી અથડામણમાં સેના મેજર સહિત ચાર જવાનો શહીદ થયા હતા. જ્યારે સામે પક્ષે સેના જવાનાઓએ પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ આતંકવાદી અબ્દુલ ગાઝી, જૈશ એ મોહમ્મદના કમાન્ડર કામરાનને ઠાર કર્યો હતો.