ખેડૂત યોજના લોન્ચ કરીને PM મોદી બોલ્યા, `જે પહેલા અશક્ય હતું તેને અમે શક્ય બનાવી રહ્યાં છીએ`
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી. જે હેઠળ દેશના એક કરોડથી વધુ નાના ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો નાખવામાં આવશે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી. જે હેઠળ દેશના એક કરોડથી વધુ નાના ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો નાખવામાં આવશે. તેની શરૂઆત પીએમ મોદીએ કાર્યક્રમમાં કરી. આ દરમિયાન પીએમ મોદીએ ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો. તેમણે મંચથી તમામ ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ગત સરકારની ઈચ્છા ખેડૂતોને સશક્ત કરવાની નહીં પરંતુ તેમને તરસાવવાની હતી. પહેલાની સરકારોમાં ખેડૂતનું ભલું કરવાની દાનત નહતી. પરંતુ હવે એ દિવસો ગયાં જ્યારે કેન્દ્ર સરકારમાંથી એક રૂપિયો નીકળતો હતો અને 85 પૈસા 'પંજો' મારી લેતો હતો અને 15 પૈસા જ તમને મળતા હતાં.
PM મોદી આજે પૂર્વાંચલને આપશે 'વિકાસ-17'ની ભેટ, સપા-બસપાના જાતિય સમીકરણનું થશે સૂરસૂરિયું!
તેમણે કહ્યું કે જે પહેલા અશક્ય હતું તે અમે શક્ય બનાવી રહ્યાં છીએ. વિપક્ષની જેમ ખેડૂતોને દગો કરવાનું પાપ અમે કરતા નથી. હવે કોઈ વચેટિયાઓ કિંમતોને પ્રભાવિત કરી શકશે નહીં. ખેડૂતોના પૈસા સીધા જ બેંક ખાતામાં પહોંચશે. છેલ્લા સાડા ચાર વર્ષમાં સરકાર તરફથી બે તબક્કામાં 17 કરોડથી વધુ સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવી ચૂક્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે ખેડૂત યોજના આવ્યાં બાદ મહામિલાવટી લોકોના ચહેરા લટકી ગયા છે. વિપક્ષ આ યોજના અંગે જૂઠ્ઠાણું ફેલાવી રહ્યો છે. ખોટી વાતો કરનારા પર ખેડૂતો ભરોસો ન કરે. ખોટું બોલવું એ વિપક્ષનો જન્મજાત સ્વભાવ છે. વિરોધીઓની વાતોમાં ખેડૂતો ન આવે. ખેડૂત યોજનાને ફૂલ પ્રુફ બનાવવામાં આવી છે. જેથી કરીને ખેડૂતોના અધિકારો કોઈ છીનવી શકે નહીં. તેમાં કેન્દ્ર સરકાર જેટલા પૈસા ખેડૂત માટે મોકલે છે તે બધા તેમના ખાતામાં પહોંચે છે.
તેમણે કહ્યું કે યોજનાના પૈસા પર ખેડૂતોનો હક છે. કોઈ તેને પાછો લઈ શકે નહીં. ન મોદી કે ન કોઈ રાજ્ય સરકાર. આવી અફવાઓ ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપી દેજો. મિલાવટી લોકોએ તમારા હકના પૈસા એ લોકોમાં વહેંચી દીધા જે ખેડૂતો હતાં જ નહીં. હવે ખેડૂતોના પૈસા કોઈ પણ વચેટિયાઓ વગર તેમના ખાતામાં જશે.