વિધાનસભાના સભ્ય બનવા માટે આ બેઠકથી કમલનાથ લડી શકે છે ચૂંટણી
મધ્ય પ્રદેસમાં કોંગ્રેસના 15 વર્ષના શાસનના દુકાળનો અંત કરનારા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને રાજ્યના ભાવી મુખ્યમંત્રી કમલનાથ 17 ડિસેમ્બરના રોજ શપથ લેવાના છે.
નવી દિલ્હી: મધ્ય પ્રદેસમાં કોંગ્રેસના 15 વર્ષના શાસનના દુકાળનો અંત કરનારા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને રાજ્યના ભાવી મુખ્યમંત્રી કમલનાથ 17 ડિસેમ્બરના રોજ શપથ લેવાના છે. 9 વાર લોકસભા સાંસદ રહી ચૂકેલા કમલનાથે પહેલીવાર સીએમ બન્યા બાદ હવે વિધાનસભા સભ્ય બનવા માટે પેટાચૂંટણી લડવી પડશે. આવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે કમલનાથ પોતાના ગૃહ જિલ્લા છિંદવાડાના જ કોઈ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. અત્રે જણાવવાનું કે છિંદવાડા લોકસભા વિસ્તારમાંથી તેઓ 9 વાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં છે.
છિંદવાડા લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા બેઠકો આવે છે. જેમાંથી ત્રણ બેઠકો (અમરવાડા, પરાસિયા, પાન્દુર્ના) એસટી કેટેગરી માટે અનામત છે. જ્યારે એક બેઠક (જુન્નારદેવ) એસસી કેટેગરી માટે અનામત છે. બાકીની ત્રણ બેઠકો (છિંદવાડા, સોંસર અને ચોરાઈ) જનરલ કેટેગરીની બેઠકો છે.
કમલનાથ જનરલ કેટેગરીમાં આવે છે. આથી શક્ય છે કે તેઓ બાકીની 3 બેઠકોમાંથી જ કોઈ એક બેઠકથી પેટાચૂંટણી લડે. આ વખતની ચૂંટણીના પરિણામો મુજબ છિંદવાડાની તમામ 7 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી છે.
સોંસર વિધાનસભા વિસ્તારમાં જ કમલનાથનું ઘર છે અને આ જ વિધાનસભા વિસ્તારના તેઓ મતદાતા પણ છે. આ વખતે આ બેઠક માટે થયેલી ચૂંટણીમાં વિજય રેવનાથે ભાજપના ઉમેદવારને 8400 મતોથી હરાવ્યાં.
ગુરુવારે તેઓ કોંગ્રેસ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. ત્યારબાદ કમલનાથ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે રાજભવનમાં મુલાકાત કરીને રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે દાવો રજુ કર્યો. રાજ્યપાલે કમલનાથને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. કમલનાથ સોમવાર 17 ડિસેમ્બરના રોજ બપોરે દોઢ વાગ્યે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.