રાજસ્થાન ચૂંટણી: આ કરોડપતિ મહિલા બની છે ભાજપ-કોંગ્રેસના માથાનો દુ:ખાવો, જાણો કારણ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર ચરમસીમાએ છે. 7 ડિસેમ્બરે થઈ રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાના મોટા રાજકીય પક્ષોની સાથે સાથે અપક્ષ ઉમેદવારો પણ દરેક બેઠક માટે પૂરેપૂરી તાકાતથી પ્રચાર કરી રહ્યાં છે.
નવી દિલ્હી: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર ચરમસીમાએ છે. 7 ડિસેમ્બરે થઈ રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાના મોટા રાજકીય પક્ષોની સાથે સાથે અપક્ષ ઉમેદવારો પણ દરેક બેઠક માટે પૂરેપૂરી તાકાતથી પ્રચાર કરી રહ્યાં છે. ચૂંટણીની આ મોસમમાં શ્રીગંગાનગર વિધાનસભા બેઠકના ઉમેદવાર કામિની જિંદાલ બધાનું ધ્યાન ખેંચી રહ્યાં છે. માત્ર 30 વર્ષના કામિની જિંદાલે પોતાના ઉમેદવારી પત્રમાં 287 કરોડ રૂપિયાની સંપત્તિનો ઉલ્લેખ કર્યો છે. આથી કામિની રાજસ્થાન ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર છે. રસપ્રદ વાત એ છે કે કામિની રાજસ્થાનના પ્રમુખ રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ બંને માટે માથાનો દુ:ખાવો બન્યા છે. તે નેશનલ યુનિયનિસ્ટ જમીનદારા પાર્ટીમાંથી ઉમેદવાર છે.
કામિનીની અધિકૃત વેબસાઈટ મુજબ કામિની રાજકારણની સાથે સાથે સફળ વ્યવસાયિક પણ છે. હાલ તે વિકાસ ડબલ્યુએસપી લિમિટેડની નિર્દેશક છે. બી.ડી.અગ્રવાલ વિકાસ ડબલ્યુએસપી લિમિટેડના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક છે. જેનું વિનિર્મિત ઉત્પાદન ગ્વાર ગમ ડેરિવેટિવ છે. કામિની જિંદાલના જન્મના 6 દિવસ બાદ એટલે કે 22 જૂન 1988ના રોજ વિકાસ ડબલ્યુએસપી લિમિટેડ કંપની બનાવવામાં આવી હતી. 16 જૂન 1988ના રોજ હરિયાણાના હિસારના મોટા ઉદ્યોગપતિ બી ડી અગ્રવાલના ત્યાં કામિનીનો જન્મ થયો હતો.
કામિનીએ બેચલર ઓફ આર્ટ્સ અને માસ્ટર્સ ઓફ ફિલોસોફીની ડિગ્રી મેળવી છે. 2011માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં એમએ કર્યું. કારોબારી પરિવારમાં જન્મ લેવાના કારણે કામિનીએ અભ્યાસ પૂરો કર્યા બાદ તેમાં જ હાથ અજમાવ્યો. જો કે લગ્ન બાદ તેમણે રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો.
રાજસ્થાનમાં આ વખતે ચૂંટણી ટાણે બ્રાહ્મણ સમુદાય શાં માટે હાંસિયામાં ધકેલાયો? વાંચો અહેવાલ
કામિનીના પતિ IAS છે
કામિની જિંદાલના પતિ ગગનદીપ સિંગલા રાજસ્થાન કેડરના આઈપીએસ છે. વર્ષ 2013માં કામિનીએ પહેલીવાર ચૂંટણી લડી અને શ્રીગંગાનગર બેઠકના ઈતિહાસમાં સૌથી વધુ 37068 મતોના અંતરથી ચૂંટણી જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. વર્ષ 2013માં કામિનીના માતા વિમલા દેવી સંગરિયા વિધાનસભા બેઠકથી ચૂંટણી લડ્યા હતાં. ત્યારે ઉમેદવારીમાં વિમલા દેવીએ પોતાની સંપત્તિ 2762 કરોડ રૂપિયા બતાવી હતી. તે સમયે જિંદાલ પરિવાર સૌથી વધુ 2900 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરીને ચર્ચામાં આવ્યો હતો.
21 ઉમેદવારો સાથે છે કામિનીનો મુકાબલો
શ્રીગંગાનગર વિધાનસભા બેઠક માટે 22 ઉમેદવારો મેદાનમાં છે. એટલે કે કામિનીએ જો વિધાયક બનવું હોય તો 21 ઉમેદવારોને હારવવા પડશે. કોંગ્રેસે અહીંથી અશોક ચાંડકને ટિકિટ આપી છે. ભાજપે વીનિતા આહુજાના રૂપમાં નવા ઉમેદવારને તક આપી છે. કોંગ્રેસના બળવાખોર જયદીપ બિહાણી અને રાજકુમાર ગૌડ પણ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. જ્યારે ભાજપના બળવાખોર પૂર્વ મંત્રી રાધેશ્યામ ગંગાનગર અને બસપાથી પ્રહલાદ ટાક પણ મેદાનમાં છે. એક સમયે ભાજપના કદાવર નેતા ભૈરોસિંહ શેખાવત અહીંથી ચૂંટણી હાર્યા હતાં.
શ્રીગંગાનગરના વોટિંગ પેટર્ન પર નજર નાખીએ તો અહીં વોટરોએ ક્યારેય જાત-પાતના નામે મતદાન કર્યુ નથી. લગભગ દરેક ચૂંટણીમાં વોટરોએ પોતાનો અલગ જ દ્રષ્ટિકોણ રજુ કર્યો છે. જે પોતાનામાં જ એક મિસાલ છે. મતદારોએ ક્યારેય જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખ્યા નથી, જે યોગ્ય લાગ્યા તે ઉમેદવારની પસંદગી કરી છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...