KKRvsRR: જીત સાથે કોલકત્તા પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને, રાજસ્થાન રોયલ્સ બહાર
કોલકત્તા નાઇટ રાઇડર્સે મહત્વની મેચમાં રાજસ્થાન રોયલ્સને રને પરાજય આપી પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે.
દુબઈઃ કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ના કરો યા મરો મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ (RR)ને 60 રને પરાજય આપીને પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ જીત સાથે કોલકત્તાના 14 પોઈન્ટ થઈ ગયા છે અને તે ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. આજની મેચમાં હાર બાદ રાજસ્થાન રોયલ્સની ટૂર્નામેન્ટ સમાપ્ત થઈ ગઈ છે. કોલકત્તાની જીત બાદ પણ હજુ પ્લેઓફની ટિકીટ પાકી થઈ નથી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 7 વિકેટે 191 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 131 રન બનાવી શકી હતી.
હવે આ છે પ્લેઓફના સમીકરણ
અત્યાર સુધી એકમાત્ર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાં પહોંચી છે. તો હવે બેંગલોર અને દિલ્હી વચ્ચે આવતીકાલે રમાનારી ટીમમાંથી એક ટીમ પ્લેઓફમાં પહોંચી જશે. જો લીગની અંતિમ મેચમાં હૈદરાબાદની ટીમ મુંબઈ સામે હારશે તો કોલકત્તાની ટીમને પ્લેઓફની ટિકીટ મળી જશે. બાકી કોલકત્તાએ પ્લેઓફમાં પહોંચવા માટે અન્ય સમીકરણ પોતાના પક્ષમાં આવે તે જોવું પડશે. હાલ બેંગલોર, દિલ્હી અને કોલકત્તાના 14-14 પોઈન્ટ છે. પરંતુ બેંગલોરની નેટ રનરેટ -0.145, દિલ્હીની -0.159 તો કોલકત્તાની -0.214 છે.
પેટ કમિન્સ ત્રાટક્યો
કોલકત્તાએ આપેલા 192 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમનો ધબડકો થયો હતો. ટીમને પ્રથમ ઓવરમાં રોબિન ઉથપ્પા (6)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. આ સફળતા પેટ કમિન્સને મળી હતી. ત્યારબાદ કમિન્સે ત્રીજી ઓવરમાં બેન સ્ટોક્સ (18) અને સ્મિથ (4)ને આઉટ કરીને રાજસ્થાનને બેકફુટ પર ધકેલી દીધું હતું. સંજૂ સેમસન (1)ને શિવમ માવીએ આઉટ કર્યો હતો. ઈનિંગની પાંચમી ઓવરમાં કમિન્સે રિયાન પરાગ (0)ને આઉટ કરીને પાંચમો ઝટકો આપ્યો હતો. રાજસ્થાને પાવરપ્લેમાં 5 વિકેટ ગુમાવી 41 રન બનાવ્યા હતા.
જોસ બટલર 22 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે 35 રન બનાવી આઉટ થયો હતો. આ સફળતા વરૂણ ચક્રવર્તીને મળી હતી. રાહુલ તેવતિયા (31)ને પણ ચક્રવર્તીએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તેવતિયાએ 27 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. જોફ્રા આર્ચર 6 અને કાર્તિક ત્યાગી 2 રન બનાવી આઉટ થયા હતા. શ્રેયસ ગોપાલે અણનમ 23 રન બનાવ્યા હતા.
કમિન્સનો તરખાટ
કોલકત્તા તરફથી પેટ કમિન્સે 4 ઓવરમાં 34 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. મહત્વનું છે કે આઈપીએલના મોંઘા ખેલાડીએ અત્યાર સુધી ખાસ પ્રદર્શન કર્યું નથી પરંતુ ટીમને જ્યારે જરૂર હતી ત્યારે દમદાર પ્રદર્શન કર્યું છે. તેણે ચારેય વિકેટ પાવરપ્લેમાં ઝડપી હતી. શિવમ માવી અને વરૂણ ચક્રવર્તીને બે-બે તથા કમલેશ નાગરકોટીને એક સફળતા મળી હતી.
નીતીશ રાણા ફ્લોપ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સને જોફ્રા આર્ચરે પ્રથમ ઓવરમાં ઝટકો આપ્યો હતો. નીતીશ રાણા ઈનિંગના બીજા બોલે શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. કોલકત્તાએ પાવરપ્લેમાં એક વિકેટે 55 રન જોડ્યા હતા. ટીમને બીજો ઝટકો 9મી ઓવરમાં શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો. ગિલે 24 બોલમાં 6 ચોગ્ગા સાથે 36 રન બનાવ્યા હતા. તેણે ત્રિપાઠી સાથે બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. આ સફળતા તેવતિયાને મળી હતી.
મોર્ગને સંભાળી કેકેઆરની ઈનિંગ
કોલકત્તાને 74 રનના સ્કોર પર સુનીલ નરેનના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો હતો. નરેન (0)ને તેવતિયાએ આઉટ કર્યો હતો. ટીમનો સ્કોર 94 રન હતો ત્યારે રાહુલ ત્રિપાઠી (39)ને શ્રેયસ ગોપાલે આઉટ કર્યો હતો. ત્રિપાઠીએ 34 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. દિનેશ કાર્તિક પણ શૂન્ય રને તેવતિયાની ઓવરમાં આઉટ થયો હતો. આમ કોલકત્તાએ 99 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ કેપ્ટન ઇયોન મોર્ગન અને આંદ્રે રસેલે ટીમને સંભાળી હતી. રસેલ 11 બોલમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સાથે 25 રન બનાવી આઉટ થયો હતો. ઇયોન મોર્ગને શાનદાર અડધી સદી ફટકારતા ટીમનો સ્કોર 190ને પા ર પહોંચાડ્યો હતો. મોર્ગન 35 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 68 રન બનાવી અણનમ રહ્યો હતો. પેટ કમિન્સે 15 રન બનાવ્યા હતા.
રાજસ્થાન તરફથી રાહુવ તેવતિયાએ 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય કાર્તિક ત્યાગીને બે તથા આર્ચર અને ગોપાલને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube