કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં આવી હોઈ શકે છે વર્લ્ડકપ માટે ભારતીય ટીમ
ICC ODI World Cup 2023 : શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ નું વિશ્વ કપમાં રમવાનું નક્કી નથી. આ બંને ટીમમાંથી બહાર થવા પર ભારતીય ટીમની વર્લ્ડકપની સ્ક્વોડ કેવી હોઈ શકે છે, તેના પર એક નજર કરીએ.
નવી દિલ્હીઃ ODI World Cup 2023 Team India Squad : ભારતમાં આ વર્ષે યોજાનાર વિશ્વકપ 2023 પાંચ ઓક્ટોબરથી શરૂ થશે. એટલે કે પાંચ સપ્ટેમ્બર સુધી ટીમ ઈન્ડિયાની જાહેરાત પણ આ મોટી ટૂર્નામેન્ટ માટે થવાની છે. હવે તેમાં એક મહિનાનો સમય બાકી છે. પરંતુ હજુ તે નક્કી નથી કે વિશ્વકપ માટે ભારતીય ટીમ કેવી હોઈ શકે છે. પરંતુ કેટલાક પ્લેયર્સના નામ તો નક્કી છે જે વિશ્વકપમાં રમતા જોવા મળશે, પરંતુ હજુ કેટલાક સ્પોટ બાકી છે જેને લઈને અસમંજસની સ્થિતિ છે. સૌથી પ્રમુખ નામ કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરનું છે. જો આ બંને ખેલાડીઓ ફિટ ન થાય તો અન્યનું ભાગ્ય ચમકી શકે છે.
અય્યર અને રાહુલની વાપસી પર સસ્પેન્સ
ટીમ ઈન્ડિયાના ત્રણ મોટા ખેલાડી લાંબા સમયથી ઈજાને કારણે બહાર ચાલી રહ્યાં હતા. તેમાં જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરનું નામ સામેલ છે. રિષભ પંતને પણ આ લિસ્ટમાં સામેલ કરી શકાય છે પરંતુ તે વિશ્વકપ રમવાનો નથી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વાપસી કરવા તૈયાર છે. તેને આયર્લેન્ડ સામે રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે. હાલમાં મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું કે અય્યર અને રાહુલ ફિટ થઈ ગયા છે પરંતુ મેચ ફિટ થવામાં સમય લાગશે. એટલે કે રાહુલ અને અય્યર એશિયા કપમાં પણ બહાર રહી શકે છે. તેવામાં આ બંને ખેલાડી વર્લ્ડકપમાં રમશે કે નહીં તેના પર પણ સવાલ છે.
આ ખેલાડીઓ હોઈ શકે છે ઓપનર
સવાલ છે કે જો અય્યર અને રાહુલ ન હોય તો ટીમ ઈન્ડિયાની વિશ્વકપની ટીમ કેવી હશે. તે ક્યા ખેલાડી હશે જે આ બંનેનું સ્થાન લેવા માટે સફળ થશે. આવો સમજવાનો પ્રયાસ કરીએ કે ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટીમ કેવી હોઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરી શકે છે. તો ત્રીજા ઓપનરની ભૂમિકામાં ઈશાન કિશન જોવા મળી શકે છે. ઈશાને વિન્ડીઝ સામે રમાયેલી ત્રણ વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
સંજૂ સેમસન અને અય્યરની પણ બની શકે છે ટીમમાં જગ્યા
ત્યારબાદ ત્રીજા ક્રમ માટે વિરાટ કોહલી છે. તો હાર્દિક પંડ્યા પણ ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકામાં હશે. જો કેએલ રાહુલ અને અય્યર ફિટ ન થાય તો સંજૂ સેમસન અને સૂર્યકુમાર યાદવ મીડલ ઓર્ડરમાં આવી શકે છે. આ તે જગ્યા છે જ્યાં અય્યર અને રાહુલ રમે છે. જો આ બંને રહે છે તો સૂર્યા અને સંજૂને લઈને સસ્પેન્સ છે, પરંતુ જો તે ફિટ ન થાય તો આ બંનેની જગ્યા પાકી માનવામાં આવી રહી છે. સાથે વિકેટકીપરની ભૂમિકામાં પણ સંજૂ સેમસન જોવા મળી શકે છે. કારણ કે મીડલ ઓર્ડરમાં ઈશાન કિશનની જગ્યા બનતી નથી તો રોહિત શર્માની સાથે ગિલ ઓપનિંગ કરશે.
આ ઓલરાઉન્ડરોને મળી શકે છે સ્થાન
હાર્દિક પંડ્યાની સાથે અન્ય ઓલરાઉન્ડર તરીકે રવીન્દ્ર જાડેજા હશે. તેની સાથે શાર્દુલ ઠાકુરની પણ ટીમમાં એન્ટ્રી થઈ શકે છે. આ ત્રણેય ખેલાડી બોલની સાથે બેટથી પણ ધમાલ મચાવી શકે છે. જો અન્ય એક ઓલરાઉન્ડરની જગ્યા બનશે તો અક્ષર પટેલની એન્ટ્રી થઈ શકે છે. બાકી અન્ય સ્પિનર તરીકે યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ જગ્યા બનાવી શકે છે. ત્યારબાદ ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી હશે. એટલે કે ટીમમાં ત્રણ ફાસ્ટ બોલરની સાથે હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુર ઓલરાઉન્ડર તરીકે.
વનડે વિશ્વકપ માટે ભારતની સંભવિત ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube