પિતાએ બોરની ખેતીની રાહ ચીંધી, અને દીકરો તેને લાખોની કમાણી સુધી લઈ ગયો
- માણેકવાડા ગામે નિવૃત્ત શિક્ષકે બાગાયતી ખેતી કરી નવો રાહ ચિંધ્યો
- બોરની બાગાયતી ખેતીને શિક્ષક પુત્રએ પણ અપનાવી
- ઓછી જમીનમાં પાંચ પ્રકારની જાતોની બોરડીનું કર્યું વાવેતર
- વિવિધ સ્વાદના બોરનું ઉત્પાદન કરી લાખોની કમાણી કરી
- શિક્ષક પુત્રના બોરની બજારમાં છે ભારે માંગ
સાગર ઠાકર/જુનાગઢ :જુનાગઢ જીલ્લા ( junagadh ) ના કેશોદ તાલુકાના માણેકવાડા ગામે એક નિવૃત્ત શિક્ષકે બાગાયતી ખેતી કરીને એક નવો રાહ ચીંધ્યો છે. પોતે શરૂ કરેલી બોરની બાગાયતી ખેતી ( farming ) ને તેમના પુત્રએ પણ અપનાવીને ઓછી જમીનમાં પાંચ પ્રકારની જાતોની બોરડીનું વાવેતર કરી વિવિધ સ્વાદના બોર (ber fruit) નું ઉત્પાદન કરી લાખોની કમાણી કરી રહ્યા છે અને તેમના બોરની તમામ જાતોની બજારમાં ભારે માંગ પણ છે.
માણેકવાડા ગામે રામભાઈ ડાંગર નામના નિવૃત્ત શિક્ષકે વર્ષ 1982 માં પાંચ વીઘામાં બોરનું વાવેતર કર્યુ હતું. જેમાં બે વર્ષ પછી એટલે કે 1984 થી બોરનું ઉત્પાદન (ber farming) શરૂ થયું અને તેમના એમએ બીએડ થયેલા પુત્ર હિતેશભાઈએ પણ બોરની બાગાયતી ખેતીને અપનાવી અને આજે હિતેશભાઈ પોતાના ખેતરમાં 190 બોરના ઝાડમાંથી લાખો રૂપીયાની કમાણી કરી રહ્યા છે.
આ પણ વાંચો : દીકરી દેવો ભવ : ખેડાની એક સંસ્થાએ 101 બાળાઓને દત્તક લીધી
બોરની પાંચ વેરાયટી અને તેની ખાસિયત...
- ગોલા - વહેલી પાકતી જાત, સાઈઝ મોટી, મીઠા
- ખારેક - ટકાઉ, મોટી સાઈઝ, મીઠાં
- જોગીયા (ચોકલેટ) - સ્વાદમાં મધુર, સાઈઝ નાની, ખાવામાં સોફટ
- સુરતી કાંઠા - ખટમીઠા, મીડીયમ સાઈઝ
- એપલ - સુગરલેસ, સાઈઝ મોટી, વહેલી પાકતી જાત
હિતેશભાઈના ખેતર ( agriculture ) માં બોરની પાંચ વેરાયટીના કુલ 190 ઝાડ છે, જેમાં એક ઝાડમાંથી અંદાજે 12 થી 15 મણનો ઉતારો થાય છે. જે બજારમાં 45 રૂપીયા પ્રતિ કિેલોના ભાવે વેચાય છે. શ્રાવણ મહિનામાં બોરના ઝાડ પર ફુલ આવે છે. ત્યાર બાદ જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી તેમાં ફળ આવે છે. બોરના ઝાડ પર વર્ષમાં એક જ વખત ફાલ આવે છે અને ત્રણ મહિના સુધી તેની સીઝન રહે છે. ત્યારબાદ એપ્રિલ મહિનામાં તેનું કટીંગ થાય છે. તેના લાકડાંમાંથી પણ આવક ઉભી થાય છે, તેનો બળતણ તરીકે ઉપયોગ કરી શકાય છે. બોરના લાકડાંમાથી જ દર વર્ષે 7 થી 8 હજારની આવક થાય છે.
એપ્રિલમાં કટીંગ કર્યા બાદ ખાતર અપાય છે અને બે વખત પીયત થાય છે. ફુગનાશક દવાનો છંટકાવ અને ડિસેમ્બરમાં ફળના બંધારણ સમયે ખાતર નાંખવામાં આવે છે. હાલ બોરની સીઝન ચાલે છે અને બજારમાં માણેકવાડાના બોરની જબરી માંગ છે. કારણ કે, જે બોરની જાતોનું વાવેતર રામભાઈએ કર્યું હતું તે બોરની મીઠાશ અને એકપણ બોર સડેલું નથી નીકળતું. તેથી લોકો તેમના બોર ખરીદવાનો આગ્રહ રાખે છે.
નિષ્ણાતોના મતે બોરની ખેતી ( ber farming ) સરળ છે અને તેની જાળવણી માટે ખાસ કોઈ ખર્ચ આવતો નથી. તેથી બોરની ખેતી ફાયદાકારક છે. હિતેશભાઈને દર વર્ષે બોરમાંથી અંદાજે બે લાખ રૂપિયાની ચોખ્ખી આવક થાય છે. તેમનું માનવું છે કે બાગાયતી ખેતીની સાથે નિયમિત પરંપરાગત ખેતી કરવામાં આવે તો આવકમાં વધારો કરી શકાય છે.