• કિરીટ પરમાર, કિર્તીબેન દાણીધારિયા અને કેયુર રોકડિયા... ત્રણેય નવા મેયરના નામ ‘ક’ પરથી

  • સુરત, જામનગર અને રાજકોટના મેયરના નામની જાહેરાત બાકી છે


ઝી મીડિયા/બ્યૂરો :મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. તેના બાદ આજે 3 મહાનગરોના મેયર તથા અન્ય સભાસદોના નામની જાહેરાત થઈ છે.  અમદાવાદમાં કિરીટ પરમારને મેયર બનાવાયા. તો વડોદરામાં કેયુર રોકડિયાની પક્ષે પસંદગી કરી છે. તો ભાવનગરમાં કિર્તીબેન દાણીધારિયાની મેયર તરીકે વરણી કરાઈ છે. ત્યારે આ મેયરના નામની જાહેરાતમાં યોગાનુયોગ સર્જાયો છે. ત્રણેય મેયરના નામ પર ‘ક’ પરથી છે. ત્યારે મહાનગરોમાં મેયરની પસંદગીમાં મિથુન રાશિનો દબદબો રહ્યો છે તેવુ કહી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણેય મેયરના નામ ‘ક’ પરથી
કિરીટ પરમાર, કિર્તીબેન દાણીધારિયા અને કેયુર રોકડિયા... ત્રણેય નવા મેયરના નામ ક પરથી આવે છે. તેથી આજના મેયરના નામોની જાહેરાતમાં મિથુન રાશિનો પ્રભાવ જોવા મળ્યો છે. જોકે બીજી તરફ, સુરત, જામનગર અને રાજકોટના મેયરના નામની જાહેરાત બાકી છે. ત્યારે હવે બાકીના ત્રણેય શહેરોમાં ઉમેદવારોના જીવ ઊંચાનીંચા થઈ ગયા છે. રાજકોટ, સુરત અને જામનગરમાં પક્ષ કયા નામોની પસંદગી થાય છે તેના પર સોની નજર છે. 


આ પણ વાંચો : અમદાવાદથી મોટી જાહેરાત : કિરીટ પરમાર બન્યા શહેરના નવા મેયર 


અમદાવાદને નવા મેયર મળ્યા 
કિરીટ પરમાર અમદાવાદના નવા મેયર બન્યા છે. ઠક્કરબાપા નગર વોર્ડના ઉમેદવાર કિરીટ પરમાર પર પ્રદેશ ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે ડેપ્યુટી મેયર તરીકે નારણપુરા વોર્ડના ગીતા પટેલની વરણી થઈ છે. હિતેશ બારોટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે. શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે. તો ભાજપના દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂતની પસંદગી કરાઈ છે. 



આ પણ વાંચો : કેયુર રોકડિયા બન્યા વડોદરાના નવા મેયર, નંદા જોશીને ડેપ્યુટી મેયર બનાવાયા


વડોદરામાં કોની કોની પસંદગી 
વડોદરા મહાનગરપાલિકામાં ભવ્ય જીત બાદ શાસકોની વરણી થઈ ગઈ છે.  વોર્ડ નંબર આઠથી કોર્પોરેટર કેયુર રોકડિયાની મેયર તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોષીની વરણી કરવામાં આવી છે. ડૉ.હિતેન્દ્ર પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. શાસક પક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ લીંબચીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના દંડક તરીકે ચિરાગ બારોટની વરણી કરવામાં આવી છે. આ તમામ લોકો હવે વડોદરા મહાનગર સેવાસદનની શાસન વ્યવસ્થા ચલાવશે.


આ પણ વાંચો : કિર્તીબેન દાણીધારિયા સંભાળશે ભાવનગરની સત્તાનું સુકાન, બન્યા નવા મેયર 


ભાવનગરમાં કોણ મેયર 
ભાવનગરના નવા મેયર કિર્તીબેન દાણીધારિયાની વરણી કરાઈ છે. તો ભાવનગરના ડે.મેયર પદે કૃણાલ શાહની વરણી કરાઈ છે. ભાવનગરના સ્ટે.કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલિયાની વરણી થઈ છે. ભાવનગર મનપાના દંડક પદે પંકજસિંહ ગોહિલની વરણી કરાઈ છે. ભાવનગરના નવા શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ બન્યા છે.