અમદાવાદને નવા શાસકો મળ્યા, કિરીટ પરમાર બન્યા શહેરના નવા મેયર 

અમદાવાદને નવા શાસકો મળ્યા, કિરીટ પરમાર બન્યા શહેરના નવા મેયર 
  • નવા મેયર તરીકે પોતાના નામની જાહેરાત થતા જ કિરીટ પરમાર ભાવુક થઈ ગયા હતા
  • અમદાવાદના મેયર અને અન્ય 4 હોદ્દેદારો પણ આજે પોતાના ટેકેદારોની ઉપસ્થિતિમાં પદ ગ્રહણ કર્યું

ઝી મીડિયા/બ્યૂરો :આખરે અમદાવાદના નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. કિરીટ પરમાર અમદાવાદના નવા મેયર બન્યા છે. ઠક્કરબાપા નગર વોર્ડના ઉમેદવાર કિરીટ પરમાર પર પ્રદેશ ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે ડેપ્યુટી મેયર તરીકે નારણપુરા વોર્ડના ગીતા પટેલની વરણી થઈ છે. જોકે, મેયર તરીકે કિરીટ પરમારના નામની ચર્ચા પહેલેથી જ ચાલી રહી હતી. ત્યારે પક્ષ દ્વારા તેમની જ પસંદગી કરાઈ છે. હિતેશ બારોટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે. 

અમદાવાદ શહેરને નવા મેયર બન્યા છે, સાથે જ નવા શાસકોના નામની જાહેરાત કરાઈ છે. શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે. તો ભાજપના દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂતની પસંદગી કરાઈ છે. નવા મેયર તરીકે પોતાના નામની જાહેરાત થતા જ કિરીટ પરમાર ભાવુક થઈ ગયા હતા. ભાજપના પદાધિકારીઓ દ્વારા તેઓને મીઠાઈ ખવડાવીને તેમનું સ્વાગત કરાયું હતું. કિરીટ પરમારની છબી સામાજિક કાર્યકર તરીકેની છે. તેઓ વર્ષોથી સંઘ સાથે જોડાયેલા છે. પહેલીવાર પોટલિયા વોર્ડથી ચૂંટણી જીત્યા હતા અને આજે અમદાવાદના નવા મેયર બન્યા છે. તો ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલના નામ પર પસંદગી કરાઈ છે. 

અમદાવાદને આખરે નવા શાસકો મળી ગયા છે. AMCની સામાન્ય સભામાં ચૂંટણી અધિકારી સમક્ષ મેયર અને ડેપ્યુટી મેયરે ઉમેદવારી નોંધાવી. કોંગ્રેસે નિયત સમયમાં કોઈ ઉમેદવાર ઉભો ન રાખતા બંને બિનહરીફ થયા છે. જે બાદ અમદાવાદના મેયરે પદગ્રહણ કર્યું છે. મેયર સિવાયના અન્ય 4 હોદ્દેદારો પણ આજે પોતાના ટેકેદારોની ઉપસ્થિતીમાં પદ ગ્રહણ કર્યા. નોંધનીય છે કે, અમદાવાદના નવા શાસકોની ભાજપની બેઠકમાં શહેર ભાજપના પ્રભારી આઈ. કે. જાડેજાએ નામની જાહેરાત કરી હતી. આ તમામ લોકો હવ અમદાવાદનું શાસન સંભાળશે.  

તો મેયર બનનાર કિરીટ પરમારે કહ્યું કે, હું પક્ષનો આભારી છું. સામાન્ય પરિવાર અને ચાલીમાં જન્મ લઈને કોર્પોરેશનની સ્કૂલમાં ભણનાર, નાના પરિવારમાંથી આવનાર માણસને શહેરની પ્રતિષ્ઠિત પોસ્ટ પર બેસાડવા માટે હું ભાજપનો આભારી છું. હું ત્રણ વોર્ડમાંથી ઈલેક્શન લડ્યો છું. ત્રણેયમાંથી જીતીને આવ્યો છું. અહીંની ભૌગોલિક સ્થિતિથી હું વાકેફ છુ. કોર્પોરેશનના વિકાસના કામ ચાલી રહ્યા છે તેથી નાના માણસો સુધી પહોંચી શકીશ. ડેપ્યુટી મેયર બનનાર ગીતા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મને પાર્ટીનો જે આદેશ હશે, તે મુજબ શહેરનું સારી રીતે કામ કરીશ. નિષ્ઠાથી કામ કરીશ. 

સંઘના સ્વયં સેવક એવા કિરીટ પરમાર કુંવારા છે. તેઓ મેયર બંગલોમાં રહેવા ન જવાના હોવાથી એક રૂમના મકાનમાંથી અમદાવાદનો વહીવટ કરશે.

મેયર બન્યા બાદ ભદ્રકાળી માતાના કર્યા દર્શન 
ગરીબ પરિવારમાંથી આવતા કિરીટ પરમાર મેયર બન્યા બાદ ભાવુક થઈ ગયા હતા. ત્યારે તેમણે સૌથી પહેલા નગરદેવીના દર્શન કર્યા હતા. મેયર કિરીટ પરમાર સામાન્ય સભા પૂરી કરી અને ભદ્ર ખાતે નગરદેવી ભદ્રકાળીના મંદિરે પહોંચ્યા હતા. કિરીટ પરમારની સાથે ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરુણસિંહ રાજપૂતે નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કરી આશીર્વાદ માગ્યા હતા. કિરીટ પટેલે મ્યુનિ. ઓફિસમાં પ્રવેશતાં પહેલાં પગથિયે પગે લાગ્યા હતા અને ત્યાર બાદ ચાર્જ સંભાળ્યો હતો. સામાન્ય સભાના સ્ટેજ પર કિરીટ પરમારે ગાંધીજી, સરદાર પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટોને સૂતરની આંટી પહેરાવી હતી. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે બુકે આપી તેમને આવકાર્યા હતા. મેયરે સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યની જાહેરાત કરી હતી.

kalu_bharwad_lambha_zee.jpg

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં એકમાત્ર અપક્ષ ઉમેદવાર તરીકે લાંભા વોર્ડમાંથી ચૂંટાઈને આવેલા કાળુભાઇ ભરવાડ આજે પોતાના પરંપરાગત વેશ સાથે સામાન્ય સભામાં હાજર રહ્યા હતા.

Trending news