મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 'હીરો' કાંતિ અમૃતિયાની મુશ્કેલી વધી, ફરી જીતનો મામલો HCમાં પડકારાયો

અગાઉ પણ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. આ અરજી મામલે કાંતિ અમૃતિયા, ઈલેક્શન ઓફિસર સહિતના પક્ષકારોને નોટિસ ઈસ્યૂ કરવામાં આવી હતી.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 'હીરો' કાંતિ અમૃતિયાની મુશ્કેલી વધી, ફરી જીતનો મામલો HCમાં પડકારાયો

ઝી બ્યુરો/મોરબી: ફરી એકવાર મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની મુશ્કેલી વધી ગઈ છે. હારેલા ઉમેદવાર નિરુપા મધુએ કાંતિ અમૃતિયાની જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે. આ સંદર્ભે 5 જૂને હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

અગાઉ પણ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. આ અરજી મામલે કાંતિ અમૃતિયા, ઈલેક્શન ઓફિસર સહિતના પક્ષકારોને નોટિસ ઈસ્યૂ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તમામ લોકોને આગામી મુદતે જવાબ રજૂ કરવાના નિર્દેશો આપ્યા હતા. મોરબીથી કાંતિ અમૃતિયા 50 હજારથી વધુના માર્જિનથી જીત્યા હતા. કાંતિ અમૃતિયાની સામે કોંગ્રેસના જયંતિલાલ પટેલ મેદાનમાં હતા. જેમાં અમૃતિયા કરતા અડધા મત પણ નહોતા મળ્યા. કાંતિ અમૃતિયાને એક લાખ 14 હજાર કરતા વધુ મત મળ્યા હતા. જો કે, હવે તેમની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.

મોરબીથી છઠ્ઠી વખત ચૂંટાયલા ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિરુદ્ધ અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી ઇવે તેમની સામે એફિડેવિટમાં ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ કરાયો હતો. 2022ની વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર મઘુ નિરૂપાએ હાઈકોર્ટમાં આ અરજી કરી હતી. તેમાં જણાવાયું છે કે કાંતિ અમૃતિયાએ ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલી એફિડેવિટમાં અધૂરી અને ખોટી માહિતી આપી હતી. વર્ષ 2017ની ચૂંટણીના એફિડેવીટમાં અમૃતિયાએ સરકારી ક્વાર્ટર હોવાનું જણાવ્યું હતું, જ્યારે 2022ની એફિડેવિટમાં સરકારી ક્વાર્ટર નથી તેમ લખ્યુ છે. અરજદારનો આક્ષેપ છે કે એફિડેવિટમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન સરકારી ક્વાર્ટર તેમજ સરકારી લેણાની વિગતો લખવાની હોય છે, પણ અમૃતિયાએ આમ નથી કર્યું.

2017માં કોંગ્રેસમાંથી અને 2020ની પેટાચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડીને જીતેલા બ્રિજેશ મેરજાને ભાજપે 2022માં ટિકિટ ન આપી. તેમની જગ્યાએ ભાજપે ફરી કાંતિ અમૃતિયાને ફરી મેદાનમાં ઉતાર્યા હતા. તેની પાછળનું એક મોટું કારણ મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના વખતે અમૃતિયાએ કરેલી બચાવ કામગીરી પણ હતી. અમૃતિયાએ મચ્છુ નદીમાં ઉતરીને લોકોના જીવ બચાવ્યા હતા, જેના વીડિયો પણ સામે આવ્યા હતા. 1995થી પાંચ છ વખત મોરબીથી જીતેલા અમૃતિયાની મોરબીમાં ભાજપ સંગઠન પર સારી એવી પકડ છે. લોકોમાં પણ તેઓ પરિચિત છે. ત્યારે હવે હાઈકોર્ટમાં અરજીથી અમૃતિયાની ચિંતા જરૂર વધી છે.

ગત ટર્મમાં ભાજપના જ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પણ તેમના પ્રતિસ્પર્ધીએ કોર્ટમાં પડકારી હતી. તપાસ બાદ હાઈકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મૂકતા ભૂપેન્દ્રસિંહની સદસ્યતા બચી ગઈ હતી. એવામાં હવે જોવું એ રહેશે કે કાંતિ અમૃતિયા સામેના આક્ષેપમાં કેટલો દમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news