ગુજરાતમાં યોગા દિવસ : CM રૂપાણીએ યોગાથી દિવસની શરૂઆત કરી, કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે યોગા કર્યાં
ઝી મીડિયા/બ્યૂરો :આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે, ત્યારે સમગ્ર વિશ્વ આજે યોગા કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. ત્યારે ગુજરાતભરમાં પણ લોકોએ યોગા કરીને આંતરરાષ્ટ્રીય યોગા દિવસ ઉજવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 21 જૂન આંતર રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત આજે સવારે યોગ પ્રાણાયમ કરીને દિવસનો પ્રારંભ કર્યો હતો. આ વર્ષે કોરોના સંક્રમણને કારણે આયુષ મંત્રાલયે ‘યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી’ થીમ સાથે દેશભરમાં આ યોગ દિવસ ઉજવવાનું આયોજન કર્યું છે. વિજય રૂપાણીએ પણ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનના કેમ્પસમાં પત્ની અંજલી રૂપાણી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલ સાથે સવારે યોગાસન કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી 'યોગ કરીશું કોરોના ને હરાવિશું' મંત્ર સાથે રાજ્યના સૌ નાગરિકોને કોરોના સામે યોગાસન વ્યાયામના આયામથી રોગપ્રતિકારક શક્તિ વધારવા આહવાન કર્યું હતું. રાજ્યભરમાં અનેક પરિવારોમાં આજે લોકોએ પ્રાણાયામ અને આસન કર્યા હતા.
લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના સમગ્ર પરિવાર સાથે આજે યોગ દિવસ પર યોગા કર્યા હતા. કીર્તિદાન ગઢવી સાથે તેમના પત્ની સોનલ ગઢવી, મોટો પુત્ર ક્રિષ્ના ગઢવી અને નાનો પુત્ર રાગ ગઢવીએ યોગાના વિવિધ આસન કર્યાં હતા.
Trending Photos