18 ફૂટ ઊંચા હનુમાન, મહાભારત સમયના અવશેષો, સદીઓ જૂના આ મંદિરનું મહત્વ શ્રાવણમાં વધી જાય છે
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે કુદરતી વનરાજી વચ્ચે અને મહાભારત કાળના ઇતિહાસ સાથે જોડાયેલું ગુજરાતનું એક સ્થળ ખાસ બની જાય છે. પાવાગઢ નજીક જાંબુઘોડા જંગલમાં આવેલા ઝંડ હનુમાનના દર્શન માટે વર્ષોની પરંપરા મુજબ શ્રાવણ માસમાં દર શનિવારે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતાં હોય છે. ત્યારે ચોમાસું અને શ્રાવણ મહિનો હોવાથી ગુજરાતનું આ પ્રવાસી ધામ ફરીથી ધમધમતુ થઈ ગયું છે.
શ્રાવણ માસ હોવાથી પંચમહાલ જિલ્લાના છેવાડે પ્રકૃતિની ગોદમાં આવેલા જાંબુઘોડાના ઝંડ હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. આ સ્થળ મહાભારત સાથે જોડાયેલું છે. મહાભારત કાળના ઇતિહાસની પૌરાણિક ગાથા અને પુરાવા સાથે સંકળાયેલા ઝંડ હનુમાન મંદિરમાં રાજ્ય અને રાજ્ય બહારના હજારો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાઈને આવે છે.
અહીં શ્રાવણ માસમાં શનિવારે મોટી સંખ્યામાં ભક્તો આવતાં હોય છે અને દાદાના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા સાથે પ્રકૃતિની અનેરો આનંદ પણ માણતા હોય છે. સાથે અહીંના પ્રખ્યાત અને સ્વાદિષ્ટ મકાઈના રોટલા સાથે શાક ઉપરાંત અડદની દાળના વડાની લિજ્જત પણ માણે છે.
આ મંદિર પ્રાચીન હોવાની સાથે અનેક ખાસિયતોથી ભરેલું છે. ઝંડ હનુમાનજીની પ્રતિમા એક જ પથ્થરમાં બનેલી છે. જે 18 ફૂટની ઉંચાઈ ધરાવે છે અને દેશભરમાં હનુમાજીની આ માત્ર એક જ પથ્થરમાંથી બનેલી ઉંચી પ્રતિમા હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત અહીં પાંડવોના વનવાસ કાળ દરમિયાનના અવશેષો જોવા મળે છે. જેમાં ભીમની ઘંટી અને અર્જુને બાણ થકી દ્રૌપદી માટે પાણીની વ્યવસ્થા કરી હતી એ કૂવો પણ છે. ઝંડ હનુમાન દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતાં હોવાથી કેટલાક ભક્તો અહીં દર શનિવારે આખા ડબ્બા તેલનો અભિષેક પણ કરતાં હોય છે અને દૂર દૂર થી દર્શન માટે દર શનિવારે આવતાં હોય છે.
Trending Photos