સુરતના યુવાનનું હૃદય દિલ્હીના યુવકમાં ધબકતું થયું, સુરતમાંથી 19મા હૃદયનું દાન કરાયું

Sep 13, 2018, 06:42 PM IST

સુરતથી દિલ્હી વચ્ચેનું 1158 કિમીનું અંતર ગ્રીન કોરિડોરનું નિર્માણ કરીને માત્ર 177 મિનિટમાં કાપીને મિહિરના હૃદયને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું 

સુરત: ગુરુવારે સુરત શહેરમાંથી 19મા હૃદયનું દાન કરવામાં આવ્યું હતું. 18 વર્ષના બ્રેઈન ડેડ મિહિર ભરતભાઈ પટેલનું હૃદય દિલ્હીના 32 વર્ષના યુવકમાં ધબકતું થયું હતું. દિલ્હીની પ્રખ્યાત એઈમ્સ હોસ્પિટલ ખાતે હૃદય પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. સુરતની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં મિહિરના શરીરમાંથી ધબકતું હૃદય કાઢીને સ્પાઈસજેટની ફ્લાઈટમાં દિલ્હી મોકલવામાં આવ્યું હતું. સુરત અને દિલ્હી વચ્ચે 1158 કિમીનું આ અંતર ગ્રીન કોરિડોરનું નિર્માણ કરીને માત્ર 177 મિનિટમાં કાપવામાં આવ્યું હતું. અકસ્માતમાં બ્રેઈન ડેડ થયેલા મિહિરના માતા-પિતાને તેનાં હૃદયનું દાન કરવા માટે ડોક્ટરો દ્વારા સમજાવાયા બાદ તેઓ તૈયાર થયા હતા અને આ રીતે તેમણે એક અજાણ્યા યુવકને જિંદગી બક્ષી હતી.

1/9

ડોક્ટરો દ્વારા પરિવારને સમજાવાયો

ડોક્ટરો દ્વારા પરિવારને સમજાવાયો

અકસ્માતમાં બ્રેઈન ડેડ થઈ ગયેલા 18 વર્ષના મિહિરનું હૃદય સંપૂર્ણપણે કામ કરતું હતું. આથી સુરતની સનશાઈન હોસ્પિટલ અને અંગદાનને પ્રમોટ કરતા લોકોએ મિહિરના માતા-પિતા અને પરિવારજનોને મિહિરના હૃદયનું દાન કરવા માટે સમજાવ્યા હતા.

2/9

માતા-પિતાની અંતિમ વિદાય

માતા-પિતાની અંતિમ વિદાય

મિહિરના હૃદયનું દાન કરવાનો નિર્ણય લીધા બાદ માતા-પિતા અને બહેને વ્હાલ વરસાવીને મિહિરને અંતિમ વિદાય આપી હતી. કાળજાના કટકાનું કાળજું આપવાનો કઠિન નિર્ણય લેવાનો નિર્ણય મિહિરના માતા-પિતાએ કઠણ કાળજું રાખીને લીધો હતો.

3/9

ડોક્ટરો અને પરિજનો દ્વારા પ્રાર્થના

ડોક્ટરો અને પરિજનો દ્વારા પ્રાર્થના

મિહિરના હૃદયને તેના શરીરમાંથી ઓપરેશન દ્વારા કાઢતા પહેલાં હોસ્પિટલના રૂમમાં ડોક્ટર અને પરિજનો દ્વારા મિહિરના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમયે સૌની આંખમાંથી અશ્રૃધારા વહેતી હતી. 

4/9

મિહિરની માતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં

મિહિરની માતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં

મિહિરને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેની માતા અને દિકરી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં હતાં. આ પ્રસંગે હાજર સૌની આંખમાં આંસુ હતા અને કોણ કોને સાંત્વના પાઠવે તે મોટો સવાલ હતો. એક તરફ વ્હાલસોયા દિકરાનું હૃદય બીજાના શરીરમાં ધબકવા માટે જઈ રહ્યું હતું જ્યારે બીજી તરફ એક મા નો લાડકવાયો આ દુનિયાને અલવિદા કહેવાનો હતો.

5/9

મિહિરને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો

મિહિરને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો

મિહિરના હૃદયને કાઢવા માટે સુરતની સનશાઈન હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં લઈ જવાઈ રહ્યો છે. અહીં, ડોક્ટરોએ મિહિરના હૃદયને સફળતાપૂર્વક તેના શરીરમાંથી અલગ કરાયું હતું. 

6/9

હૃદયને વિશેષ થેલીમાં પેક કરાયું

હૃદયને વિશેષ થેલીમાં પેક કરાયું

મિહિરના શરીરમાંથી તેનું હૃદય કાઢી લીધા બાદ એક વિશેષ થેલીમાં પેક કરીને તેને બરફથી ભરેલા ઈન્સ્યુલેટર બોક્સમાં મુકવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હૃદયને જીવંત રાખવા માટે ચોક્કસ તાપમાન જાળવી રાખવું અનિવાર્ય હોય છે. 

7/9

એરપોર્ટ પર પહોંચી ટીમ

એરપોર્ટ પર પહોંચી ટીમ

મિહિરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે પોલિસ સાથે કો-ઓર્ડિનેશન કરીને સુરત શહેરની સનશાઈન હોસ્પિટલથી સુરતના એરપોર્ટ સુધીના સમગ્ર રસ્તા પર ગ્રીન કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાંથી હૃદય લઈને ટીમ એરપોર્ટ પર પહોંચી હતી. 

8/9

અંગદાનને સફળતાપૂર્વક પાર પાડનારી ટીમ

અંગદાનને સફળતાપૂર્વક પાર પાડનારી ટીમ

મિહિરના અંગદાનને સફળતાપૂર્વક પુરું કરવા માટે સુરતની સનશાઈન હોસ્પિટલના ડોક્ટર્સની ટીમથી માંડીને પોલીસ અને અંગદાનને પ્રોત્સાહન આપતી સંસ્થાના કાર્યકર્તાઓએ અત્યંત મહત્ત્વની કામગિરી પૂરી પાડી હતી. 

9/9

દિલ્હી તરફ ઉડાન

દિલ્હી તરફ ઉડાન

સુરત એરપોર્ટ પરથી સ્પાઈસજેટની ફ્લાઈટમાં મિહિરના હૃદયને દિલ્હી પહોંચાડવામાં આવ્યું હતું. સુરત અને દિલ્હી વચ્ચેના 1158 કિમીના આ અંતરને ગ્રીન કોરિડોરનું નિર્માણ કરીને 177 મિનિટમાં દિલ્હી ખાતેની એઈમ્સ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. અહીં, 32 વર્ષના એક યુવકના હૃદયમાં સુરતના મિહિરના હૃદયનું સફળતાપૂર્વક હૃદય પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. આ રીતે, સુરતના 18 વર્ષના યુવાનનું હૃદય દિલ્હીના 32 વર્ષીય યુવકમાં ધબકતું થયું હતું.