2015ના વિશ્વકપ બાદ વનડેમાં સૌથી વધુ મેચ જીતનાર ટોપ-5 ટીમ
વિશ્વકપ 2015ને લગભગ ચાર વર્ષ થઈ ગયા છે. આ વર્ષે વિશ્વ કપ 2019 રમાવાનો છે. આ વર્ષે વિશ્વકપ ઈંગ્લેન્ડમાં રમાવાનો છે. વિશ્વકપ 2015માં ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બની હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે રેકોર્ડ પાંચમી વખત ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ગત વિશ્વકપ બાદ ઘણી ટીમોએ સૌથી સારૂ પ્રદર્શન કર્યું છે. અમે અહીં વિશ્વકપ 2015 બાદ વનડેમાં સૌથી મેચ જીતનારી ટોપ 5 ટીમો વિશે વાત કરી રહ્યાં છીએ.
ભારત, 54 જીત
ભારતીય ટીમ આ લિસ્ટમાં પ્રથમ સ્થાન પર છે. ભારતીય ટીમ બે વખત વિશ્વકપનું ટાઇટલ જીતી ચુકી છે. 2015ના વિશ્વકપમાં ભારતીય ટીમ સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. આ વખતે પણ ટીમ સારા ફોર્મમાં છે.
વિશ્વકપ 2015 બાદ ભારતીય ટીમે કુલ 81 વનડે મેચ રમી છે જેમાં તેણે 54 મેચોમાં જીત મળી છે તો 24 મેચમાં ભારતે પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન ભારતીય ટીમની જીતની ટકાવારી 66.66 ટકા રહી છે.
ઈંગ્લેન્ડ, 51 જીત
ઈંગ્લેન્ડની ટીમ આ યાદીમાં બીજા સ્થાન પર છે. ઈંગ્લેન્ડની ટીમ પણ અત્યાર સુધી વિશ્વકપ જીતવામાં સફળ રહી નથી. 2019 વિશ્વકપ ઈંગ્લેન્ડમાં રમાવાનો છે, તેમાં ઈંગ્લેન્ડને જીતવાનું દાવેદાર માનવામાં આવી રહ્યું છે.
વિશ્વકપ 2015 બાદ ઈંગ્લેન્ડની ટીમે 71 વનડે મેચ રમી છે, જેમાં 51 વનડેમાં જીત મેળવી અને 21 મેચમાં તેનો પરાજય થયો છે. આ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમની જીતની ટકાવારી 66.23 ટકા રહી છે.
દક્ષિણ આફ્રિકા, 42 જીત
દક્ષિણ આફ્રિકાની ટીમ આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. આ ટીમ હંમેશા સારૂ પ્રદર્શન કર્યા છતાં વિશ્વકપનું ટાઇટલ જીતી શકી નથી. 2015 વિશ્વકપમાં સેમીફાઇનલમાં તેને ન્યૂઝીલેન્ડની ટીમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
વિશ્વકપ 2015 બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ વનડેમાં 68 વનડે મેચ રમી છે, જેમાં તેણે 42 મેચમાં જીત મેળવી અને 25 મેચમાં તેનો પરાજય થયો છે. આ દરમિયાન આફ્રિકાની જીતની ટકાવારી 61.76 ટકા રહી છે.
ન્યૂઝીલેન્ડ, 40 જીત
ન્યૂઝીલેન્ડની ટીમ આ લિસ્ટમાં ચોથા સ્થાન પર છે. 2015 વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સામે હારી ગઈ પરંતુ તે ટૂર્નામેન્ટમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
વિશ્વકપ 2015 બાદ ન્યૂઝીલેન્ડની ટીમે કુલ 73 વનડે મેચ રમી છે જેમાં તેને 40માં જીત અને 30 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન તેના જીતની ટકાવારી 54.79 ટકા રહી છે.
પાકિસ્તાન, 34 જીત
આ લિસ્ટમાં પાંચમાં સ્થાન પર પાકિસ્તાનની ટીમ છે. 2015 વિશ્વકપમાં પાકિસ્તાનની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. ત્યારબાદ આ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાને ભારતીય ટીમને હરાવીને 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું.
વિશ્વકપ 2015 બાદ પાકિસ્તાને 69 વનડે મેચ રમી છે જેમાં તેને 34માં જીત અને 33 મેચોમાં હાર મળી છે. આ દરમિયાન પાકિસ્તાનની જીતની ટકાવારી 49.27 ટકા રહી છે.
Trending Photos