સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ જો... અમદાવાદીએ હકીકતમાં બનાવી દીધી આવી સાયકલ
16 કિલો વજન ધરાવતી આ સાયકલ જો ચોરી થઈ જાય તો GPS ટ્રેકરના માધ્યમથી શોધી શકાય તેવો દાવો તેને બનાવનાર ધીરલ મિસ્ત્રીએ કર્યો છે
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના ઓઢવમાં રહેતા ધીરલ મિસ્ત્રીએ ગોલ્ડન ઇલેક્ટ્રિક સાઈકલ બનાવી છે. એક ગોલ્ડન પ્લેટેડ ઇલેક્ટ્રિક સાઈકલની કિંમત અંદાજે 4 લાખ રૂપિયા રાખી છે. આ વિશેષ ઈલેક્ટ્રીક સાયકલમાં પાસવર્ડ, બ્લુટુથ, વાઈ ફાઈ, મ્યુઝિક પ્લેયર, લાઈટ, GPS ટ્રેકર, ક્રુઝ મોડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
સાઈકલ ચાવીથી ઓન કરતા ડિજીટલ સ્ક્રીન ચાલુ થાય છે, જેના માધ્યમથી તમામ સુવિધાઓનો ઉપયોગ કરી શકાય છે. 2 કલાકમાં ચાર્જ થતી આ ઇલેક્ટ્રિક સાઈકલ એકવાર ચાર્જ થયા બાદ 60 કિમી સુધી પર ચાલવાની ક્ષમતા ધરાવે છે. મહત્તમ 30 કિમીની ગતિથી ચાલતી આ ઇલેક્ટ્રિક સાયકલ ઊંધા પેન્ડલ મારવાથી પણ આગળની તરફ ચાલે એ રીતે ડિઝાઈન કરાઈ છે.
ઈલેક્ટ્રિક પર ચાલતા સમયે 5 સેકન્ડ સુધી સાયકલની એક નિશ્ચિત સ્પીડ સેટ કરતા ક્રુઝ મોડ જેવી ફેસિલિટી સાયકલમાં ઉપલબ્ધ છે. 16 કિલો વજન ધરાવતી આ સાયકલ જો ચોરી થઈ જાય તો GPS ટ્રેકરના માધ્યમથી શોધી શકાય તેવો દાવો તેને બનાવનાર ધીરલ મિસ્ત્રીએ કર્યો છે.
4 લાખ રૂપિયાની ઇલેક્ટ્રિક સાઈકલ જો ગોલ્ડન પ્લેટેડના બદલે સાદી લેવામાં આવે તો તમામ અન્ય સુવિધાઓ સાથે અંદાજિત કિંમત 46,200 રૂપિયા થાય છે. સાઈકલ સાથે બોડીની 15 વર્ષ, 3 વર્ષ બેટરી તેમજ અન્ય તમામ સુવિધાઓની વોરંટી પણ ઉપલબ્ધ છે.
Trending Photos