WEEKEND પિકનિક માટે અમદાવાદ નજીકના આનાથી બેસ્ટ ઓપ્શન નહીં મળે
અમદાવાદ નજીક મજા માણવા જેવા સૌથી બેસ્ટ 15 પિકનિક સ્પોટ અમે આપના માટે લઈને આવ્યાં છીએ. વીક એન્ડ પિકનિક માટે અમદાવાદ નજીકના આનાથી બેસ્ટ ઓપશન નહીં મળે.
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદ: શું તમે વન-ડે પિકનિક માટે અમદાવાદની આસપાસ કોઈ સ્થળ શોધી રહ્યાં છો? કે પછી તમે અમદાવાદ નજીક વીક એન્ડની રજામાં મજા માણવા માગો છો? તો આ આર્ટીકલમાં તમને તમારા વીક એન્ડ અથવા વન-ડે પિકનિક માટે બેસ્ટ પ્લેસ જરૂર મળી જશે. અમદાવાદની આસપાસ એવા અદભુત સ્થળ આવેલાં છેકે, જ્યાં એક બે છૂટક રજાઓમાં પણ તમે રજાની મજા માણી શકો છો. અમદાવાદ નજીકના અદ્ભુત સ્થળો અંગે અમે આપના માટે આ જાણકારી લઈને આવ્યાં છીએ. તહેવારોની રજા હોય કે વીક એન્ડમાં આવતી રજા આવા સમયે ઘરે રહેવા કરતા ફ્રેન્ડસ, ફેમિલી કે તમારા પ્રિય પાત્ર સાથે ઓછા ખર્ચામાં અને અમદાવાદની આજુ બાજુમાં એક દિવસનું પિકનિકનું આયોજન કરીને રજાની મજા માણીને મસ્તી ભર્યો દિવસ પસાર કરો.
અમદાવાદની આસપાસ અને માત્ર 100થી 150 કિલો મીટરના અંતરે જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ-મસ્તીને સાથે મનની શાંતિ પણ મળશે. તમામ સ્થળો એવા છે જ્યાં તમે તમારી પર્સનલ કારમાં સરળતાથી પહોંચી શકો છો. બાઈક રાઈડના શોખીનો બાઈક પર પણ આ સ્થળોની મુલાકાત લઈ શકે છે. અમદાવાદ નજીક મજા માણવા જેવા સૌથી બેસ્ટ 15 પિકનિક સ્પોટ અમે આપના માટે લઈને આવ્યાં છીએ. વીક એન્ડ પિકનિક માટે અમદાવાદ નજીકના આનાથી બેસ્ટ ઓપશન નહીં મળે.
ઐતિહાસિક ધરોહર લોથલ
અમદાવાદથી દક્ષિણ-પશ્વિમે 80 કિલોમીટર જેટલા અંતરે અમદાવાદ જિલ્લામાં આવેલા ભાલ વિસ્તારમાં આવેલું છે લોથલ. લોથલની શોધ ઇ. સ. 1954 ના નવેમ્બર માસમાં કરવામાં આવી હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે. લોથલ કેન્દ્ર સરકાર દ્રારા રક્ષિત અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી પ્રાચીન જગ્યા છે. લોથલ ખૂબજ જૂની સંસ્કૃતિ ધરોહર છે. કહેવાય છેકે, લોથલમાં માનવ વસ્તીનો પહેલવહેલો વસવાટ થયો હતો. તેમજ ઇ.સ. પૂર્વે 2350માં કુદરતી હોનારતને કારણે તમામ ઘરો આવાસો નાશ પામ્યા. ત્યાર બાદ ફરી એકવાર ઊંચા ટેકરા પર નગરનું આયોજન કરવામાં આવ્યું. લોથલમાં સુઆયોજિત નગર-વ્યવસ્થા હતી તે અહીંથી મળેલા વિવિધ અવશેષો જોઇ માલુમ પડે છે. તે સમયે મકાનો પણ વિશાળ હતા. સુવ્યવસ્થિત બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે. ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા. લોથલનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકન પણ કરવામાં આવ્યું છે.
ભારતનું એક માત્ર ડાયનોસોર મ્યૂઝિયમ એટલે ઈન્દ્રોડા પાર્ક
અમદાવાદથી માત્ર 25 કિલો મીટરના અંતરે આવેલું છે ઇંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય. જેને ઇંદ્રોડા પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. સાબરમતી નદીના કિનારે આવેલું આ અભયારણ્ય 400 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાયેલું છે. અભયારણ્યના એક ભાગમાં ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન પણ વિકસાવવામાં આવ્યો છે. આ કારણે ઘણી વખત તેને ઈંદ્રોડા ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આવેલું આ એક માત્ર ડાયનોસોર સંગ્રહાલય છે. આ ઉદ્યાનનું સંચાલન ગુજરાત ઇકોલોજીકલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (GEER) દ્વારા થાય છે અને તે ભારતનો જ્યુરાસિક પાર્ક કહેવાય છે. જોકે વાસ્તવમાં અહીં સંગ્રહેલ જીવાશ્મો જ્યુરાસિક યુગના પછીના એવા ક્રેટાસિયોસ યુગના છે, જે લગભગ 6.6 કરોડ વર્ષ જૂના છે. ઇન્દ્રોડા પાર્કનાં પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, દિપડા, અજગર, શિયાળ, સાપો સહિતનાં જુદી જુદી પ્રજાતીનાં પ્રાણીઓ તથા સરીસૃપો આકર્ષણનું કેન્દ્ર છે. વિવિધ સ્થળોથી લવાયેલાં 40થી વધારે ક્રોકોડાઇલ પણ અહીં આકર્ષણ ઉભું કરે છે.
ઐતિહાસિક અજેય ઈડરિયો ગઢ
સાબરકાંઠા જીલ્લામાં આવેલું છે ઇડર. ઈડરને એક ઐતિહાસિક નગર પણ કહેવામાં આવે છે. ખાસ કરીને ઈડર તેના ઈડરીયા ગઢને કારણે જાણીતું છે. અજેય ગણાતા ઇડરનાં ગઢ એ જીતનું પ્રતિક છે. હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા ઈડરિયા ગઢનો ઈતિહાસ પણ રસપ્રદ છે. અમદાવાદથી 120 કિલોમીટર દુર આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલું અને વિકસેલું છે ઇડર. ભારતભરમાં જાણીતા આ નગરની જો કોઈ વિશિષ્ટ ઓળખ હોય તો તે છે એની વિશાળકાળ શીલાઓ. પથ્થરની વિશાલ શીલાઓ વચ્ચે ઈડર શહેર પણ વર્ષોથી અડીખમ ઉભેલું છે. સમુદ્રની સપાટીથી 195 મીટર એટલે કે 639 ફીટની ઉંચાઈએ આવેલ ઈડરના ગઢ અનેક પ્રાચીન સ્થાપત્યોને જાળવીને બેઠા છે. ગઢની અંદર જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર ધોમધખતા ઉનાળામાં પણ શીતલ જળનો કુદરતી અભિષેક થતો હોય છે. વિશાલ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગનાં દર્શન થાય છે. તો રાજ મહેલ, મહાકાલી મંદિર, રૂઠી રાણીનું માળિયું, નવ ગજાપીર, પાંચ મુખી હનુમાનજી મંદિર સહીત અનેક પ્રાચીન મંદિરો અહી આવેલા છે. અહીંના પ્રાચીન મંદીરો, ખંડેરો, મૂર્તિઓ, સુશોભિત વાવો, કૂંડ અને તળાવો અહીંના ભવ્ય પ્રાચીન ઈતિહાસની સાક્ષી પૂરે છે.ઉનાળામાં ઈડરિયા ગઢની સાથો-સાથ આ શહેર ધગધગતું રહે છે. જોકે, શિયાળા અને ચોમોસાની સિઝનમાં તમે ઈડરિયા ગઢની મુલાકાત લઈ શકો છો. ટ્રેકિંગના શોખીન લોકો માટે ઈડરિયા ગઢની મુલાકાત ચોક્કસ એડવેન્ચર ભરી રહેશે.
ઈલ્વ-દુર્ગ તરીકે ઓળખાતા ઇડરના નામનો ઈતિહાસ પણ અટપટો છે. કહેવાય છે કે અહી આવેલા પર્વત પર ઈલ્વા અને દુર્ગ નામની બે દુષ્ટાત્માઓ રહેતી. તેમના નમ પરથી ઈલ્વદુર્ગ નમ પડ્યું એવું કહેવાય છે. સંસ્કૃતમાં ઈલ્વનો અર્થ થાય છે કિલ્લો અને દુર્ગનો અર્થ થાય છે મુશ્કેલ. જે કિલ્લાને જીતવો અશક્ય હોય એ ઈલ્વદુર્ગ અને આ ઈલ્વ દુર્ગનું સમયાન્તરે અપભ્રંશ થયું ઇડર. એક લોકવાયકા પ્રમાણે ઈ.સ. 2742 પૂર્વે મહાભારત કાળમાં હસ્તિનાપુરમાં રાજા દુર્યોધન રાજ કરતા ત્યારે ઈલ્વ દુર્ગની ગાદી પર વેણી વચ્છરાજ રાજ કરતો. વેણી વચ્છરાજાનાં માતા જ્યારે સગર્ભા હતા ત્યારે ગરજ નામનો પક્ષીરાજ તેમને ઈડરના ડુંગરોમાં લાવેલો. અને અહી જ વેણી વચ્છરાજનો જન્મ થયેલો. મોટો થયા બાદ તેના વિવાહ એક નાગ કન્યા સાથે થયા હતા અને તેણે પાતાળલોકમાં સમાધિ લીધી હતી. એની યાદમાં આજે પણ વેણી વચ્છરાજ ડુંગર આવેલો છે. અહીના એક કુંડમાં હિમાલયમાં જ થતી ટાઢોળી નામની દુર્લભ વનસ્પતિ થાય છે.
મહેમદાવાદમાં આવેલો ભમ્મરીયો કૂવો
ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદ તાલુકાનાં મુખ્યમથક એવા મહેમદાવાદ ખાતે ભમ્મરીયો કૂવો આવેલો છે. ભમ્મરીયો કૂવો એક પ્રાચીન સ્થાપત્ય છે. આ કૂવાનું નિર્માણ 15મી સદીમાં મહેમુદશાહ બેગડા નામના બાદશાહે કરાવ્યું હતું. આ સ્થાપત્ય કેન્દ્રના પુરાતત્વ વિભાગ દ્વારા ક્રમાંક N-GJ-143 હેઠળ રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે. આ પુરાતન અવશેષ મહેમદાવાદથી ખેડા જતા માર્ગ પર આવેલા છે. અહીંની વિશેષતાઓની વાત કરીએતો, આ કૂવાની આસપાસ ભૂગર્ભમાં નિવાસસ્થાનના ખંડો બનાવવામાં આવેલા છે. અહીં આવેલો અષ્ટકોણાકાર કૂવો 36 ફૂટ જેટલો વ્યાસ ધરાવે છે. હાલ જમીનમાં ત્રણ મજલાનું બાંધકામ છે, જેમાં ઉપરના બે મજલામાં ખંડો આવેલા છે, જ્યારે નીચેના મજલે સાંકડા પગથિયાં દ્વારા સીધા કૂવામાં જવાય છે. ખંડમાં જવા માટે ચાર સીડીઓ આવેલી છે તેમ જ બે સીડીઓ ગોળાકારે ફરતી બનાવવામાં આવેલી હોવાથી આ કૂવાનું નામ ભમ્મરીયો કૂવો પડ્યું હતું. સાત માળ ઉંડા ભમ્મરી કૂવાની બનાવટ ગજબની છે. ભુલભુલામણી ભર્યા ભમ્મરીયા કુવા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. ગાંધીનગરથી નજીક હાલિસા ગામે આ સુંદર સ્થળ આવેલું છે. કૂવાની રચના અને તેની બનાવટ આબેહૂબ છે. ભમરિયા કૂવાની ડિઝાઈનની જો વાત કરવામાં આવે તો સામ સામે બંન્ને દીશામાં કૂવામાં પ્રવેશદ્વાર છે. આશરે 15થી 18 વ્યાસ અને 90થી 100 ફુટ વ્યાસ ઉડાઈ ધરાવે છે. ઝરૂઘાની બનાવટ પણ અજબ છે. ભમરિયા કૂવામાં આડા અવળા ભૂલ ભૂલામણી વાળા વળાંકો છે. રાજા મહારાજાઓના સમયમાં જળસ્ત્રોત માટે કેવું ઉત્તમ આયોજન કરવામાં આવતું હતું એ જોવું હોય તો તમારે એકવાર ભમ્મરીયા કૂવાની મુલાકાત લેવી પડશે. ઐતિહાસિક ધરોહરને જોવા જાણવામાં રસ ધરાવતા લોકો માટે આ સ્થળ એક સુંદર પિકનિક પ્લેસ બની રહેશે.
પોઈચા નીલકંઠધામ સ્વામી નારાયણ મંદિર
અમદાવાદથી આશરે 170 કિલોમીટરના અંતરે વડોદરા જિલ્લામાં આવેલાં રાજપીપળા નજીક આવેલું છે પોઈચા નીલકંઠધામ સ્વામિ નારાયણ મંદિર. વિશાળ પરિસરમાં આવેલું છે આ સ્વામી નારાયણ મંદિર. અદભુત કારીગરી, ભગવાન સ્વામિ નારાયણના જીવનના પ્રસંગોને જીવંત કરતું થીમ પાર્ક, સુંદર ફુવારા, મુર્તિઓ, લાઈવ થીમ સ્ટેચ્યુ, પિકનિક પાર્ક, થીમ બેઝ ગાર્ડનની સુંદર સજાવટ. બાળકૃષ્ણની લીલાઓના પ્રસંગો, રામાયણન પ્રસંગોનું મૂર્તિઓ દ્વારા નિરૂપણ, ગ્રામીણ ભારત અને નવા ભારતની તસવીરોનું નિરૂપણ. અદભુત લાઈટિંગ. વિવિધ દેવી-દેવતાઓની વિશાળ મૂર્તિઓ. જ્યાં પહોંચીને નાના-મોટા સૌ કોઈ ખુશ-ખુશાલ થઈ જાય એવું સુંદર સ્થળ. જ્યાં ફોટોગ્રાફી કરવા બેસીએ તો સવારની સાંજ ક્યાં પડી જાય તેનો ખ્યાલ પણ ન રહે. જો તમે પરિવાર સાથે વન-ડે પિકનિકનો પ્લાન કરી રહ્યાં છો તો આ સ્થળની મુલાકાત તમારા માટે બેસ્ટ રહેશે.
મોઢરાનું જગપ્રસિદ્ધ સુર્ય મંદિર
ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી દક્ષિણ દિશામાં ૩૦ કિ.મી. અને અમદાવાદથી આશરે 105 કિલોમીટરના અંતરે રાજ્યના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું છે મોઢેરાનું પ્રસિદ્ધ સુર્ય મંદિર. મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે. જે 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી (ભીમદેવ પહેલા)ના શાસનકાળમાં બનાવવામાં આવેલા સૂર્યમંદિરને કારણે જગતભરમાં પ્રખ્યાત છે. પુરાણોમાં આ વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. પુરાણો અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વસિષ્ઠ ઋષિને એવા સ્થળની પૃચ્છા કરી જ્યાં તેઓ બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે. (રાવણ બ્રાહ્મણ હતો). વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું, જે હાલના મોઢેરા નજીક હતું. ધર્મારણ્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો. ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઇ જે બેચરાજી મોઢેરકથી 15 કિલો મીટર દૂર હતું. પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખાવા લાગ્યું. મોઢેરા ગામમાં જ્ઞાનેશ્વરી વાવ આવેલી છે, જે 16-17મી સદીની છે. આ વાવમાં સામાન્ય રીતે છેલ્લા માળમાં આવેલા મંદિરની જગ્યાએ પ્રથમ માળમાં મંદિર આવેલું છે. અહીં તમને કલા-સ્થાપત્યનો અનેરો સંગમ જોવા મળશે. આ ઉપરાંત બેચરાજી તાલુકામાં બહુચરાજી માતાનું સ્થાનક આવેલું છે. યાત્રાધામ બહુચરાજી અને માતાજીનું પ્રાગ્ટય સ્થાન શંખલપુર અને વલ્લભભટ્ટની વાવ પણ નજીકમાં આવેલી છે.
અલ્ટીમેટ ફિલ્મ સીટી અને વિલા રિસોર્ટ
અમદાવાદથી અંદાજે 60 કિલો મીટરના અંતરે આવેલું છે અલ્ટીમેટ ફિલ્મ સીટી અને વિલા. આ સ્થળ દહેગામથી આગળ જતાં ખેડા જિલ્લામાં આવેલાં આંતરસુંબા નજીક આવેલું છે. વિશાળ વિસ્તારમાં ફેલાયેલાં અલ્ટીમેટ ફિલ્મ સીટીમાં ફિલ્મોનું શૂટિંગ થાય છે. અહીં થિયેટર, ઓડિટોરિયમ, ગેમિંગ ઝોન, જીમ, કલબ હાઉસ અને સ્વીમિંગપુલ આવેલો છે. અલ્ટીમેટ ફિલ્મ સીટીની સાથે અહીં વિલા રિસોર્ટ આવેલો છે. જેમાં તમે તમારા પરિવાર કે મિત્રો સાથે સમય વિતાવી શકો છો. અંદાજે ચાર હજાર રૂપિયાના ચાર્જમાં તમને બે બેડરૂમ હોલનો એક વિશાળ વિલા 24 કલાક માટે મળે છે. જેમાં તમે એક સાથે આરામથી 8 થી 10 લોકો રહી શકો છો. જેમાં કિચન, ફ્રિઝ, એસી. અને ટીવી, સોફા અને ઝુલા સહિતની સુવિધા આપવામાં આવશે. વિલાની આસપાસ તમને ગાર્ડનનો પણ પેસેજ આપવામાં આવશે. જમવાની વ્યવસ્થા તમે જાતે કરી શકો છો. અથવા વિલાથી બહાર બે થી ત્રણ કિલો મીટરના અંતરે તમને પંજાબી અને કાઠિયાવાડી જમવાનો સ્વાદ પણ માણી શકો છે. ફોટોગ્રાફી માટે પણ આ સ્થળ બેસ્ટ છે. લોકો પ્રિવેડીંગ ફોટો શૂટ માટે પણ અહીં આવતા હોય છે. શહેરથી દૂર જંગલની વચ્ચે જાણે એક અલગ જ શહેર વસેલું હોય તેવો અહેસાસ અહીં થાય છે. પરિવાર કે મિત્રો સાથે નાઈટ હોલ્ડ કરીને તમે અહીં કેમ્પ ફાયરની મજા માણી શકો છો.
ઢગલાબંધ એક્ટિવિટિઝથી ભરેલો ઓરસંગ કેમ્પ રિસોર્ટ
અમદાવાદથી 165 કિલો મીટરના અંતરે વડોદરા જિલ્લામાં આવેલો છે ઓરસંગ કેમ્પ રિસોર્ટ. ઓરસંગ કેમ્પ રિસોર્ટ ગામડામાં આવેલી કેમ્પ સાઈટ છે,જે વડોદરા જીલ્લામાં 125 એકરમાં ફેલાયેલ કેમ્પ સાઈટ રિસોર્ટ છે. વડોદરાથી માત્ર 57 કિલો મીટરની દુરી આવેલો આ રિસોર્ટ સુંદરતાનો નજારો છે.અહી કેમ્પ સાઈટ આવેલી છે.
આ કેમ્પ સાઈટમાં તમારા મનોરંજન માટે ઢગલાં બંધ એક્ટિવિટિઝ છે. જેથી બાળકોને આ સ્થળે સૌથી વધારે મજા પડે છે. અહી જીપ લાઈન, બબલ બાઉન્સ, કાયાકિંગ, સ્વિંગ ઝમ્પ, ટાયર ટમ્બલ, કીડ્ઝ એડવેન્ચર ઝોન, સ્કાય વોક, રોપ વોક, ઝઈગ ઝેગ, કોમ્પ્લિમેન્ટરી નોટ, બર્મા બ્રિઝ, મેક બ્રિઝ, સ્વિમિંગ પુલ, મીસ્ટ પોનેડ, મિની ડી.જે, ફ્લાઈંગ ફોક્સ, ફ્લાય ઈન એર, મિની ટાયર એક્ટિવિટિઝ, સ્વિંગ બ્રિઝ, ટાયર વોક-વોક ઈન એટ ટાયર, જંગલ ટ્રેકિંગ જેવી અનેક એક્ટિવિટિઝ થાય છે. જેમાં અમુક એક્ટિવિટિઝ ફ્રી છે તો અમુકનો ચાર્જ લેવામાં આવે છે. અહી અંદાજે એક વ્યક્તિ દીઠ હજારથી બારસો રૂપિયા જેટલો ખર્ચ થાય છે. નાના બાળકોની અડધી ટિકિટ લેવી પડે છે. આ સમગ્ર ઓરસંગ કેમ્પ સાઈટ હરિયાળી વાળી જગ્યાએ આવેલો હોવાથી અહી આખો દિવસ ક્યા પસાર થઈ જાય છે તેની પણ રહેતી નથી. આ એડવેન્ચર કેમ્પનો સમય સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીનો હોય છે,જો તમે અમદાવાદમાં જ રહેતા હોવ તો વહેલી સવારે નીકળીને રાત્રે આરામથી ઘરે પરત આવી શકો છે.
શહેરથી દૂર જંગલની વચ્ચે ઝાંઝરી ધોધની મજા
અમદાવાદથી આશરે 80 કિલોમીટરના અંતરે આવેલો છે ઝાંઝરી વોટર ફોલ. અહીં તમને એકાંત, નિરવ શાંતિ અને કુદરતના સાનિધ્યનો અનેરો નજારો માણવા મળશે. ખાસ કરીને પ્રાઈવસી શોધતા લવ બર્ડ્સ, ન્યૂલી મેરીડ કપલ્સ અને ફ્રેન્ડ્સ ગ્રૂપ માટે આ પ્લેસ સ્પેશિયલ છે. ઝાંઝરી ધોધએ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા બાયડ તાલુકાના ડાભા ગામની પાસે વાત્રક નદીના કિનારે આવેલો છે. અમદાવાદથી ગાંધીનગર જિલ્લાના મોટા ચિલોડામાં થઈને ત્યાંથી દહેગામથી પસાર થઈને બાયડ જવાના રસ્તે આ વોટર ફોલ સુધી પહોંચી શકાય છે. પાર્કિંગ પ્લેસથી વોટર ફોલ સુધીનું અંતર આશરે બે થી અઢી કિલોમીટરનું છે. ત્યાં સુધી તમે ચાલીને પણ જઈ શકો છો. જોકે, ઉંટ સવારી કરીને પથ્થરો અને જંગલની વચ્ચેથી ઝાંઝરીના ઝરણાં અને ધોધ સુધી પહોંચવાની મજા જ કંઈક અલગ છે. તમે કોઈપણ સિઝનમાં વહેલી સવારે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. જોકે, ચોમાસામાં અને દિવાળી આસપાસ મોટી સંખ્યામાં લોકો અહીં હરવા ફરવા આવતા હોય છે. જોકે, ઝાંઝરી વોટર ફોલ જેટલો મનમોહક લાગે છે તેટલો જ ભયાનક પણ કહેવાય છે. આ સુંદર પાણીના ઝરણાં અનેક લોકોનો ભોગ પણ લઈ ચૂક્યાં છે. તેથી અહીં આવતાં સહેલાણીઓને ખાસ સલાહ છેકે, કોઈએ અહીં વહેતાં ઝરણાંમાં કે ધોધની નીચે ન્હાવાનો પ્રયાસ કરવો નહીં. આમ તો શહેરથી દૂર અને જંગલની વચ્ચે આવેલી આ એક અવાવરું જગ્યા છે. જ્યાં તમને એકદમ નીરવ શાંતિ જોવા મળશે. વાત્રક નદીમાંથી પડતો ધોધ સહેલાણીના આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્થળ પાસે જ ગંગામાતાનું મંદિર પણ છે કે જયાં ભુતકાળમાં 24 કલાક શિવજીનો અભિષેક એક ઝરણા દ્રારા થતો હતો તેમ કહેવામાં આવે છે. વાત્રક નદી પર આવેલા આ ધોધની મજા માણવા માટે અને નિહારવા માટે અમદાવાદ,ગાંધીનગર અને મહેસાણાથી અનેક પ્રવાસીઓ અહીં આવતા હોય છે. માત્ર દોઢ થી બે કલાકમાં તમે અમદાવાદથી ઝાંઝરી પહોંચી શકો છો. ખાસ કરીને તમે વીક એન્ડ પિકનિક માટે આ સ્થળની પસંદગી કરી શકો છો. જોકે, અહીં આસપાસ કોઈ ખાસ વ્યવસ્થા ન હોવાથી તમારે ઘરેથી ભોજન કે નાસ્તાની સગવડ કરીને આવવું પડશે. ઝાંઝરી ધોધથી અંદાજે 15 કિલો મીટરના અંતરે ઉંટળીયા મહાદેવનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. તો તમે આ ટ્રીપ દરમિયાન આ ધાર્મિક સ્થળની મુલાકાત લઈને મહાદેવના દર્શનનો લ્હાવો પણ લઈ શકો છો.
થોળ પક્ષી અભયારણ્ય
અમદાવાદથી આશરે 35 કિલો મીટરના અંતરે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે થોળ પક્ષી અભયારણ્ય અને તાળવ. શિયાળા દરમિયાન થોળ ખાતે દેશ-વિદેશથી આવેલાં અસંખ્ય યાયાવર પક્ષીઓ વિસામો લેવા આવતા હોય છે. દૂર દેશાવરથી આવેલાં યાયાવર પક્ષીઓને અહીં પાણી અને ખાવાનું મળી રહે છે તેથી તેઓ શિયાળાના ત્રણથી ચાર મહિના સુધી અહીં જ વિસામો લેતાં હોય છે. જો તમે વન-ડે પિકનિક પ્લાન કરી રહ્યાં હોવ તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે. ખાસ કરીને પક્ષી પ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. જોકે, અહીંના વાતાવરણની મજા માણવા માટે તમારે વહેલી સવારે જ અહીં આવવું પડશે. અહી સવારથી સાંજ સુધી તમે કુદરતના અસીમ સૌંદર્ય અને યાયાવર પક્ષીઓના કલરવની મજા માણી શકશો. અહીં તમે પરિવાર કે મિત્રો સાથે આવ્યાં હોવ તો અહીં કેન્ટિનની સુવિધા પણ છે. બર્ડ સેન્ચુરીની સાથો સાથ અહીં વિશાળ તળાવ પણ આવેલું છે જેને થોળ સરોવરના નામે ઓળખવામાં આવે છે. જંગલની વચ્ચે એકદમ શાંત વાતાવરણ દેશ-વિદેશથી આવેલાં અસંખ્ય પક્ષીઓનો સુમધુર અવાજ અહીંના વાતાવરણને વધુ આહલાદક બનાવી દે છે. તળાવની આસપાસના જંગલમાં અનેક ઘટાદાર વૃક્ષો પણ આવેલાં છે જે આ સ્થળની શોભામાં વધારો કરે છે. ફોટોગ્રાફીના શોખીનો માટે પણ અહીંના કુદરતી સૌંદર્યને કેમેરામાં કેદ કરવા દૂર દૂરથી આવતા હોય છે. શહેરનાં ઘોંઘાટથી દૂર તમને અહીં નિરવ શાંતિનો અહેસાસ થશે. થોળ ખાતે આવતા યાયાવર પક્ષીઓ ઉપરાંત ફ્લેમિંગો, રાજહંસ, વિવિધ પ્રકારના બગલા, વચેટ કાજીયો અને નકટો જેવા સુંદર પક્ષીઓ પણ તમને અહીં જોવા મળશે.
નળસરોવર રોડ પર ઉજાણી ઘરમાં દેશી જમણવારની મજા....
સાણંદથી 36 કિલો મીટર દૂર અને નળ સરોવરથી જતા રસ્તા પર બર્ડ સેન્ચુરી પહોંચતાના 5 કિલો મીટર પહેલાં જ રસ્તામાં "ઉજાણી ઘર" આવે છે. તમે નળ સરોવર આવ્યાં હોવ તો આ સ્થળ પર તમને બાજરીનો રોટલો, બેંગન ભરથાં, મેથી, ભરેલાં મરચાં, માખણ, કડી, ખીચડી, કચુમ્બર અને છાશની અનલિમિટેડ ડીશની મજા માણી શકો છો. અહીં શુદ્ધ, સાત્વિક ઓછા તેલમાં અને ચૂલા પર માટીના વાણસોમાં બનેલું ભોજન કરવાનો લાહવો મળશે. બીજી ખાસ વાત એ છેકે, અહીં જે જોઈએ તે વસ્તુ તમારે જાતે જ લઈ લેવાની હોય છે અને તમામ ભોજન પાણીના વાસણમાં જ પીરસાય છે. અહીં ટેબલ-ખુરશી ઉપરાંત ખાટલા પર બેસીને જમવાની પણ વ્યવસ્થા છે. જો તમે અહીં જાતે રસોઈ બનાવવાનો આનંદ માણવા માંગતા હોય તો એના માટે પણ અહીં વ્યવસ્થા છે. આ ઉપરાંત બાળકો માટે અહીં લખોટી, ભમરડાં, હિંચકા અને જુનૂ વિસરાતી રમતોની પણ વ્યવસ્થા છે. અહીં ફોટો સેશન માટે પણ સારા ઓપ્શન છે. સૌથી મહત્વ ની બાબત આપના દ્વારા બિલ માં ચૂકવાતી રકમ નો નફો આજુબાજુના ગામના 6 વર્ષ સુધી ના કુપોષિત બાળકોના પોષણ માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે જાણે અજાણે આપ આ બાળકોના વિકાસ માટે 'નિમિત્ત' બની શકો છો. આ ઉપરાંત નળસરોવર રોડ પર અનેક મોટા રિસોર્ટ આવેલાં છે ત્યાં પણ તમે રજાની મજા માણી શકો છો.
નળસરોવર પક્ષી અભયારણ્ય
અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક અંદાજે 70 કિલો મીટરના અંતરે આવેલું છે નળ સરોવર. નળ સરોવર એક પક્ષી અભયારણ્ય છે, જે 120.82 ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. જે 4 થી 5 ફૂટ ઉંડા છીછરા પાણીથી ભરેલું છે. નળ સરોવરમાં એક શાંત માર્શલેન્ડ છે જેમાં 36 નાના ટાપુઓ આવેલાં છે. નળ સરોવરને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે. 200 થી વધુ પ્રકારના પક્ષીઓ મુખ્યત્વે આ તળાવમાં વસે છે અને ત્યાંથી સાઇબેરીયા આવે છે. પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર સ્વર્ગ સમાન છે. નળ સરોવરમાં તમને ગુલાબી પેલિકન, મોટા ફ્લેમિંગો, ક્રેક્સ, બ્રાહ્મણ બતક, જાંબુડિયા મૌરહેન, હર્ન્સ, સફેદ સ્ટોર્ક, વિવિધ જાતના કડવા, ગ્રીબ જોવા મળશે. શિયાળા દરમિયાન આ સ્થળની મજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. કારણકે, આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ પણ અહીં વિસામો લેવા આવતા હોય છે. છેક ઈરાન અને અફઘાનિસ્તાન ને વિંધિંને પક્ષીઓ અહીં સુધી આવે છે. આ સરોવર પક્ષીવિદો અને અભ્યાસીઓ માટે અતિ રોમાંચક છે. અનેક જાતના પક્ષીઓને એકસાથે જોવા હોય તો તમારે એકવાર નળ સરોવર આવવું જ પડશે. જોકે, તમે આ સુંદર સ્થળની મુલાકાત લેવા માંગતા હોવ તો તમારે વહેલી સવારે જ અહીં આવવું જોઈએ. પક્ષીઓને જોવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવાર અને સમી સાંજનો છે. અહીં નૌકાવિહાર કરીને તમે નાના-મોટા ટાપુઓનું નિરીક્ષણ કરી શકો છો. ચોમાસાની સિઝનમાં પણ તમે આ રમણીય સ્થળની મજા માણી શકો છો. ચોમાસા દરમિયાન સરોવરનું પાણી એકદમ સ્વચ્છ થઈ જાય છે. બોટ રાઇડમાં પ્રારંભ બિંદુથી ધ્રાબલા આઇલેન્ડ સુધીની સફર અને ત્યાંથી પરત લાવવામાં આવે છે. અહીંના વોચ ટાવર પરથી તમે આખાય નળસરોવરનો એરિયલ વ્યૂ માણી શકો છો. અહીં નાના-નાની ઝૂંપડીઓમાં તમે બાજરીનો રોટલો, દેશી સબજી સાથે કાઢિયાવાડી થાળીની મજા પણ માણી શકો છો. ફોટોગ્રાફીના શોખીનો માટે પણ આ સ્થળ બેસ્ટ છે.
શાંતિ અને મોક્ષનો અહેસાસ આપતું તારંગા હિલ સ્ટેશન
અમદાવાદથી માત્ર 140 કિલો મીટરના અંતરે આવેલું છે તારંગ હિલ સ્ટેશન. અમદાવાદથી વાયા ગાંધીનગર થઈને વિજાપુરથી તમે તારાંગ તરફ સરળતાથી જઈ શકો છે. ગુજરાતના મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ એક સુંદર અને ખુબ જ શાંત હિલ સ્ટેશન છે. આ સ્થળ મહેસાણાથી લગભગ 70 કિલોમીટર દુર આવેલ છે અને વિસનગરથી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. ભૌગોલિક રીતે તાંરગ હિલ સ્ટેશન અરવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે. તાંરગ જૈન મંદિરો માટે જાણીતું તીર્થ સ્થાન છે. આ પહાડી વિસ્તારને જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે. પહાડી ઉપર ચૌદ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલાં છે. એમ માનવામાં આવે છે કે આ પહાડીઓના શિખર પર અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.તારંગાની ટેકરીની ઉંચાઈ આશરે 365.76 જેટલી છે અને તે રોડથી 9 કિલોમીટર દુર આવેલ છે. બારમી સદીમાં અહીં શ્વેતાંબર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજિતનાથના એક ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે આ મંદિર તેમના ગુરૂ આચાર્ય હેમચંદ્રાચાર્યના કહેવાથી બનાવડાવ્યું હતુ. અહીં કમ્પાઉંડની અંદર 14 મંદિર આવેલા છે જેમાંથી પાંચ દીગમ્બરના મુખ્ય મંદિરો છે. દિગમ્બર જૈન અહીંની ત્રણ ઉંચી ટેકરીઓ પર વસવાટ કરે છે. તારંગા એ સિધ્ધ ક્ષેત્ર છે. તારંગા હિલ સ્ટેશન પર ભવ્ય જૈન દેરાસર આવેલું છે જે શ્વેતાંબર અને દિગંબરના છે. એવું કહેવામાં આવે છે કે આ પર્વત પરથી બૌધ્ધ દેવી તારાની મુર્તિ મળી આવી હતી તેથી આ સ્થળનું નામ તારંગા પડ્યું. અહીં આવેલ અજિતનાથની ગુફાવાળુ સુંદર પ્રતિમા ધરાવનાર ભવ્ય જૈન દેરાસર એક જ શિલામાંથી બનાવવામાં આવ્યું છે. આ સ્થળ મુળનાયક હાઈવેથી 2.75 કિલોમીટર દુર આવેલ છે અને ત્યાં ભગવાન આદિનાથની સફેદ રંગની મૂર્તિ છે. અહીં વર્ષમાં અસંખ્ય યાત્રાળુઓ આવે છે. આ ટેકરી પર્વતોની વચ્ચે અને શહેરી વિસ્તારથી દુર આવેલ છે. અહીંનું વાતવરણ ખુબ જ શાંત અને શુધ્ધ છે. અહીં મનની શાંતિ પણ મળી રહે છે. અહીં આવીને તમને એવો અનુભવ થશે કે તમે જાણે કે કુદરતના ખોળામાં આવી ગયાં હોવ. કારણકે, અહીંયા ચારો તરફ લીલોતરી જોવા મળે છે અને પર્વતોની વચ્ચે જાણે કે કુદરતના ખોળામાં બેઠા હોઈએ તેવો અનુભવ થાય છે. ત્યાંના પર્વતોની સુંદરતા ખુજ મનભાવન છે. જેઓ કુદરતી વાતાવરણના શોખીન હોય તેમના માટે તો આ સ્થળ અતિ સુંદર છે. તારંગા જવા માટે ઘણી બધી સગવડો છે ત્યાં તમે બસ દ્વારા પણ પહોચી શકો છો અને તમારૂ પોતાનું સાધન પણ લઈને જઈ શકો છો. ત્યાં જવા માટેનો રસ્તો પણ સારો છે તેથી બીજી જોઈ તકલીફ પણ પડે તેમ નથી.
ગુજરાતનું સૌથી મોટું એડવેન્ચર પાર્ક એટલે - તિરુપતી ઋષિવન
સાબરકાંઠા જિલ્લામાં આવેલાં હિંમતનગરમાં સાબરમતીના કિનારે આવેલો તિરુપતી ઋષિવન એડવેન્ચર પાર્ક બાળકો માટે ખાસ છે. વિજાપુર-હિંમતનગર રોડ પર આવેલાં દેરોલ ખાતે આવેલું તિરુપતિ ઋષિવન અમદાવાદથી આશરે 75 કિલો મીટરના અંતરે આવેલું છે. અંદાજે 150 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાયેલો આ અમ્યુઝમેન્ટ પાર્ક ગુજરાતનો સૌથી મોટો રિસોર્ટ અને એડવેન્ચર પાર્ક પણ ગણાય છે. તમે અહીં કપલ એક્ટિવીટી, કિડ્સ એક્ટીવીટી, બેમિંગ ઝોન, જંગલ સફારી, આર્ચરી, વોટરપાર્કમાં 25થી પણ વધારે રાઈડ્સની મજા અને 6ડી થિએટરની મજા પણ માણી શકો છો. આ એડવેન્ચર પાર્કમાં ફર્યા બાદ તમે સેવન વન્ડર્સ ઓફ વર્લ્ડનો અનુભવ પણ માણી શકો છો. અહીં તમને તાજમહેલ, એફીલ ટાવર અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સહિતની દુનિયાની સાતેય અજાયબીઓની રેપ્લીકા જોવા મળશે. અહીંના શહીદ ગાર્ડનમાં તમને દેશ માટે શહાદત વહોરનારા વીરોની કૃતિઓના પણ દર્શન થશે. અહીં ફરવા માટેનો સમય સવારે 8 વાગ્યાથી સાંજે 6:30 સુધીનો છે. આ સમય દરમિયાન તમે આખો દિવસ અહી રહી શકો છો. અહી એન્ટ્રી ફી લેવામાં આવે છે. આ એડવેન્ચ પાર્ક એટલું વિશાળ છેકે, સવારથી સાંજ સુધી પરિવાર કે મિત્રો સાથે મોજ-મસ્તી કરવામાં તમારો સમય ક્યાં પસાર થઈ જશે તેની તમને ખબર પણ નહીં પડે.
જાંબુઘોડ઼ામાં ગજબની જમાવટ
અમદાવાદથી આશરે 160 કિલો મીટરના અંતરે આવેલું છે જાંબુઘોડા અભયારણ્ય. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે 20 કિલોમીટર અને વડોદરાથી આશરે 90 કિલોમીટરનાં અંતરે આવેલું છે. જાંબુઘોડા વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે. મે 1990ની સાલમાં તેને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ વન વિવિધ પ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સરિસૃપોનું પણ આશ્રય સ્થાન છે. જાંબુઘોડા અભયારણ્યની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતીય વિસ્તારમાં આવેલું એક જુજ માનવ વસવાટ ધરાવતું અભયારણ્ય છે. એ જ કારણ છેકે, અન્ય પ્રાકૃતિક સ્થળની સરખામણીએ આ સ્થળના પ્રાકૃતિક સૌંદર્યમાં અનેકગણો વધારો થાય છે. આઝાદી પહેલા, આ વિસ્તાર જાંબુઘોડા રજવાડા સાથે સંકળાયેલ હતો. ગાઢ જંગલની ટેકરીઓમાં તેમ જ ખીણોમાં ઘણી આદિવાસી વસાહતો વસવાટ કરે છે. આ અભયારણ્યમાં જંગલોમાં ફરવા માટે ઘણા સ્થળો છે. અહીં દૂર દૂરથી લોકો ખાસ ટ્રેકિંગની મજા માણવા માટે આવતા હોય છે. આ ઉપરાંત અહીં એક વન વિભાગનું આરામગૃહ, અભયારણ્ય, બે જળાશયો પણ આવેલાં છે. દિપડો જાંબુઘોડા અભયારણ્યનું મુખ્ય શિકારી પ્રાણી છે. આ ઉપરાંત શિયાળ, વરૂ, ઘોરખોદિયું, રીંછ વગેરે માંસાહારી પ્રાણીઓ પણ અહીં વસવાટ કરે છે. શાકાહારી પ્રાણીઓ જેવાકે હરણ, નીલગાય, ચારસિંગા કાળિયાર વગેરેનું પણ જાંબુઘોડા અભયારણ્ય આશ્રય સ્થાન ગણાય છે. વિવિધ જાતનાં સાપ, અજગર, મગરમચ્છ જેવા સરીસૃપો પણ અહીં વિપુલ માત્રામાં જોવા મળે છે. અભયારણ્યમાં આવેલા સાગ, સિસમ, ખેર, મહુડો, વાંસ, બીલી, દુધળો, વગેરેનાં વૃક્ષો ને કારણે પક્ષીઓ પણ ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે. આ વન્યસૃષ્ટિ અભયારણ્યમાં બનાવવામાં આવેલા બે બંધ - કડા ડેમ અને ટારગોલ ડેમ માંથી તે પોતાની પાણીની જરૂરિયાત પુરી કરે છે. આ બંધો ક્ડા અને ટારગોલ ગામની પાસે બાંધવામાં આવેલા છે. અભયારણ્યમાં શિકારી પ્રાણીઓ માટે શિકાર એવાં શાકાહારી પ્રાણીઓની નજીવી અછતને કારણે ઘણી વાર દિપડા જેવા પ્રાણી સ્થળાંતર કરતા છેક વડોદરા સુધી પહોંચ્યાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે. જો તમે જાંબુઘોડાની મુલાકાતે આવ્યાં હોવ તો આ ઉપરાંત તમે અહીં નજીકમાં વૈશ્વિક ધરોહર એવા ચાંપાનેર, પાવાઢ, ઝંડ હનુમાન મંદિર, સુખી બંધ જળાશય સિંચાઈ યોજના અને કડા બંધ જળાશય સિંચાઈ યોજનાની પણ મુલાકાત લઈ શકો છો.
વિજય નગરના પોળોના જંગલ પ્રવાસીઓમાં ફેવરીટ
સાબરકાંઠા જિલ્લામાં આવેલાં વિજયનગરના પોળોના જંગલો વીક એન્ડ પિકનિક માટે સૌથી હોટ ફેવરીટ ડેસ્ટીનેશન ગણાય છે. આ સ્થળ અમદાવાદથી માત્ર 140 કિલો મીટરના અંતરે આવેલું છે. વિજયનગરનું પોળોનું સુંદર જંગલ અંદજે 5 કિલો મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. ખાસ કરીને ચોમાસામાં પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલેલી જોઈ શકાય છે. અમદાવાદથી હિંમતનગર પ્રાંતીજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટમાં તમે રોકાણ પણ કરી શકો છો. જેના માટે તમારે એડવાન્સમાં વનવિભાગની મંજૂરી લેવી પડે છે. અહીં પહાડો છે, ગાઢ જંગલ છે, ઝરણાં છે, નદી છે અને સમગ્ર વિસ્તાર અસીમ કુદરતી સૌદર્યથી ભરપુર છે. અહીં શૂટિંગ, ફોટોગ્રાફી કરવાની મજા પડી જાય છે. હરણાવ નદીના કાંઠે આવેલા અડાબીડ જંગલની વચ્ચે ખુબ જ પ્રાચીન પોળોના મંદિરો આવેલા છે. અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ પણ આવેલી છે. ચોમાસા સિવાય પણ તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. પોળોએ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદીરો મળી આવેલા છે. આ મંદીરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળોએ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'પ્રવેશદ્વાર' થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે. પોળોની આસપાસ અન્ય જોવાલાયક સ્થળોની વાત કરીએતો, અભાપુરનું શક્તિમંદીર તેની પ્રતિમાઓ અને સુંદર કોતરણી ધરાવતું અવશેષરૂપ મંદિર છે. પોળોના પરીસરમાં આવેલી કલાત્મક છત્રીઓ પથ્થરમાંથી કંડારાયેલી છે. તેનો ગુંબજ ગોળાકાર ઘુમ્મટ ધરાવે છે. આ છત્રીઓનું બાંધકામ પંદરમી સદીના સમયનું હોવાનુ મનાય છે.
અહીં શરણેશ્વર મહાદેવનું મંદિર અભાપુરનાં જંગલોમાં છ વીઘા જેટલી જમીનમાં પથરાયેલું છે. શરણેશ્વર મંદિરના ચોક્માં ડાબી બાજુએ રક્ત ચામુંડાની ચાર હાથવાળી મૂર્તિ છે. મૂર્તિના ઉપરના હાથમાં વજ્ર અને નીચલા ડાબા હાથમાં ખટવાંગ ધારણ કરેલ છે. ઉપરના ડાબા હાથમાં રક્તપાત્ર પકડેલું છે. જેથી આ મૂર્તિ રક્ત ચામુંડા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લાખેણાનાં દેરાં આવેલાં છે. દંતકથા પ્રમાણે લાખા વણજારાની પુત્રીએ આ જૈન દેરાસર બંધાવ્યું છે. મંદિરમાં અસંખ્ય થાંભલા છે, જેનું શિલ્પ સોલંકી કાળનું છે. મંદિર પરિસરમાં એક વિશાળ નૃત્યમંડપ પણ જોવા મળે છે. જેના પર પાંદડી, વેલ અને હાથીઓની પટ્ટી કોતરાયેલી જોવા મળે છે. અહીં સદેવંત સાવળિંગાના દેરાં પણ જોવાલાયક છે. આ મંદિરની સાથે સાથે સદેવંત અને નગરશેઠની પુત્રી સાવળિંગાની પ્રેમકહાણી જોડાયેલી છે. આ દેરાંનાં સ્તંભોની કુંભિઓ તથા શિરાવટીઓ શિલ્પ સમૃદ્ધ છે. નવ દેરાંના આ મંદિરોના કેટલાક ભાગોને ઊગી નીકળેલાં વૃક્ષોએ ઘણું નુકસાન પહોચાડ્યું છે.
Trending Photos