વિશ્વ મહિલા દિવસ: ચારે દિશામાં ડંકા વાગે છે આ પાંચ ગુજ્જુ મહિલાઓનો

આજે તા. 8 માર્ચ 2019ના રોજ વિશ્વ મહિલા દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમે તમને આજે ગુજરાતની કેટલીક મહિલાઓ વિશે જણાવી રહ્યાં છે કે, જેમણે વિવિધ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી ગુજરાતને ગૌરવ આપાવ્યું છે.

અમદાવાદ: 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. આજે આ દિવસની દુનિયાભરમાં ઉજવણી કરવામાં આવે છે. આજના સમયમાં મહિલાઓ એટલી સક્ષમ બની ગઇ છે કે તેઓ દરેક ક્ષેત્રમાં પુરૂષોના ખભાથી ખભો મીલાવ કામ કરે છે. તો આ સાથે સરકાર પણ મહિલા સશક્તિકરણ માટે અવનવી યોજનાઓ લાવી તેમનો જુસ્સો વધરાવાનું કાર્ય કરે છે. ત્યારે આજે પણ મહિલાઓને નબળી, અબળા અને પુરૂષ પર નિર્ભર માનવમાં આવે છે. તેમ છતાં મહિલાઓ સમાજમાં પોતાનું એક અલગ જ પ્રભુત્વ જમાવી રહી છે. આજે તા. 8 માર્ચ 2019ના રોજ વિશ્વ મહિલા દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમે તમને આજે ગુજરાતની કેટલીક મહિલાઓ વિશે જણાવી રહ્યાં છે કે, જેમણે વિવિધ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી ગુજરાતને ગૌરવ આપાવ્યું છે.

રાજકોટના અંજુબેન પાઉંએ ખુબજ ટુકા સમયમાં મેળવી સફળતા

1/5
image

મહિલાઓ મલ્ટીટાસ્કિંગ છે સાથે શસક્ત છે કે તેમને સશક્તિકરણની પણ જરૂર નથી જેનું દ્રષ્ટાંત રાજકોટની એક મહિલા પૂરું પાડી રહી છે. પુરુષ પ્રાધાન્ય દરેક ક્ષેત્રમાં મહિલાઓની આગેકુચ છે પણ એક એવું ફિલ્ડ કે જ્યાં કોઈ પણ મહિલાએ ક્યારે પણ ન વિચાર્યું નહિ હોય તેવા ક્ષેત્રમાં રાજકોટના અંજુબેન પાઉંએ ઝંપલાવી ખુબજ ટુકા સમયમાં મહત્વ પૂર્ણ સફળતા મેળવી છે. આ મહિલા અને વુમન એમ્પાવરમેન્ટને સિદ્ધ કરવા બિઝનેશ શરુ કર્યો છે 

આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે અમે તમને મળાવીશું એક એવી મહિલા સાથે કે જેને સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત વુમન એમ્પાવરમેન્ટને સિદ્ધ કરવા એક એવો વ્યવસાય શરુ કર્યો કે, જ્યાં ક્યારે પણ મહિલા ન પહોચી હોય રાજકોટના અંજુ પાઉંએ ચાર માસ પહેલા ૧ ઓક્ટોબર ૨૦૧૮થી પીકઅપ માય લોન્ડ્રીનો પ્લાન્ટ સ્થાપી બિઝનેશ શરુ કર્યો છે. અંજુ પાઉંની ટીમ ડોર ટુ ડોર જઇ લોન્ડ્રી માટેના ક્લોથ કલેક્શન કરી તેણે વોશિંગ કરી બાદમાં સ્ટીમ પ્રેસ કરી પરત ગ્રાહકોને પહોચાડે છે. લોન્ડ્રીના બિઝનેશમાં પુરુષોનું વર્ચસ્વ છે. પરંતુ અંજુ પાઉંએ સમગ્ર પ્લાન્ટનું સંચાલન કરી આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગાંધીધામની ટ્વિંક્લ કાપડીએ ભારતના એક છેડેથી બીજા છેડો ખુંદી વળી

2/5
image

જ્યારે દેશમાં એક બાજુ મહિલા સશક્તિકરણને લઇ અનેક યોજનાઓ બનાવવામાં આવે છે. ત્યારે એક બાજુ મહિલાઓનું ઘરની બહાર પણ નીકળવું મૂશ્કેલ બની જાય છે. જોકે, આજે પણ કોઇ મહિલાને ઘર કે એક શહેરથી બીજા શહેર જવુ હોય ત્યારે ઘરના કોઇને કોઇ સભ્ય સાથે રાખવા પડે છે. ત્યારે આજે અમે તમને એક એવી મહિલાની વાત કરી રહ્યાં છે જેણે એક શહેરથી બીજા શહેર નહીં પરંતુ ભારતના એક છેડેથી બીજા છેડા સુધી એકલા બાઇક રાઇડ કરી છે.

આદિપુરના મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી ટ્વિકંલ કપાડી જ્યારે 12 વર્ષની હતી તે સમયે તેના પિતા જે.બી. કાપડી અવસાન પામ્યા હતા. ત્યારબાદ માતા ઇન્દુબેન કપાડીએ એકલા હાથે પુત્ર અને પુત્રી બંનેમાં સંસ્કારોનું સિંચન કરવાની સાથે જ શિક્ષણ આપી ઉછેર્યા છે. ટ્વિકંલે દેશના પ્રથમ સુર્યોદય થાય છે તે અરૂણાચલ પ્રદેશના કીબીથુથી લઇને જ્યાં દેશમાં છેલ્લું કિરણ પડે છે તે કચ્છ જિલ્લાના કોટેશ્વર સુધીની તથા કચ્છથી લદાખ સુધીની બાઇક રાઇડ કરનાર પ્રથમ મહિલા બાઇક રાઇડર છે. 

સાડા ત્રણ વર્ષમાં તે 50 હજાર કિલોમીટરનો 21 રાજ્યોમાં પ્રવાસ ખેડી ચૂકી છે. વિશ્વના 12 દેશોની મુલાકત પણ લઇ ચુકી છે. માત્ર 22 વર્ષની ઉંમરે તેણે અમેરીકાની સેલિબ્રિટી ક્રુઝ લાઇનની ગેલેક્સી શીપ પરથી કામની શરૂઆત કરી હતી. ત્યારબાદ માદર વતનની યાદે ભારત ખેંચી આવી વિભન્ન સંસ્કૃતિઓથી દેશને ખુંદી વળાવનો નિર્ણય કર્યો હતો. ભૂટાનની બાઇક રાઇડિંગ કરી પરત ફરતા ટ્વિંકલે બોંગાઇના રેલ્વે સ્ટેશન પર એક માસુમ નાની બાળકીને ઉપાડી જવાની દાનતથી ફોંસલાવતા અસામાજીક તત્વોને પડકાર્યા હતા અને આરપીએફને જાણ કરી ગરીબ બાળકીને હ્યુમન ટ્રાફિકીંગનો ભોગ બનતા બચાવી હતી.

વલસાડના ભાનુબેને પૂરૂષાર્થના માર્ગે પર પોતાના ભાગ્યને દોડાવ્યું

3/5
image

વલસાડના ગાડરીયા ગામની 19 વર્ષીય યુવતી ભાનુબેનના લગ્ન છીબુભાઇ ઠાકોર સાથે થયા હતા. તેમના લગ્ન જીવનમાં પતિ પત્નીને ત્રણ પુત્ર અને ત્રણ પુત્રીના રૂપમાં સંતાનનું સુખ પ્રાપ્ત થયું હતું. જો કે, ભાનુબેનના પતિ છીબુભાઇને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. ત્યારબાદ તેઓએ સંસારિક જીવન ત્યજી હસ્તા ખેલતા પરિવારને એકલો છોડી સંયમના માર્ગ પર ચાલ્યા ગયા હતા. તે સમયે ભાનુબેન પર આભ તૂટી પડ્યું હોય તેમે આર્થિક સંકડામણ, સાસુ-સસરા અને 6 સંતાનોની જવાબદારીઓ તેમના માથે આવી ગઇ હતી. ત્યારે તેમણે જીવનના આ પડકારને સ્વિકારી પૂરૂષાર્થના માર્ગે પર પોતાના ભાગ્ય દોડાવવાનો નિર્ણય કર્યો હતો.

માત્ર બીજા ધોરણ સુધીનો અભ્યાસ અને પતિ દ્વારા દાંમ્પત્ય જીવનમાં સાથ છોડી દીધા બાદ પણ ભાનુબેને આર્થિક સંકડામણ વચ્ચે બે બળદ અને બે દૂધાળી ભેંસો સાથે પોતાની જાતને ખેતી તેમજ પશુપાલનના કામમાં સોંપી દીધી હતી. આ સાથે તેમણે ભીખથી ભૂંડી ભૂખને પડકાર આપી અને પોતે એક ટાણું કરી સંતાનોમાં શિક્ષણ, સંસ્કારનું સિંચન સાથે સાસુ-સસરાની સેવા અને અન્યોને મદદ રૂપ પણ થતા હતા. 

હાલમાં તેમના બે પુત્ર અને એક પુત્રી શિક્ષક તરીકે શાળામાં સેવા આપી રહ્યાં છે. જ્યારે એક પુત્ર લોક વિકાસના કામો કરી રહ્યો છે. તો એક પુત્રી સખી મંડળમાં જોડાયેલી છે. ત્યારે આજના ઝડપી યુગમાં અચાનક આવી પડતી નાની મોટી જવાબદારીઓથી ભયભીત થઇ કેટલાક કિસ્સાઓમાં જીવન ટૂંકાવનાર અને નાસીપાસ થનારા લોકો માટે એક નવી ઉર્જા પ્રદાન કરે છે.

આણંદના પ્રવિણાબેને મહિલાઓના હક્ક માટે જીવના જોખમે લડત આપી

4/5
image

આણંદ જાગૃતિ મહિલા સંગઠનમાં સામાજિક કાર્યકર તરીકે ફરજ બજાવતાં પ્રવિણાબેન મહિડાએ ગુજરાત નહીં રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, બિહાર હોય કે પછી દેશનું કોઇપણ રાજ્ય હોય તેઓ મહિલાઓને ન્યાય અપાવવા પહોંચ્યા છે. ઘણા વર્ષોથી તેઓએ 5 હજારથી વધુ મહિલાઓ માટે ન્યાયની લડત લડી છે. તેમજ 1 હાજરથી વધુ બાળકોને તેમની માતાને સોંપ્યા છે. 

ઘરેલું હિંસાનો ભોગ બન્યા બાદ અડાસ ગામના પ્રવિણા બેન મહિડા મહિલાઓના હક્ક માટે લડત આપવાનું બીડું ઉપાડ્યું છે. મહિલાઓના હક્ક માટે જીવન વ્યતિત કરનાર પ્રવિણા બેન રાત દિવસ જોયા વગર જીવના જોખમે ન્યાય માટે લડત આપી રહ્યાં છે. માત્ર 7 ધોરણ સુધી ભણેલા છે પણ એક એડવોકેટ કરતા પણ ચઢિયાતા છે.

પોરબંદરના મધુબેને પરિવારના ગુજરાન સાથે દીકરીને આપ્યું ઉચ્ચ શિક્ષણ

5/5
image

પોરબંદરના ખારવાવાડમાં રહેતા મધુબેન પ્રકાશભાઇ બાંડીયા ફીશમાર્કેટમાં છૂટક માછલી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ મહિલાના ચહેરા ઉપર દુ:ખની એક ઝલક પણ જોવા મળતી નથી. પરંતુ જ્યારે તેમણે પોતાના જીવનની કપરી પરિસ્થિતિ જણાવી ત્યારે થોડીવાર તો અચંબામાં પડી જવાય છે. તેમને સંતાનમાં એક દીકરી છે. જેને તેઓએ એક દિકરાની જેમ ઉછેરી એન્જીનીયરિંગનો અભ્યાસ કરાવ્યો છે.

જો મધુબનેની વાત કરીએ તો તેઓ ગ્રેજ્યુએટ થયેલા છે. તેમના લગ્ન પ્રકાશભાઇ બાંડીયા સાથે થયા હતા. તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો. પ્રકાશભાઇને દારૂની લગે લાગી જતાં તેઓ કોઇ કામધંધો કરતા ન હતા. જેના કારણે મધુબેનના માથે ઘરની સંપૂર્ણ જવાબદારી આવી ગઇ હતી. જેથી મધુબેને શરૂઆતમાં બ્યૂટી પાર્લર શરૂ કર્યું હતું અને પોતાના પરિવારનું ગુજરાન તેમજ એકની એક દીકરીમાં ઉચ્ચ શિક્ષણનું સિંચન કર્યું છે.

પ્રકાશભાઇના મૃત્યુ બાદ જાણે મધુબેન પર આભ તૂટી પડ્યુ હતું. મધુબેન પોરબંદરની મચ્છી માર્કેટમાં છૂટક માછલી વેચવાનો વેપાર કરી રહ્યાં છે. 8 કલાકની મહેનત બાદ માત્ર 200 રૂપિયા મળતા હતા. તેમ છતાં તેમણે હિંમત હાર્યા વગર પોતાનું તેમજ તેમની દીકરીનું પાલનપોષણ કરી રહ્યાં છે. અને તેમની દીકરીને પોરબંદરની સરકારી પોલીટેકનિક કોલેજમાં ટ્રાન્સપોર્ટેશન એન્જીનીયરીંગમાં અભ્યાસ કરાવ્યો છે.