Palaces of Gujarat: ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસના અડીખમ સાક્ષી એવા આ ભવ્ય મહેલો વિશે ખાસ જાણો, Photos
અલગ અલગ શાસનકાળ દરમિયાન બનેલા આ મહેલો છે જેની રચના અને શૈલી પણ અદભૂત અને અવીસ્મરણીય છે. કેટલાક પેલેસ એવા પણ છે જેને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા મોર્ડન ટચ પણ આપવામાં આવ્યા છે.
દેશ લોકશાહી બની ગયો છે પરંતુ રાજા રજવાડાઓના ભવ્ય ઈતિહાસની ઝાંખી આજે પણ જોવા મળે છે. ગૌરવશાળી ઈતિહાસ અને આજે પણ અડીખમ ભવ્ય મહેલો તેની સાક્ષી પૂરે છે કે રાજવી પરંપરાઓ, જુસ્સો, શૌર્ય, ઠાઠમાઠ, વગેરે કેટલું વૈભવશાળી હતું. ગુજરાતમાં આજે પણ એવા અનેક જાજરમાન મહેલો છે જેને જોઈને તમને આપણા ગૌરવશાળી અને ભવ્ય રજવાડાઓની આન બાન અને શાન પર ગર્વ થશે. આવા જ કેટલાક રાજા રજવાડાઓના ભવ્ય પેલેસ વિશે આજે આપણે જાણીશું.
ગુજરાતના કેટલાક જાણીતા મહેલો
ભાવનગરનો વિજય વિલાસ પેલેસ, કચ્છનો આઈના મહેલ (જૂનો મહેલ), અને પ્રાગ મહેલ, છોટા ઉદેપુરના કુસુમ વિલાસ પેલેસ અને પ્રેમ ભવન પેલેસ, ગોંડલના નવલખા પેલેસ, રિવરસાઈડ પેલેસ, ઓર્ચર્ડ પેલેસ, વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ, ઈડરનો દોલત નિવાસ પેલેસ, ભાવનગરનો નિલમબાગ પેલેસ ગુજરાતના કેટલાક જાણીતા મહેલો છે. ગુજરાતમાં મોટેભાગે મહારાજાઓનો વિન્ટેજ કારો પ્રત્યેનો પ્રેમ પણ છૂપાયેલો નથી. એવા પણ કેટલાક રાજાઓ હતા જેમના યુરોપમાં પણ ઘર હતા. ગુજરાતમાં કેટલાક મહેલો હજુ પણ રાજાઓની હાલની પેઢીઓ પાસે છે જ્યારે કેટલાક મહેલોને મ્યુઝિયમ કે પ્રવાસન સ્થળમાં ફેરવી દેવાયેલા છે.
લક્ષ્મી વિલાસ મહેલ, વડોદરા
લક્ષ્મી વિલાસ મહેલ વડોદરામાં આવેલા ગાયકવાડ રાજવંશના મહેલનું નામ છે. તે 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના આદેશ પર બનાવવામાં આવ્યો હતો. મહેલમાં આકર્ષક ધાતુની મૂર્તિઓ, જૂના હથિયારો, મોઝેઈક અને ટેરાકોટા રાખવામાં આવ્યા છે. આ મહેલ જ્યારે બંધાયો હતો ત્યારે તેની અંદાજિત કિંમત 3,00,000 સ્ટર્લિંગ પાઉન્ડની હતી.
નજરબાગ મહેલ
આ પણ વડોદરામાં આવેલો છે. જેને 19મી સદીમાં મલ્હાર રાવ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ મહેલ જો કે આજે જર્જરિત થઈ ગયો છે.
વિજય વિલાસ મહેલ
વિજય વિલાસ મહેલ અથવા વિજય વિલાસ પેલેસ એ ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલો રજવાડી મહેલ છે. તેનું નિર્માણ 1920માં જયપુરના કારીગરોએ કર્યું હતું. બાંધકામમાં રાજપૂત સ્થાપત્ય શૈલીની ઝલક જોવા મળે છે. લાલ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે, ફિલ્મોના શુટિંગ માટે પણ પસંદગીનું સ્થળ છે. હાલ હેરિટેજ હોટલમાં ફેરવાયેલો છે.
નવલખા પેલેસ
નૌલખા પેલેસ કે નવલખા મહેલ ગોંડલ શહેરનો સૌથી પ્રાચીન મહેલ છે. બાંધકામ 18મી સદીમાં (ઈ.સ 1748)માં કરવામાં આવ્યું હતું. તે વખતે તેને બનાવવાનો ખર્ચ 9 લાખ રૂપિયા આવ્યો હતો. આથી તેનું નામ નવલખા રાખવામાં આવ્યું હતું.
આઈના મહેલ
આઈના મહેલ એ કચ્છ જિલ્લાના ભૂજ શહેરમાં આવેલો 18મી સદીમાં નિર્માણ પામેલો મહેલ છે. તે પ્રાગ મહેલની બાજુમાં આવેલો છે. આ મહેલ 1761માં રાવ લખપતજી દ્વારા બનાવવામાં આવ્યો હતો. મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી રામસિંહ માલમ હતા. મહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે.
દોલત વિલાસ મહેલ
ગુજરાતની દોલત જેવો જ છે આ મહેલ. સાબરકાંઠાના હિંમતનગરમાં તે આવેલો છે. તેની ડિઝાઈન એકદમ યુનિક છે. કોઈ એને કિલ્લા જેવો કહે છે તો કોઈ વિંછી જેવો. દેશના અન્ય મહેલોથી એકદમ યુનિક દેખાય તે માટે ઈડર સ્ટેટના તત્કાલિન મહારાજા માનસિંહજી સાહેબ દ્વારા સ્કોર્પિયન (વીંછી) શેપમાં આ મહેલ બનાવડાવામાં આવ્યો હતો. તેનું નિર્માણ 1920 થી 1930 વચ્ચે કરવામાં આવ્યું હતું. દોલત વિલાસનો કેટલોક ભાગ હવે હોટલમાં ફેરવી દેવાયો છે.
રણજીત વિલાસ મહેલ
વાંકાનેરમાં આવેલો આ રણજીત વિલાસ મહેલ ઈ.સ. 1907માં વાંકાનેરના રાજા અમરસિંહે બનાવડાવ્યો હતો. મહેલ 225 એકરમાં ફેલાયેલો છે. સ્થાપત્ય અને કળાની દ્રષ્ટિએ એકદમ અજોડ છે. એક ટેકરી પર આવેલા આ મહેલમાં વોચ ટાવર છે. મહેલનો ઘુમ્મટ મુઘલ શૈલીનો, બારીઓ વિક્ટોરિયન પ્રકારની અને આગળ ફુવારો ઈટાલિયન સ્ટાઈલમાં છે. હાલ રાજાના વારસદારો તેની દેખભાળ કરે છે. અહીં રોયલ ઓએસીસ હોટલ પણ ઊભી કરાઈ છે.
Trending Photos