Gujarat Water Falls: આકરી ગરમીમાં ટાઢક આપતા ગુજરાતના આ 5 ધોધ વિશે ખાસ જાણો, પણ આ એક ધોધથી રહેજો દૂર

શિયાળાની વિદાય સાથે જ હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. વસંતમાં પણ આકરા તાપની અનુભૂતિ થાય છે. સૂરજ કહે છે કે હવે મારું કામ ત્યારે આવા સમયે ટાઢક આપે તેવા સ્થળોની મુલાકાત લેવી વધુ ગમતી હોય છે. ગુજરાતમાં સુંદર અને રમણીય બીચ, અદભૂત હિલ સ્ટેશનની સાથે સાથે ઠંડકનો અહેસાસ કરાવતા અને મનને પ્રફૂલ્લિત કરતા ધોધ પણ છે જે આકરી ગરમીમાં તમને ટાઢકનો અહેસાસ કરાવશે. જાણો ગુજરાતના આવા જ કેટલાક ધોધ વિશે....

ઝાંઝરી ધોધ

1/6
image

ઝાંઝરી ધોધ એ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે આવેલું મહત્વનું ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે. જે બાયડથી આશરે 12 કિમી દૂર બાયડ-દહેગામ રોડની દક્ષિણ બાજુએ અંદાજે 7 કિમી દૂર આવેલું છે. આ સ્થળે વાત્રક નદીમાં પડતો ધોધ  પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત ગંગામાતાનું મંદિર આવેલું છે જ્યાં ભૂતકાળમાં 24 કલાક શિવજીનો અભિષક એક ઝરણા દ્વારા થતો હતો. આ ધોધને માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. ધોધના નીચાણવાળા ભાગમાં પથ્થરોના ધોવાણના કારણે પડેલી બખોલમાં પાણી ભરાઈ રહે છે.  (માહિતી અને તસવીર સાભાર- ગુજરાત સરકાર arvalli.nic.in)

હાથણી માતા ધોધ

2/6
image

હાથણી માતા ધોધ એ ગુજરાતનો જાણીતો ધોધ છે. હાથણી માતાનો ધોધ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાથી 16 કિમી અને ઘોઘંબાથી 18 કિમી દૂર સરસવા ગામ આગળ આવેલો છે. હાલોલથી પાવાગઢ અને શીવરાજપુર થઈને પણ આ ધોધ તરફ જવાય છે. ગોધરાથી આ ધોધનું અંતર 56 કિમી. અને વડોદરાથી 80 કિમી દૂર છે.હાથણી માતાનો ધોધ ખૂબ ઉંચી ખડકાળ ટેકરીઓ વચ્ચે આવેલો છે એમાંની એક ટેકરી પરથી આવતી નદીનું પાણી, ટેકરીની ઉભી કરાડ પર થઈને ધોધરૂપે નીચે પડે છે. સામે ઉભા રહીને, ટેકરીના વાંકાચૂકા ખડકો પરથી ઉછળતો કૂદતો અને નીચે પડતો ધોધ જોવાની મજા આવે છે. ધોધ નીચે જે જગ્યાએ પડે છે ત્યાં પણ વાંકાચૂકા ખડકો અને સુંદર ઝરણાં પથરાયેલા છે. તથા આજુબાજુ વૃક્ષો અને ગીચ ઝાડી છે. એટલે ત્યાં સુધી પહોંચવાનું પણ અઘરું છે. આમ છતાં, ધીરે ધીરે સાચવીને ત્યાં જરૂર પહોંચી શકાય છે. જ્યાં ધોધ પડે છે તે જગાએ એક ગુફા છે. તેમાં હાથણીના આકારનો મોટો ખડક છે. 

ગીરા ધોધ

3/6
image

ગીરા ધોધ ડાંગ જિલ્લામાં બે અલગ સ્થળો પર તેમ જ અલગ અલગ નદી પર આવેલા જળધોધ છે. ડાંગ જિલ્લાના પશ્ચિમ ભાગમાં અંબિકા નદી પર વઘઈ નજીક આવેલ ગીરાધોધ એ આંબાપાડા ગામ પાસે આવેલો છે. વઘઈથી સાપુતારા જતા માર્ગ પર વઘઈથી આશરે 4 કિમીના અંતરે પશ્ચિમ દિશામાં દોઢ કિમી જાઓ તો આ ધોધ જોવા મળે છે. જ્યારે બીજો ડાંગ જિલ્લાના ઉત્તર ભાગમાં ગીરા નદી પર ગિરમાળ નજીક આવેલો છે. આહવાથી નવાપુર જતા માર્ગ પર આવેલા સુબિરથી 4 કિમી જેટલું દૂર શિંગાણા ગામથી પશ્ચિમ દિશામાં આઠ કિમીના અંતરે આ ધોધ જોવા મળે છે. (માહિતી અને તસવીર-સાભાર વિકીપીડિયા)

ઝરવાણી ધોધ

4/6
image

ઝરવાણી ધોધ નર્માદા જિલ્લામાં આવેલો છે જે નર્મદા ડેમ સાઈટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની બાજુ 28 કિમીના અંતરે છે. આ ધોધ ખુબ જ નયનરમ્ય છે. (માહિતી અને  તસવીર સાભાર- ગુજરાત સરકાર narmada.nic.in)

નિનાઈ ધોધ

5/6
image

નીનાદ ધોધ એ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં આવેલો છે. દેડીયાપાડાથી લગભગ 35 કિમી અને સુરતથી આશરે 143 કિમીના અંતરે છે. નજીકનું રેલવે સ્ટેશન ભરૂચ છે જે 125 કિમીને અંતરે છે. નજીકનું એરપોર્ટ સુરત છે. નીનાદ ધોધની ઊંચાઈ 30 ફૂટથી વધુ છે. (માહિતી અને  તસવીર સાભાર- ગુજરાત સરકાર narmada.nic.in)

જમજીર ધોધ

6/6
image

જમજીર ધોધ એ ગીર સોમનાથના જામવાળા નજીક આવેલો પ્રખ્યાત ધોધ છે. આ ધોધની મજા માણવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. ખુબ જ અદભૂત સૌંદર્ય ધરાવતા આ ધોધને જોવાની મજા કઈક અલગ છે. જો કે આ ધોધની નજીક જવામાં જોખમ પણ રહેલું છે. લીલુછમ વાતાવરણ અને પહાડોને ચીરીને તેની વચ્ચેથી નીકળતી વરસાદી પાણીની ધરા છેક ઉચાઇથી નીચે પડતી હોય આવો કુદરતી નજારો માત્ર ગીરમાં જ જોવા મળે છે. વાત કરીએ તો આ જમજીલ  ધોધ એક પર્યટન સ્થળ પણ છે. અહી તહેવારોના દિવસોમા લાખોની સંખ્યામા ટુરિસ્ટો આવતા હોય છે પરંતુ સેલ્ફીના શોખમાં યુવાનો અને ઉપરથી પાણીમાં છલાંગો મારતા ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હોવાથી આ જગ્યા પર સેલ્ફી કે નજીક જવા પર પ્રતિબંધ આદેશ પણ જાહેર કરાયા હતા.