PICS: 12 વર્ષનો આ બાળક દુનિયાભરમાં કરે છે યોગનો પ્રચાર, તેની પાસેથી ખાસ જાણો યોગના ફાયદા
સમગ્ર વિશ્વમાં 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ અનેક દેશોમાં મોટા પાયે યોગ દિવસની ઉજવણી થાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ માત્ર યોગ દિવસ જ નહીં પરંતુ ભારત માટે ગૌરવ દિવસ તરીકે પણ જોવામાં આવે છે. આ દિવસને ઉજવવામાં દેશના પ્રત્યેક વ્યક્તિની ભાગીદારી જોવા મળે છે. સમગ્ર વિશ્વ એક જેવું જોવા મળે છે. આ દિવસની જાગૃતતા ફેલાવવા માટે અનેક હસ્તીઓ પણ પોતાનું યોગદાન આપે છે. યોગ દિવસના અવસરે અમે તમને આજે એક એવા 12 વર્ષના બાળકની ઓળખ કરાવીશું જે વિશ્વ ભરમાં આટલી નાનકડી ઉંમરમાં યોગ એક્સપર્ટ તરીકે ઓળખાય છે.
આ બાળકે યોગના દમ પર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખુબ નામના મેળવી છે. આ નાનકડા બાળકને જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે તે 100થી પણ વધુ યોગ આસનોમાં માસ્ટર છે. બાળકનું નામ ધ્રુવ છે અને તેણે પોતાની પ્રતિભાના દમ પર આંતરરાષ્ટ્રીય સ્તર પર અનેક મેડલ ભારતને અપાવ્યા છે. ધ્રુવ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો રહીશ છે. તેણે સમગ્ર વિશ્વમાં યોગ અંગે જાગૃતિ ફેલાવી છે. અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મેળવ્યા છે. આટલી નાના ઉંમરમાં ધ્રુવ યોગ પોતે તો કરે જ છે અને સાથે સાથે લોકોને પણ શીખવાડે છે. ભારત અને વિશ્વભરમાં તેણે 40 હજારથી વધુ લોકોને યોગ સાથે જોડ્યા છે.
ધ્રુવનું કહેવું છે કે યોગને લઈને તેને નાનપણથી જ રૂચિ રહેલી હતી. તે પોતાની નાની સાથે યોગ શીખવા જતો હતો અને ત્યારબાદ તેણે યોગને પોતાના જીવનનો એક મહત્વનો હિસ્સો બનાવી લીધો. તે રોજ યોગ કરે છે. તેણે એમ પણ કહ્યું કે યોગ કર્યા બાદ તેનું દિમાગ એકદમ ફ્રેશ થઈ જાય છે અને આ કારણસર અભ્યાસમાં પણ સારું પરફોર્મ કરી શકે છે. તે ઈન્ડિયા ઉપરાંત મલેશિયા, શ્રીલંકા, અને દક્ષિણ કોરિયામાં પણ યોગના કાર્યક્રમમાં ભાગ લઈ ચૂક્યો છે.
ધ્રવની માતા વીનિતા શર્માનું કહેવું છે કે ધ્રુવ બાળપણથી જ યોગને લઈને ખુબ ઉત્સાહિત રહેતો હતો. તેનું ધ્યાન હંમેશા યોગ ઉપર રહેતું હતું. આ કારણસર ધ્રુવના પરિવારજનોને પણ ખુબ પ્રેરણા મળી છે. યોગથી તેની અભ્યાસ ઉપર ખુબ સારી અસર પડી છે. તેનું માઈન્ડ ખુબ શાર્પ થયું છે. તેને દરેક ઠેકાણે પ્રશંસા મળી છે. લોકો વચ્ચે તેની લોકપ્રિયતા ફેલાઈ છે. ધ્રુવ યોગના કારણે જ આટલો શિસ્તબદ્ધ લાઈફ જીવી રહ્યો છે.
હવે યોગ દિવસની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના દિવસે સંયુક્ત મહાસભામાં દુનિયાભરમાં યોગ દિવસ ઉજવવાનું આહ્વાન કર્યું હતું. પીએમ મોદીના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સ્વીકાર કરી લેવાયો. માત્ર ત્રણ મહિનાની અંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજનની જાહેરાત કરવામાં આવી. બીજા જ વર્ષે 2015માં પ્રથમવાર વિશ્વ યોગ દિવસ દુનિયાભરમાં ઉજવાયો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીના પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ 21 જૂનના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ.
2015માં લગભગ 35 હજારથી વધુ લોકોએ દિલ્હીના રાજપથ પર યોગાસન કર્યા. ખાસ વાત એ રહી કે તેમાંથી 84 દેશોના પ્રતિનિધિ સામેલ હતા અને 21 યોગાસનનો અભ્યાસ કરાયો. જે પોતાનામાં એક રેકોર્ડ હતો. ભારતમાં યોગ દિવસ પર થયેલા આટલા મોટા આયોજનને લઈને ગિનિસ બુકમાં પણ બે રેકોર્ડ નોંધાયા. જેમાંથી પહેલો રેકોર્ડ 35,985 લોકોનો એક સાથે યોગ કરવાનો હતો અને બીજો રેકોર્ડ 84 દેશોના પ્રતિનિધિઓનું એક સાથે આ સમારોહમાં ભાગ લેવા અંગેનો હતો.
Trending Photos