PHOTOS : આઝાદીના 70 વર્ષ બાદ દેશને મળ્યું 'રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ પાસે બનેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સોમવારે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. ઈન્ડિયા ગેટની પાસે વિશેષ રીતે તૈયાર કરાયેલા આ સ્મારકને ભારતની આઝાદીની લડાઈમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા સૈનિકોના સન્માનમાં બનાવાયું છે 

નવી દિલ્હીઃ 'ચક્રવ્યૂહ'ની સંરચનામાંથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવેલું 'રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક' ચાર વર્તુળાકાર પરિસર છે અને એક ઊંચો સ્મૃતિ સ્તંભ છે. જેના નીચે અખંડ જ્યોતિ પ્રજ્વલિત રહેશે. ઈન્ડિયા ગેટ પરિસરમાં પત્થરથી બનેલા સ્તંભના નીચે રહેલી જ્યોતિ પ્રગટાવીને 40 એકર વિસ્તારમાં ફેલાયેલા આ યુદ્ધ સ્મારકને વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. સંરક્ષણ સ્ટાફના લેફ્ટનન્ટ જનરલ પી. એસ. રાજેશ્વરે જણાવ્યું કે, 1971ના ભારત-પાક. યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની યાદમાં ઈન્ડિયા ગેટના નીચે 1972માં પ્રજ્વલિત કરાયેલી અમર જવાન જ્યોતિ પણ આ જ રીતે પ્રજ્વલિત રહેશે. 

25,942 શહીદોના નામ ધરાવતી 16 દિવાલ

1/8
image

અહીં ગ્રેનાઈટના પત્થરમાંથી 'ત્યાગ ચક્ર' અને 'રક્ષક ચક્ર' નામના વર્તૂળમાં 16 દિવાલો બનાવાઈ છે. આ દિવાલોમાં 25,942 શહીદોનાં નામ કોતરવામાં આવ્યા છે. દરેક ઈંટ પર શહીદ જવાનનું નામ, તેનું ઓળખપત્ર, તેની રેજિમેન્ટ અને રેન્ક લખવામાં આવ્યો છે. તેની એક મોબાઈલ એપ્લીકેશન પણ બનાવાઈ છે. જેમાં શહીદ જવાનનું નામ લખવાની સાથે જ તેના નામની ઈંટ ક્યાં આવેલી છે તે બતાવી દે છે. આ સાથે જ અહીં નવા નામ ઉમેરવા માટેની જગ્યા પણ રાખવામાં આવી છે. 

પરવીર ચક્ર વિજેતા 21 શહીદોના બાવલા

2/8
image

અહીં દેશનું સર્વશ્રેષ્ઠ સૈનિક સન્માન પરમવીર ચક્ર મેળવનારા 21 જવાનોના બાવલા 'પરમ યોદ્ધા સ્થળ'માં મુકવામાં આવ્યા છે. જેમાં વર્તમાનમાં જીવિત એવા ત્રણ સુબેદાર મેજર બાના સિંઘ (નિવૃત્ત), સુબેદાર મેજર યુગેન્દ્ર સિંઘ યાદવ અને સુબેદાર સંજય કુમારનો પણ સમાવેશ થાય છે. 

176 કરોડના ખર્ચે નિર્માણ

3/8
image

ઈન્ડિયા ગેટ પરિસરમાં 40 એકર વિસ્તારમાં બનેલા આ યુદ્ધ સ્મારકમાં ભારત-ચીન યુદ્ધ 1960, ભારત-પાક. યુદ્ધ 1947, 1965 અને 1971, શ્રીલંકામાં શાંતિની સ્થાપના માટે ગયેલી ભારતીય સેના અને 1999માં કારગિલ યુદ્ધ, આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ મિશનમાં શહીદ થયેલા ભારતીય જવાનોના નામ કોતરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં બનાવાયેલી 16 દિવાલો પર વિવિધ યુદ્ધમાં શહીદ થયેલા 25,942 જવાનોનાં નામ કોતરવામાં આવ્યા છે. 

અમર જવાન જ્યોતિ પણ પ્રજ્વલિત રહેશે

4/8
image

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં એક વિશેષ સ્તંભ બનાવીને તેના નીચે હંમેશાં પ્રજ્વલિત રહેનારી જ્યોતિ બનાવાઈ છે. જોકે, તેની સાથે જ ઈન્ડિયા ગેટ ખાતે જે 'અમર જ્યોતિ' બનાવવામાં આવેલી છે તે પણ હંમેશાં પ્રજ્વલિત જ રહેશે. અમર જવાન જ્યોતિનું નિર્માણ 1971ના ભારત-પાક. યુદ્ધના શહીદોની યાદમાં 1972માં બનાવાઈ હતી. 

દરરોજ યોજાશે શ્રદ્ધાંજલિ સમારોહ (રિટ્રીટ સેરેમની)

5/8
image

ચીફ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ લેફન્ટનન્ટ જનરલ પી.એસ. રાજેશ્વરે જણાવ્યું કે, આ નવ રાષ્ટ્રીય સ્મારકમાં દરરોજ સાંજે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાશે અને દેશના નાગરિકો તેમાં ભાગ લઈ શકશે. અહીં એકસાથે 250 લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના દરવાજા સવારે 9 કલાકે ખુલશે અને સાંજે 7.30 કલાકે બંધ કરવામાં આવશે. અહીં દર રવિવારે સવારે 9.50 કલાકે ગાર્ડ બદલવાની એક પ્રક્રિયા પણ યોજાશે.

ભારતીય સેના લડેલાં યુદ્ધ દર્શાવતી 6 દિવાલ

6/8
image

અહીં ભારતીય થલ સેના, વાયુ સેના અને નૌકાદળે લડેલાં પ્રખ્યાત યુદ્ધનું વર્ણન કરતાં તાંબાની 6 દિવાલો બનાવાઈ છે, સ્મારકની મધ્યમાં એક શિલા-સ્તંભ અને તેના નીચે હંમેશાં પ્રજ્વલિત રહેનારી જ્યોતિનું નિર્માણ કરાયું છે. 

આ વિસ્તારની વિશેષતાને જાળવી રખાઈ

7/8
image

આ સ્મારકનું નિર્માણ એવી રીતે કરાયું છે કે, ઈન્ડિયા ગેટ અને તેની આજુબાજુ વિસ્તારની ભવ્યતા જળવાઈ રહે. રસપ્રદ બાબત એ છે કે, તેના નિર્માણ માટે 22 ઝાડને ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેની સામે 715 નવા વૃક્ષો વાવવામાં આવ્યા છે. 

ચાર વર્તુળને અપાયા છે વિશેષ નામ

8/8
image

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના ચાર વર્તુળાકાર પરિસર બનાવાયા છે. દરેક વર્તુળને એક વિશેષ નામ અપાયું છે. 1. અમર ચક્ર (અમરત્વનું વર્તુળ), 2. વિરતા ચક્ર (બહાદ્દુરીનું વર્તુળ), 3. ત્યાગ ચક્ર (સમર્પણનું વર્તુળ) અને 4. રક્ષક ચક્ર (સુરક્ષાનું વર્તુળ). આઝાદી પછી રાષ્ટ્રની સુરક્ષામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા ભારતીય જવાનોને આ શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે.