વાહ રે રાજકારણ: અસ્થિ ઉંચકીને ફોટા પડાવ્યા, રાજકારણીઓએ સસ્તી પ્રસિદ્ધિ માટે તમામ હદો વટાવી

હાર્દિક દિક્ષિત, વડોદરા: પહેલા લોકોને ગેરમાર્ગે દોર્યા, કોરોનાથી મરવા દીધા અને બાદમાં અસ્થિ વિસર્જન કરી પુણ્ય કમાવવા નીકળ્યા, મૃતકોની અસ્થિઓ ઉચકી ફોટા પડાવી રાજકારણીઓએ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા તમામ હદ વટાવી લીધી છે. 

1/4

જીવલેણ કોરોના વાઇરસ ખરેખર મોટી સંખ્યામાં લોકોનો જીવ લઈ રહ્યો છે. જેના પુરાવા આજે રાજ્યના તમામ સ્મશાન ગૃહોમાં મોજુદ છે. કોરોનાનું ચિત્ર રાજકારણીઓને ભલે રંગબેરંગી લાગતું હોય પરંતુ આજ રાજકારણીઓ ના પાપે સેંકડો પરિવારો એ પોતાના સ્વજનો ગુમાવતા તમામની જિંદગી બેરંગ બની છે.

2/4

કોરોનાની વાસ્તવિક સ્થિતિને ધૂંધળી બનાવી લોકોને ગેરમાર્ગે દોરી નાગરિકોની જિંદગીના વહીવટદારોએ જાણતા અજાણતા અસંખ્ય લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. તેવામાં ભયના ઓથા હેઠળ જીવતા લોકો પોતાના સ્વજનોની અસ્થિ સ્મશાનોમાં લેવા જવાનું ટાળી રહ્યા છે. જેના કારણે સ્મશાનોમાં પોટલામાં પેક અસ્થિઓ મોક્ષની પ્રાપ્તિ માટે ચિખીચિખીને મદદ માંગી રહી છે.  

3/4

ત્યારે રાજકારણીઓએ લોકોને ગેરમાર્ગે દોરી મોતના હવાલે છોડી કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા અટવાયેલી અસ્થિઓનું વિસર્જન કરવાનો વારો આવ્યો છે. હદ તો ત્યારે થઈ શહેરના એક સ્મશાનમાં નેતાઓએ માત્રને માત્ર સસ્તી પ્રસિદ્ધ મેળવવા મૃતકોની અસ્થિઓ ઉચકી ફોટા પડાવ્યા. 

4/4

જો પહેલા જ નાગરિકોને ગેરમાર્ગે ન દોરી ચેતવ્યા હોત તો આજે જે સ્થિતિનું નિર્માણ થયું છે એ ન થયું હોત. અસંખ્ય લોકોને કોરોના ભરખી ગયો બાદમાં અસ્થિ વિસર્જન કરી પુણ્ય કમાવવાનો વારો ન આવ્યો હોત. પુણ્ય કમાવવાના (અસ્થિ ઉચકી ફોટા પડાવવા) પુરાવા આપવા પડે એવું શાસ્ત્રોમાં ક્યાંય લખેલું નથી.