બંગાળના ઉપસાગરમાં સક્રિય થશે સિસ્ટમ, ગુજરાતમાં 17 ઓગસ્ટથી ભુક્કા બોલાવશે વરસાદ, જાણો અંબાલાલની આગાહી
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં અત્યારે વરસાદ ધીમો પડી ગયો હોય તેમ લાગે છે. છેલ્લા કેટલાક દિવસથી માત્ર છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પરંતુ રાજ્યમાં હજુ વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે. આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.
શું છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે તે આગામી દિવસોમાં વધી શકે છે. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.
હજુ સક્રિય થશે સિસ્ટમ
પોતાની સચોટ આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે કહ્યું કે 15 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય થતાં 17થી 24 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ગુજરાતમાં ભુક્કા બોલાવશે. આ દરમિયાન રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. એટલે કો ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અતિ ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે.
તહેવારો સમયે વરસાદની સંભાવના
અંબાલાલની આગાહી પ્રમાણે 16થી 24 ઓગસ્ટે સારા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવી શકે છે. અંબાલાલે કહ્યું કે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પણ પાણી આવશે. હવામાન નિષ્ણાંતે કહ્યું કે 17 ઓગસ્ટના માખીઓનું જોર વધશે. તેમણે કહ્યું કે મઘા નક્ષત્ર આવે છે એટલે માખીઓનું જોર વધી શકે છે. તો 30 ઓગસ્ટે મચ્છરોનું જોર વધશે. એટલે કે લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.
ઓગસ્ટના અંતમાં પણ આવી શકે છે વરસાદ
25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે, ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પીંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે.
ક્યાં ક્યાં વરસાદ આવશે
અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તો વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણમા ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટાં આવી શકે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.
Trending Photos