Rajkot જાઓ તો આટલું જરૂર કરજો, જોવા જેવો છે રંગીલા રાજકોટનો રંગ

એકવાર જો કોઈ રાજકોટની મુલાકાત લે, તે તેને જીવનભર નહીં ભૂલી શકે. ઈતિહાસનું વર્ષોથી જતન કરી રહેલું રાજકોટ સતત ધબકતું રહે છે. અહીંના લોકોમાં એક ખુદ્દારી અને ખુમારી છે. તે તમને ભાગ્યે જ જોવા મળશે. 

ફાલ્ગુની લાખાણી, અમદાવાદઃ રાજકોટ તો રંગીલું શહેર છે. આ શહેરના દરેક ખુણામાં તમને કાંઈક ને કાંઈક નવીનતા જોવા મળશે. સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતા આ શહેરના લોકોનો મિજાજ પણ એટલો જ અનોખો છે. એકવાર જો કોઈ રાજકોટની મુલાકાત લે, તો તેને જીવનભર નહીં ભૂલી શકે. ઈતિહાસનું વર્ષોથી જતન કરી રહેલું રાજકોટ સતત ધબકતું રહે છે. અહીંના લોકોમાં એક ખુદ્દારી અને ખુમારી છે. તે તમને ભાગ્યે જ જોવા મળશે. જિંદગીને મનભરીને જીવવામાં માનનારા રાજકોટના લોકો ખૂબ જ ઝિંદાદીલ છે. સાથે ખાવાના પણ એટલા જ શોખીન. ભોજન અને નાસ્તાની અનેક વેરાઈટી તમને અહીં મળી રહેશે. આજે વાત કરીએ એવી જગ્યાઓની જેની તમારે રાજકોટ જાઓ ત્યારે ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ.

 

 

ઘરેણાં તો રાજકોટના જ

1/8
image

શું તમને ખબર છે રાજકોટની સોની બજારનું સ્થાન દેશની મોટી બજારોમાં છે. સોના અને ચાંદીના ઘરેણાં ખરીદવા માટે અહીંની સોની બજારની ખાસ મુલાકાત લેવી જોઈએ. આજે પણ રાજકોટમાં સોનાના ઘરેણાં હાથથી બને છે. હાથથી બનતા ઘરેણાં બોલીવુડના સેલેબ્સ પણ પસંદ કરે છે. તો રાજકોટ ચાંદીનું સૌથી મોટું નિકાસકાર છે. ચાંદીના ઘરેણાંમાં જોઈએ તેવી ડિઝાઈન રાજકોટની સોની બજારમાં મળી રહેશે.  

અનોખું ડોલ્સ મ્યુઝિયમ

2/8
image

દુનિયાભરની ઢીંગલીઓ અને સંસ્કૃતિથી રૂબરૂ થવાનું સ્થળ એટલે રાજકોટમાં આવેલું રોટરી ડોલ્સ મ્યુઝિયમ. 2004માં બનેલા આ ડોલ્સ મ્યુઝિટમમાં 102 દેશોથી લાવવામાં આવેલી 1600થી વધુ ઢીંગલીઓ રાખવામાં આવી છે. તમામ ઢીંગલીઓને તેમના દેશના પરંપરાગત વસ્ત્રોમાં સજાવવામાં આવી છે. જે તેમની સંસ્કૃતિને રજૂ કરી છે. દુનિયાભરની પરંપરાઓને હળવા અંદાજ માટે જાણવાનું આ સારું સ્થળ છે.  

કુછ મીઠા ઔર નમકીન ભી..

3/8
image

રાજકોટ પોતાના નાસ્તાની વેરાયટીઝ માટે જાણીતું છે. જયસિયારામના પેંડા હોય કે રસિકભાઈ ચેવડાવાળાની ચટણી સાથે ખવાતી બટાટાની વેફર. એક વાર ચાખશો તો સ્વાદ દાઢે રહી જશે. રાજકોટના ઘુઘરા, દાળ પકવાન, ભૂંગળા બટેટા પણ એટલા જ ચટાકેદાર હોય છે. સાથે જ જો આઈસક્રીમ ખાવું હોય તો રેસકોર્સ રિંગ રોડ પર આખી બજાર છે. જેવો જોઈએ તેવો આઈસક્રીમ મળી રહેશે.  

મેળો તો ભાઈ રાજકોટનો

4/8
image

રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર ખાસ મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાણી-પીણા, મનોરંજન અને ખરીદીનો સંગમ એટલે રાજકોટનો લોકમેળો. પાંચ દિવસ ચાલતા આ મેળાની મુલાકાત લાખો લોકો લે છે. ભાતીગળ સંસ્કૃતિ અને રાજકોટના રંગીલા મિજાજના પ્રતિક એવો મેળો મુલાકાત લેનારના હૈયે વસી જાય છે.   

બૌદ્ધ ગુફાઓનો અમર વારસો

5/8
image

ચોથી અને પાંચમી સદીની આ ગુફાઓ રાજકોટ પાસે આવેલા ગોંડલમાં આવેલી છે. ખાંભાલીડામાં આવેલી બૌદ્ધ ગુફાઓ ટુરિસ્ટ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. ચૈત્ય તરીકે ઓળખાતી આ ગુફા પહેલા સ્તુપ પણ હતા. કહેવામાં આવે છે કે, બૌદ્ધ સાધુઓએ અહીં ધ્યાન કર્યું હતું. ગુફામાં પ્રવેશ કરતા સમયે જ પદ્મપાણી અને વ્રજપાણી નામના સ્કલ્પચર આવેલા છે. કુશાળ-ક્ષત્રપ સમયની આ ગુફાઓની પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લે છે.  

ગોલા તો રાજકોટ જેવા ક્યાંય નહીં

6/8
image

ગોલા જેને સામાન્ય રીતે બરફના ગોળા કહેવામાં આવે છે. તે તમને રાજકોટ જેવા ક્યાંય નહીં ખાવા મળે. બરફના ગોળા પર અલગ-અલગ ફ્લેવરના સીરપ સાથે ડ્રાયફ્રૂટ અને ક્રીમ જ્યારે નાખવામાં આવે છે, ત્યારે તેની લહેજત ઓર વધી જાય છે. રાજકોટ જેવા ડીશગોલા ક્યાંય નથી બનતા.  

ગાંઠીયા-ફાફડા-જલેબીની લહેજત

7/8
image

સૌરાષ્ટ્ર સાથે ગાંઠીયા અને ફાફડા જલેબીનો વિશેષ અનોખો નાતો છે. ઑથેન્ટિકેટ ગાંઠીયા અને ફાફડા-જલેબીનો આસ્વાદ લેવો હોય તો રાજકોટ બેસ્ટ પ્લેસ છે. અહીં તમને 24 કલાક ફાફડા અને જલેબી મળી રહેશે. ગરમા ગરમ ફાફડા, પપૈયાનો સંભારો અને તીખા-તમતમતા તળેલાં મરચાં. સાથે ગરમ જલેબી તો ખરી જ. મોડી રાત્રે જશો તો તમને બટેટાની ચિપ્સ પણ મળી રહેશે. રાત્રે તેને ખાવાની લહેજત જ કાંઈક અલગ જ છે.  

ગાંધીજીને જાણો નજીકથી

8/8
image

મહાત્મા ગાંધીનું પૈતૃક ઘર જ્યાં તેમણે બાળપણના દિવસો વિતાવ્યા હતા તે રાજકોટમાં આવેલું છે. ઘી કાંટા રોડ પર આવેલા આ ઘરમાં 1881 થી 1887 સુધી રહ્યા હતા. જેને કબા ગાંધીને ડેલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મ્યુઝિયમને અત્યાધુનિક ટેક્નોલોજી સાથે બનાવવામાં આવ્યું છે. ગાંધીજીના જીવન, કવન અને સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે ખાસ આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.