આ દિગ્ગજ ક્રિકેટરોએ દેશ માટે બનાવ્યા અઢળક રન, પરંતુ વિદાય મેચ માટે જોતાં રહ્યા રાહ

ફેન્સનું પણ એ સપનું હોય છે કે તે પોતાના પસંદગીના ખેલાડીને છેલ્લી વાર મેદાન પર રમતાં જુએ અને તેને શાનદાર વિદાય આપી શકે. પરંતુ અનેક વખત એવા પ્રસંગ આવ્યા છે, જ્યારે દિગ્ગજ ખેલાડી આ સન્માનથી વંચિત રહી ગયા.

નવી દિલ્લીઃ એક ક્રિકેટરને રાષ્ટ્રીય ટીમમાં જગ્યા મેળવવા માટે આકરો અભ્યાસ અને સંઘર્ષ કરવો પડે છે. લાંબા સમય સુધી પોતાના દેશ માટે શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડી ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી લે છે. ફેન્સનું પણ સપનું હોય છે કે તે પોતાના પસંદગીના ખેલાડીઓને છેલ્લી વાર મેદાન પર રમતા જુએ અને તેમને શાનદાર વિદાય આપે. પરંતુ અનેક વખત એવા પ્રસંગ આવ્યા છે, જ્યારે દિગ્ગજ ખેલાડી આ સન્માનથી વંચિત રહી ગયા. જોકે કોઈ ખેલાડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી વિદાય માટે કોઈ ખાસ માપદંડ બન્યા નથી.


 

 

 

1. અનેક ખેલાડી ફેરવેલ મેચથી વંચિત રહી ગયા

2. ખેલાડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વિદાય માટે કોઈ માપદંડ નથી

3. ધોની, યુવરાજ, એબી ડિવિલિયર્સને ન મળ્યું સન્માન


 

કેવિન પીટરસન:

1/6
image

 

કેવિન પીટરસને ઈંગ્લેન્ડ માટે 104 ટેસ્ટ, 136 વન-ડે અને 37 ટી-20 મેચ રમી હતી. પીટરસને ટેસ્ટમાં 8181 રન બનાવ્યા. જ્યારે વન-ડેમાં 4440 રન અને ટી-20 મેચમાં 1176 રન બનાવ્યા. જમણા હાથનો આ બેટ્સમેન ઈંગ્લેન્ડ માટે ટેસ્ટમાં છઠ્ઠો સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. 2013-14માં ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા સામે 5-0થી કારમા પરાજયનો સામનો કરવો પડ્યો. આ હાર ટીમની નિરાશાનું સૌથી મોટું કારણ બની. 5 ટેસ્ટ મેચમાં 294 રન બનાવવા છતાં પીટરસન પસંદગીકારોના નિશાને આવી ગયો. પીટરસનને તેના પછી એકપણ મેચમાં રમવાની તક મળી નહીં. અને તેણે માર્ચ 2018માં નિવૃતિ જાહેર કરી દીધી.

મહેન્દ્ર સિંહ ધોની:

2/6
image

 

કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની ભારતના સર્વશ્રેષ્ઠ કેપ્ટનમાંથી એક છે. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ભારતને ત્રણ ICC ટાઈટલ અપાવ્યા. તેણે ડિસેમ્બર 2014માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું. પરંતુ તે વન-ડે અને ટી-20માં ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ રહ્યો. તેણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્લ્ડકપ 2019માં રમી હતી. 15 ઓગસ્ટ 2020ના રોજ મહેન્દ્ર સિંહ ધોનીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. ધોનીએ 350 વન-ડે, 98 ટી-20 ઈન્ટરનેશનલ અને 90 ટેસ્ટ મેચ રમીને 17,266 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 108 અર્ધસદી અને 16 સદી ફટકારી. ધોની સૌથી સફળ ભારતીય વિકેટકીપર પણ છે. તેણે ટેસ્ટમાં 294, વન-ડેમાં 444 અને ટી-20માં 91 શિકાર પોતાના નામે કર્યા છે.

એબી ડિવિલિયર્સ:

3/6
image

 

મિસ્ટર 360ના નામથી જાણીતા એબી ડિવિલિયર્સે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. તેની નિવૃતિની જાહેરાતથી આખું ક્રિકેટ જગત આઘાતમાં સરી પડ્યું હતું. છેલ્લા દિવસોમાં ડિવિલિયર્સની વાપસીને લઈને ચર્ચાઓનું બજાર ગરમ થયું હતું. પરંતુ ક્રિકેટ સાઉથ આફ્રિકાએ મંગળવારે જાહેરાત કરી કે ડિવિલિયર્સ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરવાનો નથી. ડિવિલિયર્સનું નામ વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી અર્ધ સદી (16 બોલમાં) અને સદી (31 બોલ)નો રેકોર્ડ છે. ડિવિલિયર્સે સાઉથ આફ્રિકા માટે 114 ટેસ્ટ મેચમાં 50.66ની એવરેજથી 8765 રન બનાવ્યા. જેમાં 22 સદી અને 46 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેણે 228 વનડે મેચમાં 53.50ની એવરેજથી 9577 રન બનાવ્યા. વન-ડેમાં તેના નામે 25 સદી અને 53 અર્ધસદીનો સમાવેશ થાય છે. ડિવિલિયર્સે 78 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં પણ પોતાની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. ટી-20 ઈન્ટરનેશનલમાં તેણે 26.12ની એવરેજથી 1672 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 10 અર્ધસદી નીકળી.

યુવરાજ સિંહ:

4/6
image

 

યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટના શાનદાર ઓલરાઉન્ડરમાંથી એક છે. યુવરાજ ભારતની બે વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ રહ્યો. ડાબા હાથના આ બેટ્સમેને બંને ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. યુવરાજે 304 વન-ડે મેચ રમ્યો, જેમાં તેણે 8701 રન બનાવ્યા. યુવરાજના નામે વન-ડે કારકિર્દીમાં કુલ 14 સદી અને 52 અર્ધસદી છે. યુવરાજે 40 ટેસ્ટ મેચમાં કુલ 1900 રન બનાવ્યા. જેમાં 3 સદી અને 11 અર્ધસદી છે. યુવરાજે 58 ટી-20 ઈન્ટરનેશનલમાં 1177 રન બનાવ્યા. જેમાં આઠ અર્ધસદી બનાવી છે. યુવરાજે ટેસ્ટમાં 9, વન-ડેમાં 111 અને ટી-20 ઈન્ટરનેશનલમાં 28 વિકેટ પોતાના નામે કરી. 2017માં યુવરાજે પોતાની છેલ્લી ટી-20 મેચ ઈંગ્લેન્ડ સામે રમી. તેના પછી તેને 2 વર્ષ સુધી ભારત માટે રમવાની કોઈ તક મળી નહીં. જેના કારણે તેણે જૂન 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી.

વીરેન્દ્ર સેહવાગ:

5/6
image

 

વીરેન્દ્ર સેહવાગના વિસ્ફોટક અંદાજના દરેક ફેન હતા. વિપક્ષી બોલરોની લેન્થ અને લાઈનને બગાડવામાં સેહવાગનો કોઈ જવાબ ન હતો. સેહવાગ ટેસ્ટ મેચમાં 2 ત્રેવડી સદી ફટકારનારો એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. તેમ છતાં તેને વિદાય મેચ ન મળી. તેણે 2013માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી મેચ રમી હતી. 2015માં પોતાના જન્મદિવસે તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું. સેહવાગે 104 ટેસ્ટ મેચ અને 251 વન-ડે મેચ રમી. ટેસ્ટમાં 23 સદી અને 32 અર્ધસદીની મદદથી 8596 રન બનાવ્યા. તો વન-ડેમાં 8273 રન બનાવ્યા. જેમાં 15 સદી અને 38 અર્ધસદીનો સમાવેશ થાય છે.

મેથ્યુ હેડન:

6/6
image

 

મેથ્યુ હેડન ઓસ્ટ્રેલિયાનો સફળ ઓપનિંગ બેટ્સમેન રહ્યો. હેડને 2003 અને 2007માં ઓસ્ટ્રેલિયાની વન-ડે વર્લ્ડકપ જીત દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી. મેથ્યુ હેડને 103 ટેસ્ટ મેચમાં 50.73ની એવરેજથી 8625 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 30 સદી અને 29 અર્ધસદી નીકળી. હેડને 161 વન-ડે મેચમાં 43.80ની એવરેજથી 6133 રન બનાવ્યા. જેમાં 10 સદી અને 36 અર્ધસદીનો સમાવેશ થાય છે. ખરાબ ફોર્મના કારણે જાન્યુઆરી 2009માં હેડને ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું.