ENG vs NZ: અમદાવાદમાં રચિન-કોનવેનું તોફાન, હવામાં ઉડી ગયું ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડની 9 વિકેટે જીત

World Cup 2023: ન્યૂઝીલેન્ડે વિશ્વકપ 2023માં ભવ્ય જીત સાથે શરૂઆત કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 9 વિકેટે પરાજય આપ્યો છે. 
 

ENG vs NZ: અમદાવાદમાં રચિન-કોનવેનું તોફાન, હવામાં ઉડી ગયું ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડની 9 વિકેટે જીત

અમદાવાદઃ ન્યૂઝીલેન્ડે આઈસીસી વનડે વિશ્વકપ-2023માં ધમાકેદાર શરૂઆત કરી છે. ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 9 વિકેટે કારમો પરાજય આપી 2019ના વિશ્વકપની ફાઈનલની હારનો બદલો લઈ લીધો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડને જીત માટે 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કીવી ટીમે 36.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. વિશ્વકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની હાર સાથે શરૂઆત થઈ છે. 

કોનવે અને રચિન રવિન્દ્રની અદ્ભુત ઈનિંગ
ન્યૂઝીલેન્ડ માટે રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવોએ અણનમ સદી ફટકારી હતી. બંનેએ બીજી વિકેટ માટે 211 બોલમાં 273 રનની અણનમ ભાગીદારી કરી હતી.
ડેવોન કોનવે 121 બોલમાં 19 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 152 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે રચિન રવિન્દ્ર 96 બોલમાં 11 ચોગ્ગા અને 5 સિક્સની મદદથી અણનમ 123 રન ફટકાર્યા હતા. રચિન રવિન્દ્ર માત્ર 23 વર્ષનો છે અને વિશ્વકપમાં આ તેની પ્રથમ મેચ હતી. 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમે 10 રનના સ્કોર પર વિલ યંગ (0) ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. યંગને સેમ કરને આઉટ કર્યો હતો. પરંતુ ત્યારબાદ કીવી બેટર કોનવે અને રચિન રવિન્દ્રએ ઈંગ્લેન્ડના બોલરોની ધોલાઈ કરી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે અનેક બોલરો અજમાવ્યા પરંતુ કોઈ બોલરને સફળતા મળી નહીં. 

જો રૂટની અડધી સદી
ઈંગ્લેન્ડ માટે જો રૂટે સૌથી વધુ 77 રન બનાવ્યા હતા. તેની પાસે સદી ફટકારવાની તક હતી પરંતુ રૂટ સદી ચુકી ગયો હતો. પોતાની ઈનિંગમાં જો રૂટે 86 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. રૂટ સિવાય કોઈ અન્ય બેટર મોટો સ્કોર બનાવી શક્યો નહીં. 

મધ્યક્રમમાં બેટિંગ માટે આવેલા ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે 43 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ઓપનર જોની બેટરસ્ટોએ 33 રન બનાવ્યા હતા. હેરી બ્રૂકે 25 અને લિયામ લિવિંગસ્ટોને 20 રનનું યોગદાન આપ્યું હતું.

ન્યૂઝીલેન્ડ માટે હેનરીએ ઝડપી ત્રણ વિકેટ
બોલિંગમાં ન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ કમાલ કર્યો હતો. હેનરીએ 10 ઓવરમાં 48 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય મિચેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સને બે-બે તથા રચિન રવીન્દ્ર અને ટ્રેન્ટ બોલ્ટને એક-એક સફળતા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news