મલ્હાર ઠાકરનો આજે જન્મદિવસ, બર્થડે ગિફ્ટમાં મળી નવી ફિલ્મ 'આજના સમાચાર'

જાણીતા ડિરેક્ટર વિરલ શાહ અભિનેતા મલ્હાર ઠાકર સાથે ત્રીજી ફિલ્મ બનાવશે જેનું નામ છે 'આજના સમાચાર'.

Updated By: Jun 28, 2020, 03:54 PM IST
મલ્હાર ઠાકરનો આજે જન્મદિવસ, બર્થડે ગિફ્ટમાં મળી નવી ફિલ્મ 'આજના સમાચાર'

ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: છેલ્લો દિવસ ફિલ્મથી ખુબ લોકપ્રિયતા મેળવનારા ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar) નો આજે જન્મદિવસ છે. 28મી જૂન 1990ના રોજ મલ્હારનો જન્મ થયો હતો. આજના દિવસે તેમને જાણીતા ડિરેક્ટર વિરલ શાહે અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર મલ્હાર ઠાકર સાથે ત્રીજી ફિલ્મ 'આજના સમાચાર' બનાવવાની જાહેરાત કરી. આ અગાઉ વિરલ શાહે મલ્હાર સાથે 'મીડનાઈટ્સ વીથ મેનકા' અને 'ગોળકેરી' ફિલ્મો બનાવી હતી. 

ઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મની જાહેરાત કરતી વખતે તેમણે કહ્યું કે અગાઉની જેમ જ આ ફિલ્મ વિશે પણ કોઈ યોજના નહતી. મલ્હાર અને હું ખાલી વાતો કરી રહ્યાં હતાં કે હાલના દિવસોમાં ન્યૂઝ ચેનલો કેવી રીતે TRP મેળવે છે. આ વાતોમાંથી આઈડિયા નીકળ્યો. એક ક્ષણે અમે અટકી ગયા અને બંને બોલી પડ્યા...ત્રીજી ફિલ્મ?

વિરલ શાહે વધુમાં ઉમેર્યું કે 'મલ્હાર સાથે મારી પહેલી ફિલ્મ ફેક બાયોપિક હતી. બીજી રોમેન્ટિક કોમેડી ડ્રામા હતી અને હવે ત્રીજી ફિલ્મ સંપૂર્ણ અલગ છે. મને લાગે છે કે ગુજરાતી સિનેમામાં આ પ્રકારની ફિલ્મ અગાઉ બની નથી.' 

વિરલ શાહ અને અતુલ ઉનડકત દ્વારા લિખિત આ ફિલ્મ હાલ જો કે પ્રાથમિક તબક્કામાં છે. લખાણ પર કામ થઈ રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ લોકડાઉન સંપૂર્ણ રીતે ઉઠાવાયા બાદ જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારપછી ચાલુ કરાશે.